રાજકોટમાં ફરી એક વાર બે યુવાનોના હાર્ટ એટેકથી મોત

Share this story

રાજકોટમાં વધુ બે યુવા હૃદય ધબકારા ચુકી ગયાની ઘટના સામે આવી છે. શહેરમાં મોરબી રોડ ઉપર રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ૨૨ વર્ષીય તબીબનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત કોઠારીયા રોડ નંદા હોલ પાસે રહેતો યુવાન પણ બે દિવસથી ઘરમાં બેભાન પડેલો હોય હોસ્પિટલમાં ખસેડાતા મોતને ભેટ્યો હોવાનું જણાવાયું હતું.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના ૨૮૫૩ કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં  છ મહિનામાં હાર્ટ એટેકથી ૧૦૫૨ જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર ૧૧થી ૨૫ વર્ષની છે. રાજ્યમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ ૧૭૩ કોલ આવે છે.

રાજકોટના મોરબી રોડ પર ડી.કે. સ્કૂલ પાછળ, સેટેલાઇટ ચોકમાં આવેલ ધારા એવન્યુમાં રહેતા ડો.અવિનાશ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉ.વ.૨૨) શહેરની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટરનશીપ પણ કરતા હતા. ખાનગી હોસ્પિટલમાં મુખ્યત્વે નાઈટ ડ્યુટી રહેતી હોવાથી શનિવારે રાત્રે નાઈટ ડ્યુટી કરી ગત રોજ સવારે ૯ વાગ્યે ઘરે આવ્યા હતા. ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી તે સુઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતકના પિતાએ જણાવ્યા મુજબ, ડો.અવિનાશ બે ભાઈમાં નાના હતા. આયુર્વેદ સારવારની બી.એ.એમ.એસ. ડીગ્રી મેળવ્યા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતા. તેમને કોઈ બીમારી નહોતી. પિતાએ પોલીસને આપેલ નિવેદન મુજબ ડો.અવિનાશને નખમાં પણ રોગ નહોતો. છતાં અચાનક આ રીતે મૃત્યુ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી મોત થયાનું તબીબોનું માનવું છે.

આ પણ વાંચો :-