વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીમાં 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને ક્લાઈમેટ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 3 સુપર કોમ્પ્યુટર દિલ્હી, પુણે અને કોલકાતામાં લગાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે લોન્ચ કરાયેલા ત્રણ સુપર કોમ્પ્યુટર ભૌતિક વિજ્ઞાનથી લઈને પૃથ્વી વિજ્ઞાન અને કોસ્મોલોજી સુધીના અદ્યતન સંશોધનમાં મદદ કરશે. આ એવા ક્ષેત્રો છે જેમાં આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વ ભવિષ્યની દુનિયા તરફ જોઈ રહ્યું છે. આજે, ડિજિટલ ક્રાંતિના આ યુગમાં, કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો સમાનાર્થી બની રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જે પ્રત્યક્ષ રીતે ટેક્નોલોજી અને કમ્પ્યુટિંગ ક્ષમતા પર આધારિત ન હોય. ઈન્ડસ્ટ્રી 4.0માં ભારતની સફળતાનો આ સૌથી મોટો આધાર છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજનો દિવસ વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં ભારત માટે મોટી ઉપલબ્ધિનો દિવસ છે. આજે 21મી સદીનું ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનને પ્રાધાન્ય આપીને કેવી રીતે આગળ વધી રહ્યું છે તેનું પ્રતિબિંબ પણ છે. આજે ભારત અવકાશ ક્ષેત્રે એક મોટી શક્તિ બની ગયું છે. અન્ય દેશોએ અબજો ડોલર ખર્ચીને જે પણ સફળતા મેળવી છે, તે આપણા વૈજ્ઞાનિકોએ મર્યાદિત સંસાધનો સાથે મેળવી છે.
ભારતે 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. થોડા દિવસ પહેલા જ સરકારે તેના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દીધી છે. આજે સેમિકન્ડક્ટર પણ વિકાસનું આવશ્યક તત્વ બની ગયું છે. ભારત સરકારે પણ આ દિશામાં ભારત સેમિકન્ડક્ટર મિશન જેવું મહત્ત્વનું અભિયાન શરૂ કર્યું છે. આટલા ઓછા સમયમાં અમે સકારાત્મક પરિણામો જોવાનું શરૂ કર્યું છે. ભારત તેની પોતાની સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ બનાવી રહ્યું છે, જે વૈશ્વિક પુરવઠા શૃંખલાનો મહત્વનો ભાગ હશે.
આ પણ વાંચો :-