ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચમાં બારેમેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના વાલિયામાં બે દિવસમાં કુલ 18 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આજનો દિવસ ભારે છે.
આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ પાટણના સાંતલપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને અમદાવાદ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.
ભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે પત્રકાર પરિષદ યોજી, જેમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યુ કે ચાલુ સિઝનમાં રાજ્યમાં 118% વરસાદ પડ્યો છે. રાજ્યના 14 જિલ્લા સૌથી વધુ પૂરથી અસરગ્રસ્ત છે. તમામ જિલ્લાઓમાં રેસ્ક્યૂની કામગીરી કરાઈ છે. 42,083 લોકોનું સ્થળાંતર કરાયું છે. વિવિધ ટીમો દ્વારા સર્વે બાદ સહાયની ચુકવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે 22 મૃતકોના પરિવારજનોને ₹88 લાખની સહાય આપવામાં આવી છે. 2,223 કી.મી. રોડનું સમારકામ 10 દિવસમાં પૂર્ણ કરાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતી રહેશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પંચમહાલ સહિતના કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો :-