Home Blog Page 97

અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી: 11 મહિનાથી કામ કરતી સેલ્સ ગર્લ્સ ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારના એક જ્વેલર્સ શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગઈ છે.આરોપી હર્ષિદા શેટ્ટીએ શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં જ દાગીના છુપાવ્યા હતા અને માલિકે રજા આપી હોવાનું જૂઠું બોલી શો-રૂમમાંથી બહાર ગઈ હતી. નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘આભૂષણ’ નામનો સોના-ચાંદીનો શો-રૂમ ધરાવે છે. આ શો-રૂમમાં મેનેજર અને સેલ્સમેન સહિત કુલ 19 લોકોનો સ્ટાફ કાર્યરત છે. 11 મે 2026ના રોજ બપોરે જ્યારે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે શો-રૂમમાં હાજર સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ આ ચોરીને અંજામ આપ્યો હતો. હર્ષિદા છેલ્લા 11 મહિનાથી આ શો-રૂમમાં નોકરી કરતી હતી.

ચોરીની ઘટનાની જાણ સાંજે 5 વાગ્યે થઈ હતી જ્યારે દર્શનભાઈ શો-રૂમ પર પરત ફર્યા હતા. એક ગ્રાહક ખરીદી માટે આવ્યા ત્યારે સ્ટાફના કર્મચારી કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ બાબતે તપાસ કરતા સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી ગેરહાજર જણાઈ હતી. અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે હર્ષિદા 4.30 વાગ્યે માલિકની રજા લઈને ઇમરજન્સી કામ હોવાનું કહી નીકળી ગઈ છે. દર્શનભાઈએ કોઈ રજા આપી ન હોવાથી શંકા જતા તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરા તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી સાંજે 4થી 4.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે આવેલા કબાટમાંથી સોનાના દાગીના કાઢી પોતાના ખિસ્સામાં મુકતી જોવા મળી હતી. ત્યારબાદ તે બીજા માળે આવેલા સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને ચહેરા પર સ્મિત સાથે બહાર નીકળી ગઈ હતી. ઘટના બાદ તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

શો-રૂમમાં સ્ટોકની તપાસ કરતા સોનાની ચેઇન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી યુવતીએ સોશિયલ મીડિયા પર ‘Stay Loyal’નું સ્ટેટસ રાખ્યું હતું. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધી ફરાર સેલ્સ ગર્લની શોધખોળ શરૂ કરી છે.

મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવનું નિધન, MBA બાદ રિયલ એસ્ટેટ અને ફિટનેસ બિઝનેસમાં કમાયો મોટો દબદબો

0

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું 38 વર્ષની વયે નિધન થયું છે. પ્રતીક યાદવ એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં તેમણે હંમેશા રાજકારણથી દૂરી જાળવી રાખી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી MBA કરનાર પ્રતીકે રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી હતી.

મીડિયા અહેવાલ અનુસાર પ્રતીક યાદવની કુલ સંપત્તિ કરોડોમાં હોવાનો અંદાજ છે. રિયલ એસ્ટેટ વ્યવસાયમાં તેમની અંદાજિત સંપત્તિ 6-7 કરોડ આંકવામાં આવી હતી. આ ઉપરાંત, લખનૌમાં હાઈ-પ્રોફાઈલ જીમ અને ફિટનેસ સેન્ટર્સ દ્વારા પણ તેઓ મોટી કમાણી કરતા હતા. જો કે તેઓ લક્ઝરી કારના શોખીન હતા અને તેમની પાસે 5 કરોડની કિંમતની લેમ્બોર્ગિની સહિત રેન્જ રોવર જેવી ગાડીઓનું શાનદાર કલેક્શન પણ હતું.

પ્રતીક યાદવ રિયલ એસ્ટેટ અને જીમ વ્યવસાયની સાથે લકઝરી કારના શોખીન હતા. તેમની પાસે કાર કલેક્શનમાં આશરે ₹5 કરોડની કિંમતની લેમ્બોર્ગિની શામેલ છે તે વાત પરથી જ અંદાજ લગાવી શકાય છે. વધુમાં જણાવીએ તો પ્રતીક યાદવના કાર કલેકશનમાં રેન્જ રોવર્સથી લઈને ટોયોટા ફોર્ચ્યુનર્સ સુધીની લક્ઝરી કારનો સમાવેશ થાય છે. તેઓ કાર રેસિંગનો પણ શોખીન હતા.

