Home Blog Page 95

PCOS હવે PMOS: મહિલાઓની આ ગંભીર બીમારીને મળ્યું નવું નામ, બદલાશે સારવારની રીત

0

મહાન લેખક વિલિયમ શેકસ્પિયર ના પ્રસિદ્ધ નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’નો એક ડાયલોગ ખૂબ જ લોકપ્રિય છે. “નામમાં શું રાખ્યું છે?” પરંતુ હવે એક મેડિકલ સ્થિતિના નામને લઈને જ મહત્વપૂર્ણ અભ્યાસ સામે આવ્યો છે. જાણીતી મેડિકલ જર્નલ The Lancet માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર હવે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)નું નામ બદલીને પોલીએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ (PMOS) રાખવામાં આવ્યું છે. આ ફેરફારનો સીધો અસર વિશ્વભરની લગભગ 17 કરોડ મહિલાઓ પર પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બદલાવથી હવે આ બીમારીની ઓળખ, તપાસ અને સારવાર વધુ ઝડપથી થઈ શકશે.

17 કરોડ મહિલાઓ પર કેમ પડશે અસર?
વિશ્વભરમાં અંદાજે 17 કરોડ મહિલાઓ PCOSથી પ્રભાવિત છે, તેથી આ નામ બદલાવનો અસર મોટા પાયે જોવા મળશે. ‘દ લાન્સેટ’માં પ્રકાશિત અભ્યાસ મુજબ દર 8માંથી 1 મહિલા આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ બીમારી મહિલાઓના હોર્મોન, ફર્ટિલિટી અને સમગ્ર સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?
ઘણા વર્ષોની ચર્ચા અને સંશોધન બાદ PCOSનું નામ બદલીને PMOS રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જૂના નામના કારણે ઘણીવાર આ બીમારીની ઓળખ અને સારવારમાં મોડું થતું હતું. પરિણામે અનેક મહિલાઓને સમયસર સારવાર મળી શકતી નહોતી અને લાંબા સમય સુધી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે લાંબા સમય સુધી PCOSને માત્ર ગાયનેકોલોજિકલ અથવા ઓવરી સંબંધિત બીમારી માનવામાં આવતી હતી. પરંતુ હવે અનેક સંશોધનો અને પુરાવાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિમાં ઇન્સુલિન, એન્ડ્રોજન, ન્યુરો-એન્ડોક્રાઇન અને ઓવેરિયન હોર્મોનમાં થતી ગડબડીઓ પણ સામેલ હોય છે.

નિદાનમાં મોડું કેમ થતું હતું?
અભ્યાસ મુજબ PCOSના નિદાન માટે ઓવરીમાં સિસ્ટ હોવું જરૂરી માનવામાં આવતું હતું. જોકે ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે દરેક મહિલામાં સિસ્ટ હોવું જરૂરી નથી. ઘણી મહિલાઓમાં સિસ્ટ વગર પણ આ સમસ્યા જોવા મળે છે. આ કારણે યોગ્ય સમયે નિદાન અને સારવારમાં વિલંબ થતો હતો.

‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો કેમ ઉમેરાયા?
સંશોધકોના જણાવ્યા અનુસાર PMOSમાં ‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો ઉમેરવાનો મુખ્ય હેતુ તેના વિવિધ લક્ષણોને વધુ સારી રીતે રજૂ કરવાનો છે. કારણ કે આ સ્થિતિ એન્ડોક્રાઇન, મેટાબોલિક, પ્રજનન, માનસિક અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલી છે. તેથી નિદાન વખતે આ તમામ પરિબળોને ધ્યાનમાં લેવું જરૂરી બન્યું છે.

હવે નિદાન માટે કયા લક્ષણોને આધાર માનવામાં આવશે?
20 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓમાં નીચેના લક્ષણોમાંથી ઓછામાં ઓછા બે લક્ષણો હોવા જરૂરી રહેશે, જ્યારે 10થી 19 વર્ષની કિશોરીઓમાં પ્રથમ બે લક્ષણો ફરજિયાત ગણાશે.

ઓલિગો એનોવ્યુલેશન

  • ક્લિનિકલ અને બાયોકેમિકલ હાઇપરએન્ડ્રોજેનિઝમ
  • અલ્ટ્રાસાઉન્ડમાં પોલિસિસ્ટિક ઓવરી અથવા AMHનું ઊંચું સ્તર
  • મેટાબોલિક લક્ષણો જેમ કે સ્થૂલતા, અસામાન્ય બ્લડ શુગર, ટાઇપ-2 ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલનું અસામાન્ય સ્તર, લિવર સંબંધિત સમસ્યાઓ, હૃદયરોગ અને સ્લીપ એપ્નિયા
  • પ્રજનન સંબંધિત લક્ષણો જેમ કે અનિયમિત માસિક, ગર્ભધારણમાં મુશ્કેલી, ઇન્ફર્ટિલિટી અને એન્ડોમેટ્રિયલ કેન્સર
  • માનસિક લક્ષણો જેમ કે ડિપ્રેશન, ચિંતા, જીવનની નબળી ગુણવત્તા અને ઇટિંગ ડિસઓર્ડર
  • ત્વચા સંબંધિત લક્ષણો જેમ કે મુખાસા, વાળ પડવાના પેચ અને ચહેરા પર વધારે વાળ આવવા

