સુરતમાં SMCના ડમ્પરચાલકે મહિલાને અડફેટે લેતા મોત

Share this story

સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો.

કતારગામ વિસ્તારમાં SMCના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. મોપેડ સવાર મહિલાને કચડી નાખતાં ૪૫ વર્ષીય દિવ્યાંગ મહિલા મનિષા નિકુંજ બારોટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો. સાથે જ લોકોએ અવારનવાર અકસ્માત થતાં હોવાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતાં.

અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી. જો કે, ડમ્પર ચાલકને બચાવવા Smcના અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. કતારગામ ઝોનલ અધિકારી કામિની દોષી સહિતના અધિકારી બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતાં. ઘટના સ્થળે આવવાના બદલે ડમ્પર ચાલકને બચાવવા પોલીસ મથક પહોંચેલા પાલિકાના અધિકારી કેમેરામાં કેદ થયા હતાં. જેથી લોકોએ કહ્યું કે, પાલિકા અધિકારીઓનો આત્મા મરી પરવાર્યો છે. મૃતકના પરિવાર પ્રત્યે કોઇ સવંદના નહીં ને અકસ્માત સર્જનારા પ્રત્યે સહાનુભૂતિ દાખતા અધિકારી જોવા મળ્યાં હતાં.

મૃતકના ભાણેજ હાર્દિક બરોટે જણાવ્યું હતું કે, હવે પાલિકા અને આ ડમ્પરના ડ્રાઈવર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઇયે . પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થલે ન પહોચીને ડમ્પર ડ્રાઇવરને કતારગામ પોલિસ સ્ટેશન જઈ છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે મનીષાબેનની દીકરી કોઈ આધાર રહ્યો નથી, તેના માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. હાલમાં પોલિસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-