ઉલ્લેખનીય છે કે એક અગ્રણી રાજકીય પરિવાર સાથેના સંબંધો હોવા છતાં, પ્રતીક યાદવે હંમેશા પોતાને રાજકારણથી દૂર રાખ્યા છે. તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ શક્ય હોય ત્યાં સુધી રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. આ જ કારણ છે કે, સમાજવાદી પરિવારમાંથી હોવા છતાં, તેમણે અત્યાર સુધી કોઈ ચૂંટણી લડી નથી. પ્રતીક યાદવે લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવી અને રાજકારણથી દૂર રહીને GIF, ફિટનેસ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી હતી

બારામતીમાં ફરી વિમાન દુર્ઘટના: ટેકનિકલ ખામી બાદ ખેતરમાં ક્રેશ લેન્ડિંગ

0

પૂણે જિલ્લાના બારામતીમાં એરપોર્ટ પાસે આજે ફ્રી એકવાર એક ટ્રેનિંગ વિમાનનો એક્સિડન્ટ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટેકઓફ કર્યાના થોડાક્ જ સમયમાં વિમાનમાં ટેકનિકલ ફેલ્યર થયું હતું અને વિમાન પાસેના ખેતરમાં ક્રેશ થઈ ગયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે સવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ ટ્રેનર એરક્રાફ્ટનું બારામતી ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ દ્વારા સંચાલિત એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ ઘટના બારામતી હવાઈ પટ્ટી વિસ્તારને અડીને આવેલા ગોજુબાવી ગામ પાસે બની હતી. જેના કારણે આ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આજે સવારે સુમારે 8:40 વાગ્યે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા.

એરક્રાફ્ટ લેન્ડિંગ પહેલાં બહુ જ ઊંચાઇએ ઊડી રહ્યું હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર એરક્રાફ્ટ બહુ જ નીચે ઊડી રહ્યું હતું તેવે સમયે તેમાં ટેકનિક સમસ્યા સર્જાઈ હતી. ક્રેશ લેન્ડિંગની વાત કરવામાં આવે તો વિમાનની એક બાજુ જમીન પર અથડાઇ તે પહેલા લાઇટ પોલ સાથે તકરાયું હતું. એમ તેમણે જણાવ્યું હતું.

આ ઘટના સવારે 10:30થી 10:45ની વચ્ચે બની હતી. અમે પાસેના જ એક ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક એક વિમાન નીચે આવતું જોયું. ઉતરતી વખતે વિમાન સીધું આવીને જમીન પર અથડાયું ન હતું, પણ હવામાં ચક્કર ખાતું રહ્યું હતું અને પછી આ ખુલ્લી જગ્યામાં તૂટી પડ્યું હતું. સદનસીબે પાયલોટ વિમાનમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

પ્રાથમિક અહેવાલે અનુસાર તાલીમાર્થી પાયલટ સલામત રીતે બચી ગયો હતો અને તેને કોઈ મોટી ઈજા થઈ ન હતી. જોકે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: પીએમ મોદીની અપીલ બાદ કાફલામાં ઘટાડો, હવે માત્ર 2 કાર સાથે જ કરશે મુસાફરી

વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર કાપ મુકવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલને લઈને ગુજરાતમાં અમલ પણ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે, હવાઈ મુસાફરી પણ નહીં કરે, મુસાફરી કરવા માટે ખાલી સરકારી બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે.

વડાપ્રધાને કરેલી પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે.

હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દસથી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.

સુરતમાં 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખી વૃદ્ધ સાથે 1.47 કરોડની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો

0

સુરત શહેરના એક ૭૨ વર્ષીય સિનિયર સિટીઝનને નિશાન બનાવી સાયબર માફિયાઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ના બહાને રૂ. ૧.૪૭ કરોડથી વધુની રકમ પડાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે આ હાઈપ્રોફાઈલ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી મુખ્ય આરોપી ઉર્જિત સચ્ચિદાનંદ કવિની ધરપકડ કરી છે.

