ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરવાના છે. તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા બાદ પરત ફરી રહ્યા છે. આખી દુનિયા તેમના સુરક્ષિત પાછા ફરવાની રાહ જોઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ આ પત્ર પ્રખ્યાત અવકાશયાત્રી માઈક માસિમિનો મારફતે સુનિતા વિલિયમ્સને મોકલ્યો હતો. પત્રમાં તેમણે સુનિતાને “ભારતની પુત્રી” તરીકે સંબોધીને તેમની સલામત વાપસી માટે શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ લખ્યું, “હું ભારતના 1.4 અબજ લોકો વતી તમને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું. તાજેતરમાં એક કાર્યક્રમમાં મને માઈક માસિમિનો મળ્યા. તેમની સાથેની વાતચીતમાં તમારો ઉલ્લેખ થયો, અને અમે તમારી સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો. આ ચર્ચા બાદ હું તમને આ પત્ર લખવાથી રોકી શક્યો નહીં.”
વડાપ્રધાન મોદીએ પત્રમાં સુનિતાના પરિવારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, “બોની પંડ્યા તમારી વાપસીની આતુરતાથી રાહ જોતા હશે, અને મને ખાતરી છે કે દીપકભાઈની પ્રાર્થનાઓ હંમેશા તમારી સાથે છે. મને યાદ છે કે 2016માં તમારા અમેરિકા પ્રવાસ દરમિયાન હું તમને અને તેમને મળ્યો હતો.” તેમણે સુનિતાને ભારત આવવાનું આમંત્રણ આપતા કહ્યું, “તમારી વાપસી બાદ અમે તમને ભારતમાં આવકારવા માટે ઉત્સુક છીએ. અમારી દીકરીને ભારતની ધરતી પર સ્વાગત કરવું એ અમારા માટે ગૌરવની ક્ષણ હશે.”

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરિક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરિક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે.
નવા ક્રૂ નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને ડોન પેટિટને પૃથ્વી પર પરત મોકલશે. તેઓ 19 માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતાઓ NASAએ રજૂ કરી છે. તેમના સ્થાને ISSમાં નવા ચાર અંતરિક્ષયાત્રી કામગીરી સંભાળશે. આ ચાર અંતરિક્ષયાત્રીમાં એની મેકક્લેન, નિકોલ આયર્સ, તાકુયા ઓનિશી, અને કિરીલ પેસકોવ સામેલ છે.