વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાક્કા ખેલાડી બનાવી દીધા, સરકારનુ એક વર્ષ પૂર્ણ

Share this story
  • વિજય રૂપાણી સરકારના રાજીનામાની કમનસીબ ઘટના બાદ મોદીએ આશ્ચર્યજનક રીતે ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સોંપ્યું હતું
  • કોઇને કલ્પના પણ નહોતી કે છેવાડાની ખુરસીમાં બેસીને મીઠી સોપારી મમળાવતા ‘‘દાદા’’ રાજકરણના ખેલાડી પુરવાર થશે
  • પરંતુ વડાપ્રધાન મોદી અડીખમ ઢાલ બનીને ઉભા રહેતા ભૂપેન્દ્ર પટેલ પેલા ધ્રુવની માફક ‘‘અવિચલ’’ બની ગયા હતા અને નવી સરકારના એક વર્ષમાં મોદીના સપનાના ગુજરાતને સાકાર કરવા બાથભીડી હતી
  • પ્રથમ ટર્મમાં ઋજુ હદયના ભૂપેન્દ્ર પટેલ આંતરિક અને બાહ્ય અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અે એક તબક્કે ખુરસી ખાલી કરી દેવાની તૈયારી પણ કરી હતી

દાદા ભગવાનમાં અખૂટ શ્રધ્ધા અને કર્મના સિધ્ધાંતમાં દ્રઢપણે માનતા ભુપેન્દ્ર પટેલે તેમની બીજી વખતની સરકારમાં પ્રથમવર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. સતત વિકાસની દોટ અને પાંચ પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને ગુજરાતને વિકાસના માર્ગે લઇ જવાની આકરી કસોટી વચ્ચે ભુપેન્દ્ર પટેલની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું પરંતુ આ એક વર્ષ ક્યાં અને કેવી રીતે પસાર થઇ ગયું તેનો કોઇને અણસાર સુધ્ધા આવ્યો નથી. સદાય હસતા ચહેરા વચ્ચે ‘દાદા’એ વિતેલા વર્ષમાં પક્ષના આંતરિક સંકટોનો સામનો કર્યો હતો પરંતુ તેમના વહેવારમાં ક્યાંય પણ કડવાશ આવવા દીધી નહોતી. વડાપ્રધાન સહિત પક્ષના ટોચના નેતૃત્વનો વિશ્વાસ સતત જાળવી રાખવા સાથે સરકારના વહિવટમાં પણ તેમની કુનેહની હંમેશા પ્રતીતિ થયા કરે છે.

bhupendra-patel-Ep

સ્વભાવે ધીરગંભીર અને આક્રમકતાના અભાવને કારણે પ્રારંભે એવું લાગતુ હતુ કે ‘દાદા’ સરકાર કઇ રીતે ચલાવશે? પરંતુ ‘દાદા’ આવી શંકાઓનો ધરાર છેદ ઉડાડીને સરકારને વિકાસના માર્ગે દોડાવી રહ્યા છે. પ્રથમ વર્ષ કસોટીભર્યુ હતુ પરંતુ રાજકીય અને પક્ષની આંતરિક કસોટીમા પાર ઉતરી ગયા હતા અને પોતાની લોખંડી વહિવટી તાકાતને પરચો બતાવ્યો હતો.

સામાન્ય સંજોગોમા ભાજપમાં વડાપ્રધાન મોદીનો ‘‘ભરોસો’’ મેળવવો એ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે પરંતુ ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વાસ સંપાદન કરવામાં ‘‘ભરોસાના માણસ’’ પુરવાર થયા હતા. પક્ષની આંતરિક ગડમથલમાં કોઇ ફરિયાદ ન‌હી અને વિકાસના કામોના લક્ષ્યાંક પારપાડીને ભુપેન્દ્ર પટેલે પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવીને ખુદ વડાપ્રધાનના ‘વિકાસ’ના લક્ષ્યને બળ આપ્યું હતું. મેટ્રોરેલ, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ-વે સહિત માળખાગત સુવિધાઓ સમય પહેલા ઉભી કરવાની વડાપ્રધાનની ઝંખનાને ભુપેન્દ્ર પટેલ સમયસર સાકાર કરતા આવ્યા છે. વળી આ વખતની ‘‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિ‌ત’’ ભૂતકાળની સમિટ કરવા વધુ પ્રભાવક, અસરદાર અને પરિણામલક્ષી પુરવાર થશેઃ વડાપ્રધાન મોદી પણ ગુજરાતને વિવાદ રહીત ‘‘વિકાસ મોડેલ’’ બનાવવા માંગે છે આ ઇચ્છા પુરી કરવામાં ભુપેન્દ્ર પટેલ ઠંડી તાકાત પુરવાર થશે.

