પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર હવે દેશના પરિવહન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે માલ પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સે જણાવ્યું હતું કે ઈંધણના વધતા ભાવોને કારણે માલભાડા એટલે કે ફ્રેટ કોસ્ટમાં અંદાજે 3 ટકા સુધી વધારો થઈ શકે છે. સાથે જ તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ આ વધારાનો બહાનો બનાવીને વસ્તુઓના ભાવમાં અતિશય વધારો ન કરે.
કોલકાતામાં ચારેય મહાનગરોની સરખામણીએ સૌથી વધુ ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે. અહીં પેટ્રોલના ભાવમાં ₹3.29નો વધારો થતાં ભાવ ₹108.74 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ ₹3.11 મોંઘું થતાં ₹95.13 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
અન્ય શહેરોમાં કેટલો થયો વધારો?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹97.77 અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટર થઈ ગયો છે.
- મુંબઈમાં પેટ્રોલ ₹106.68 અને ડીઝલ ₹93.14 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
- ચેન્નાઈમાં પેટ્રોલ ₹103.67 અને ડીઝલ ₹95.25 પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે.
- ગુજરાતમાં પેટ્રોલ ₹97.95 અને ડીઝલ ₹93.73 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
- રાજ્યોમાં વેટના દર અલગ હોવાના કારણે ભાવોમાં તફાવત જોવા મળી રહ્યો છે.
માલભાડા પર કેટલો પડશે અસર?
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર એસોસિએશનના સંયુક્ત સચિવ સુનીલ અગ્રવાલ એ જણાવ્યું હતું કે હાલની ભૂ-રાજકીય પરિસ્થિતિને જોતા ઈંધણના ભાવમાં વધારો પહેલાથી જ અનુમાનિત હતો. તેમના જણાવ્યા મુજબ ઈંધણ મોંઘું થતાં માલ પરિવહન ખર્ચમાં અંદાજે 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જોકે કુલ ટ્રાન્સપોર્ટ ખર્ચ પર તેની અસર મર્યાદિત રહેશે.
તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બહાનો બનાવીને સામાનના ભાવમાં બિનજરૂરી અને અસંગત વધારો ન કરે. તેમણે ઉમેર્યું હતું કે ટ્રક ઓપરેટર્સ પહેલેથી જ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે, તેથી રાજ્ય સરકારોએ સ્થાનિક ટેક્સ અને લિવીમાં રાહત આપી મદદ કરવી જોઈએ.
કેબ ઓપરેટર્સને પણ વધ્યો બોજ
બીજી તરફ, પશ્ચિમ બંગાળ ઓનલાઈન એપ કેબ ગિલ્ડના મહાસચિવ ઇન્દ્રનીલ બેનર્જી એ જણાવ્યું હતું કે ઈંધણના વધેલા ભાવને કારણે કેબ ઓપરેટર્સ પર દરરોજ ₹50થી ₹60 સુધીનો વધારાનો બોજ પડશે. તેમણે પણ રાજ્ય સરકાર પાસે ટેક્સમાં રાહત આપવાની માંગ કરી છે જેથી વધેલી કિંમતોની અસર ઓછી થઈ શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉછાળો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 11 અઠવાડિયા સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, પરંતુ સતત વધી રહેલા ખર્ચને કારણે હવે ભાવમાં આંશિક વધારો કરવો પડ્યો છે.