આરોપીએ વૃદ્ધને મની લોન્ડરિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિના ખોટા કેસમાં ફસાવી સતત ૨૮ દિવસ સુધી માનસિક દબાણમાં રાખી આ જંગી રકમ પડાવી લીધી હતી.

સાયબર ગઠિયાઓએ ફરિયાદી વૃદ્ધને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI ઓફિસર હોવાની ઓળખ આપી હતી. ગઠિયાઓએ એવી સ્ક્રિપ્ટ રચી હતી કે, ‘તમારા ઓળખ કાર્ડના નંબર પરથી લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે અને તેનાથી દેશવિરોધી મેસેજ મોકલાયા છે.’ આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને સતત ૨૮ દિવસ સુધી વીડિયો કોલ પર નજરકેદ હેઠળ રાખી ‘ડિજિટલ એરેસ્ટ’ કરાયા હતા.સાયબર ક્રાઈમની ટીમે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે માલૂમ પડ્યું કે પીડિતના રૂ. ૧.૪૭ કરોડમાંથી રૂ. ૩૯ લાખ સીધા જ અમદાવાદના રહેવાસી ઉર્જિત કવિના ICICI બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.

અમદાવાદના ‘સેવી સ્વરાજ-૧’ ફ્લેટમાં દરોડો પાડી પોલીસે ઉર્જિતને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીના આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ રૂ. ,૮૪,૯૩,૬૨૮ના શંકાસ્પદ વ્યવહારો થયા છે, જે દેશભરના લોકો સાથે થયેલી છેતરપિંડીના હોવાની આશંકા છે. NCCRP પોર્ટલ મુજબ મુખ્ય સૂત્રધાર ઉર્જિત કવિના આ એક જ એકાઉન્ટ વિરુદ્ધ દેશ વિવિધ રાજ્યોમાં ૧૨ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

આયાત ડ્યુટી વધતાં સોનું ચાંદી ખરીદવા મુશ્કેલ થયા

સોનું એક વર્ષ સુધી નહીં ખરીદવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ત્યારથી જ સરકાર કોઈ પગલાં ભરશે એવી દહેશત હતી જ. અને બુધવારે સોના તથા ચાંદી પરની આયાત ડ્યુટી બમણાં કરતાં પણ વધારી દેતાં હવે સોનું તથા ચાંદી ખરીદવું મુશ્કેલ બની જશે. સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે.

બુધવારે એક સૂચના બહાર પાડી કિંમતી ધાતુઓની વિદેશી ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઓછું કરવાના પગલાંના ભાગ રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સરકારે સોના અને ચાંદીની આયાત પર 10 ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને 5 ટકા કૃષિ માળખાગત અને વિકાસ ઉપકર લાદ્યો છે, જેનાથી અસરકારક આયાત કર 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે. મતલબ કે ભારતમાં આવતા સોના અને ચાંદીના દાગીના વેપારીઓ, ઝવેરીઓ અને અંતે ગ્રાહકો સુધી ઊંચા ભાવે પહોંચશે. જ્યારે આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ પર કોઈ અસર થશે નહીં, તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવને અસર કરી શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાના દાગીના ન ખરીદવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સોનાની ખરીદી એ એક બીજું પાસું છે જે વિદેશી ચલણનો ઘણો ઉપયોગ કરે છે. એક સમય હતો જ્યારે લોકો કટોકટી દરમિયાન રાષ્ટ્રીય હિત માટે સોનું દાન કરતા હતા. આજે, દાનની કોઈ જરૂર નથી, પરંતુ રાષ્ટ્રીય હિતમાં, આપણે નક્કી કરવું જોઈએ કે એક વર્ષ માટે, જો ઘરે કોઈ ઘટના હોય, તો આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ.”

પીએમ મોદીની મોટી પહેલ: કાફલામાં 50% ગાડીઓ ઘટશે, ઈંધણ બચત માટે સરકારી વિભાગોને કડક સંદેશ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ અને ઉદાહરણીય નિર્ણય લીધો છે. પીએમ મોદીએ પોતાની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધી ઘટાડો કરવામાં આવે. પીએમના આ નિર્ણયને સરકારના અન્ય મંત્રીઓ અને વિભાગો માટે પણ ખર્ચમાં બચત કરવાનો સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, પરંતુ નવી ખરીદી નહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (EV) નો ઉપયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે આ માટે કોઈ નવી ગાડીઓ ખરીદવામાં નહીં આવે, જેથી સરકારી તિજોરી પર વધારાનો આર્થિક બોજ ન પડે. SPG દ્વારા પીએમના આ નિર્દેશો પર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે સુરક્ષાની ‘બ્લૂ બુક’ મુજબના તમામ નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

ઈંધણ બચાવવા જનતાને પણ અપીલ

તાજેતરમાં હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ દેશની જનતાને સોનું ન ખરીદવા અને ઈંધણ બચાવવા અપીલ કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો નોંધાયો છે, જ્યારે શિપિંગ વ્યવસ્થામાં પણ અવરોધ ઊભા થયા છે.

જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલમાં 60 દિવસ માટે પૂરતો તેલ અને ગેસનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: 72 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે એકસાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ આદેશો અનુસાર, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. જામનગરના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર બનશે.

વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ

કચ્છના કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી આપવામાં આવી છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડા (GEDA) માં નિયામક તરીકે મુકવાની સાથે MD GPCL અને MD UGVCL નો મહત્વનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના નવા કમિશનર તરીકે પ્રભવ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં મહત્વના ફેરફારો

નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક

  • તેજસ દિલીપભાઈ પરમાર – નવા કલેક્ટર, સુરત
  • નિતિન વી. સાંગવાન – નવા કલેક્ટર, વલસાડ
  • દેવ ચૌધરી – નવા કલેક્ટર, તાપી-વ્યારા
  • મનીષ ગુરવાની – નવા કલેક્ટર, નવસારી
  • દેવેન્દ્ર પ્રકાશ મીના – જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત

પશ્ચિમ બંગાળના હુગલીમાં TMC ઓફિસ ઉપરથી બોમ્બ-હથિયારોનો જથ્થો મળતા ખળભળાટ

0

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હુગલી સ્ટેશન નજીક આવેલા હૉકર્સ માર્કેટના ધાબા પરથી મોટી માત્રામાં ધારદાર હથિયારો અને દેશી બોમ્બ મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ માર્કેટની નીચે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું પાર્ટી કાર્યાલય આવેલું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

બાતમીના આધારે પોલીસે કર્યો દરોડો

પોલીસને ગુપ્ત બાતમી મળતા તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડબ્બાઓમાં છુપાવી રાખવામાં આવેલા દેશી બોમ્બ અને તીક્ષ્ણ હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી તમામ શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો કેદી ફરાર, હાઈ સિક્યોરિટી તંત્રની પોલ ખુલ્લી

રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલમપોલ, સ્ટાફની બેદરકારી અને આંતરિક વિવાદોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના રેઢીયાળ તંત્રનો જીવતો જાગતો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે હત્યા અને પોક્સોના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેઈન ગેટમાંથી ફરાર થઈ ગયો. હાઈ સિક્યોરિટી ધરાવતી જેલમાંથી કેદી ભાગી છૂટતા જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.

ગણતરી દરમિયાન ખુલ્યો કેદી ફરાર થવાનો ભાંડો

રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓને રાખવામાં આવ્યા હતા. નિયમિત ગણતરી દરમિયાન માત્ર 32 કેદીઓ હાજર મળતા માલદે પરમાર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જેલમાં તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલદે પરમાર જેલ સ્ટાફને ચકમો આપી મેઈન ગેટમાંથી બહાર નીકળતો નજરે પડ્યો હતો.

હત્યા અને પોક્સો કેસમાં ભોગવી રહ્યો હતો આજીવન કેદ

માલદે પરમાર સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. શરૂઆતમાં તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને વર્ષ 2025માં સારવાર અને દેખરેખ માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.