ગુજરાતની છેલ્લી ચૂંટણીઓ વખતે વડાપ્રધાન મોદીએ ‘‘નરેન્દ્ર’’ અને ‘‘ભુપેન્દ્ર’’ની જોડી વારંવાર ચૂંટણી સભાઓમાં ઉજાગર કરી હતી અને ભુપેન્દ્ર પટેલને નેતૃત્વ ઉપર ભરોસો મૂક્યો હતો. આ ભરોસો વિતેલા એક વર્ષની સરકારની કામગીરીએ ચરિતાર્થ પુરવાર કરી બતાવ્યો છે. વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, ખેતી, સામાજિક સહિત કોઇ એક પણ પાસુ એવું નથી કે ભુપેન્દ્ર પટેલની સરકારના એજન્ડાની બહાર હોય.
પક્ષની મૂળભૂત વિચારધારા અને લોકકલ્યાણના કામોને હંમેશા પ્રાથમિકતા આપતા રહ્યા છે. ગુજરાતના કોઇ એક ખૂણામાં પણ અસલામતિ કે અશાંતિને સ્થાન મળ્યું નથી, ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવા માટે ભુપેન્દ્ર પટેલની સરકારે સતત પરસેવો પાડયો છે. સરકાર અને પક્ષના સંગઠનના માળખા વચ્ચે પણ ભુપેન્દ્ર પટેલ એકરાગિતા જાળવવામાં સફળ પુરવાર થયા છે.

વિપક્ષના લોકોને ઉમળકા સાથે આવકાર અને તેમની વાત સાંભળવાની કુનેહને લઇને વિપક્ષ સભ્યોને પણ સરકારની ટીકા કરવી હોય તો પણ મુદ્દો મળવા દીધો નથી. પરિણામે ગુજરાતમાં ‘‘ભાજપની જડ’’ વધુ મજબૂત બની રહી છે.
પક્ષના કેટલાક લોકોને નહી ગમે એવા નિર્ણય પણ દાદાની સરકારે કર્યા હશે પરંતુ જાહેર જનતાના હિતમાં નિર્ણય મહત્ત્વનો હોવાથી પક્ષમાંથી વિરોધ ઉઠવાનો અવકાશ રહેવા દીધો નથી.

ભુપેન્દ્ર પટેલે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાતમાં બીજી વખત સરકારનુ સુકાન સંભાળ્યું હતુ. વિતેલા એક વર્ષ દરમિયાન કોઇ એવી ઘટના બનવા પામી નથી કે સરકારની કામગીરી, નિર્ણયો સામે વિવાદ ઉભા થયા હોય. તેમના પુરોગામી વિજય રૂપાણીની સરકારે રાજીનામુ આપ્યું કે રાજીનામુ માંગી લેવામાં આવ્યું અને નવા મુખ્યમંત્રી તરીકે અચાનક લોકોની કલ્પના બહાર ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે ઘણા લોકોએ આંચકો અનુભવ્યો હતો. શાંત અને નિર્મળ સ્વભાવના ભુપેન્દ્ર પટેલ પક્ષમાં કે જાહેર જીવનમાં ક્યારેય પણ ચર્ચામાં આવ્યા નહોતા. હંમેશા છેવાડાની ખુરસીમાં બેસીને મીઠી સોપારી મમળાવતા રહેતા ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામા આવી ત્યારે ખુદ ભુપેન્દ્ર પટેલ ચોંકી ગયા હતા.

આ ઘટના તેમના જીવનની સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના હતી. પરંતુ દાદા ભગવાનના ભરોસા સાથે તેમણે મુખ્યમંત્રીપદ સ્વીકારી લીધુ હતું. તેમનો પ્રથમ કાર્યકાળ ખરેખર આનંદદાયક નહોતો પરંતુ સદાય હસતા રહેવામાં માનતા ભુપેન્દ્ર પટેલ પ્રથમ તબક્કામાં અનેક કડવા ઘુંટડા ગળી ગયા હતા. નજીકના લોકોના કહેવા મૂજબ એક તબક્કે તેઓએ મુખ્યમંત્રીપદ છોડી દેવાનો લગભગ નિર્ણય કરી લીધો હતો પરંતુ વડાપ્રધાન મોદી, અમિતશાહ, આનંદીબેન સહિત વરિષ્ઠ નેતાઓનો ‘ભરોસો’ તેઓ તોડવા માંગતા નહોતા અને પુરી મક્કતા સામે સરકાર ચલાવી હતી અને ત્યાર પછીની વિધાનસભાની ચૂંટણીમા ૨૫૬ બેઠકોના પ્રચંડ વિજય સાથે વડાપ્રધાન મોદીએ તેમને ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રીપદનો તાજ પહેરાવ્યો હતો સાથે ગુજરાતને બુલેટની ઝડપે વિકાસના શિખર ઉપર લઇ જવાની જવાબદારી સોંપી હતી અને સરકારના વિતેલા પ્રથમ વર્ષમાં ભુપેન્દ્ર પટેલ કસોટીમાં પાર ઉતરી ગયા હતા. પુત્રની ગંભીર બીમારી છતાં ભુપેન્દ્ર પટેલે ચલિત થયા વગર સરકારનું સુકાન સંભાળી રાખ્યું હતું એક તરફ પુત્રની સારવાર અને બીજી તરફ સરકારની જવાબદારી પરંતુ આ બન્‍ને મોરચે ભુપેન્દ્ર પટેલ સફળ સુકાની પુરવાર થયા હતા.

‘‘બ્રેઇન સ્ટ્રોક’’ જેવી ગંભીર બીમારી છતા પુત્ર હેમખેમ સારો થઇ ગયો હતો આ ઘટનાને પણ માનીએ તો ‘‘દાદા ભગવાન’’નો ચમત્કાર ગણી શકાય અને બીજી તરફ સરકાર પણ વિકાસના માર્ગે નક્કી કરેલા એજન્ડા પ્રમાણે આગળ દોડી રહી હતી.

આ પણ વાંચો :-