બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને 45 મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના ભારતમાં આશ્રય લઈ શકે છે. બાંગ્લાદેશની લશ્કરના વડાએ જાહેરાત કરી છે કે સેના વચગાળાની સરકાર બનાવશે. અગાઉ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી.
દેશના અનેક વિસ્તારોમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીનાની સાથે તેમની બહેન પણ ઢાકા છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે હસીનાને કહ્યું હતું કે તેમણે સન્માનજનક રીતે સત્તામાંથી રાજીનામું આપવું જોઈએ. દરમિયાન બાંગ્લાદેશના વડાંપ્રધાનના પુત્રએ સુરક્ષા દળોને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં આવતા અટકાવે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાઈ અને પરિણામો શેખ હસીનાની તરફેણમાં આવ્યા ત્યારે અમુક દેશો, ખાસ કરીને અમેરિકાને પસંદ પડ્યું નહોતું. અમેરિકાએ સત્તાવાર રીતે બાંગ્લાદેશનાં ચૂંટણી પરિણામો વિશે આશંકા વ્યક્ત કરી હતી. અને ત્યારથી બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાયેલી છે.
દરમિયાન ગયા મહિને સરકારી નોકરીઓમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના સગાસંબંધીઓની અનામતની ટકાવારી વધારવાની તરફેણમાં ત્યાંની એક અદાલતે ચુકાદો આપ્યો ત્યારથી આ હિંસા ચરમસીમાએ પહોંચી હતી. જોકે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના અનામત અંગેના ચુકાદાને સ્થગિત કરી દીધો ત્યારે એમ લાગતું હતું કે, હવે દેશમાં શાંતિ સ્થપાશે. પરંતુ થોડા દિવસની શાંતિ બાદ બે દિવસથી હિંસા વધી ગઈ હતી અને ઓછામાં ઓછા 300 નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો :-