JNUમાં વિરોધ કરવા પર ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ, બીજી સજા વધુ આકરી!

Share this story

દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અનેક વિવાદોને કારણે વારંવાર ચર્ચામાં આવે છે. આ યુનિવર્સિટીએ અનેક વિદ્યાર્થીઓના આંદોલનોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે યુનિવર્સિટી પ્રશાસનના એક આદેશે સૌને ચોંકાવી દીધા છે. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે JNU કેમ્પસની અંદર વિરોધ પ્રદર્શન કરવા અથવા રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવા પર ભારે દંડ કરવામાં આવશે. JNUમાં જ દેશ વિરોધી નારા લગાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં હજુ સુધી કોઈને સજા થઈ નથી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હવે વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં. જેએનયુ પ્રશાસને આ અંગે આદેશ જારી કર્યો છે. નવા આદેશ અનુસાર કેમ્પસમાં વિરોધ કરવા પર ૨૦,૦૦૦ રૂપિયા અને રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા પર 1૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન ABVPના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એક આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-