બંગાળમાં ભાજપના નેતા ઉપર છ રાઉન્ડ ગોળીબાર, કાર પર બોમ્બ ફેંકાયો

Share this story

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કઈ હદે કથળી છે તેનું તાદૃશ્ય ઉદાહરણ આજે જોવા મળ્યું. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે થયેલા જંગાલિયતભર્યા અત્યાચારના વિરોધમાં છેલ્લા 15 દિવસથી બંગાળમાં નાગરિકોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેટલાક લોકોએ ભાજપના નેતા ઉપર ગોળીબાર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં ભાજપ નેતાનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો તે સમયે ભાજપ નેતા પાંડેય કારમાં હતા. મળતા અહેવાલ મુજબ આ ગોળીબારમાં પાંડેયના ડ્રાઈવરને પણ માથામાં ગોળી વાગી છે અને તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર દેખાવો કર્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.

આ પણ વાંચો :-