PCOSનું નામ બદલીને PMOS રાખવામાં આવવું એ દર્શાવે છે કે આ માત્ર ઓવરી અથવા સિસ્ટ સુધી મર્યાદિત બીમારી નથી, પરંતુ તેની પાછળ અનેક શારીરિક અને હોર્મોનલ પરિબળો જવાબદાર છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવા નામથી મહિલાઓમાં વધુ યોગ્ય અને સમયસર નિદાન શક્ય બનશે, જે સારવાર અને મેનેજમેન્ટ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આકરો વધારો, સુરતના અનેક પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ના બોર્ડ

દેશ સહિત ગુજરાતમાં આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતાં તેનો નવો ભાવ ₹97.43 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તેનો ભાવ ₹93.29 થયો છે. અગાઉ ડીઝલનો ભાવ ₹90.11 હતો. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે અમલમાં આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર વહેલી સવારે જ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અચાનક અમલમાં આવેલા આ વધારાના કારણે વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોને સીધી આર્થિક અસર સહન કરવી પડી હતી. લોકોમાં ભાવવધારાને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.

સુરતના પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ
આ બધાની વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હતી. શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ એવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરાના એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનમાં ટેમ્પો દ્વારા ડીઝલ ભરાવી લઈ જતું દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

સુરતના વરાછા, કતારગામ, પર્વત પાટિયા, જહાંગીરપુરા, ડિંડોલી, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં નવા સ્ટોકની આવક ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર ઇંધણ ખૂટી ગયું હતું. પરિણામે પંપ સંચાલકોએ ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લગાવી પંપ બંધ રાખ્યા હતા.

આ દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇંધણની અછત અને વધેલા ભાવને કારણે શહેરમાં લોકોમાં ચિંતા અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો.

ધાર ભોજશાળા કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, પરિસરને મંદિર જાહેર કરી હિંદુ પક્ષને પૂજાનો અધિકાર

0

ધાર ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હિંદુ પક્ષના વકીલોના જણાવ્યા અનુસાર અદાલતે ભોજશાળા પરિસરને હિંદુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમાજ અને મુસ્લિમ પક્ષની અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે, જેના પર અદાલતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અદાલતના નિર્ણય બાદ ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવીના મંદિર તરીકે માન્યતા આપવામાં આવી છે. નિર્ણય બાદ ધાર જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર હાઈ અલર્ટ પર છે.

1200 પોલીસકર્મીઓ તૈનાત
અદાલતના ચુકાદા બાદ ધાર જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. STF સહિત આશરે 1200 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને શહેરના દરેક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

ASIએ કોર્ટમાં રજૂ કરી હતી રિપોર્ટ
આ પહેલા ASI દ્વારા કોર્ટમાં 2100 પાનાંની વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. અદાલતે આ રિપોર્ટને મહત્વપૂર્ણ માન્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોતાનો અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો.

98 દિવસ સુધી ચાલેલા સર્વે બાદ તૈયાર કરાયેલી આ રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ ખોદકામ દરમિયાન મૂર્તિઓ, સિક્કાઓ અને અનેક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે પરમારકાળીન ઈમારતના પાયાના પથ્થરો પર બાદમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન મળેલા થાંભલા અને સ્થાપત્યના આધારે એવું જણાયું કે આ માળખું પહેલા મંદિરનો ભાગ હતું, જેને બાદમાં મસ્જિદના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર પરિસરમાં ચારેય દિશામાં કુલ 188 થાંભલા મળી આવ્યા હતા, જેમાં 106 ઊભા અને 82 આડા થાંભલા સામેલ હતા. આ થાંભલાઓની રચનાથી એવું સંકેત મળે છે કે તેઓ મૂળ મંદિર સ્થાપત્યનો ભાગ હતા. રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે થાંભલાઓ પર બનેલી દેવી-દેવતાઓ અને માનવ આકૃતિઓને બાદમાં સાધનો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું નિવેદન
ધાર-ભોજશાળા કેસ અંગે વકીલ વિષ્ણુ શંકર જૈનએ જણાવ્યું હતું કેઇન્દોર હાઇકોર્ટએ ઐતિહાસિક ચુકાદો આપતાં 7 એપ્રિલ 2003ના ASIના આદેશને આંશિક રીતે રદ કર્યો છે. સાથે જ અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને ભોજશાળા પરિસરને રાજા ભોજની સંપત્તિ તરીકે માન્યતા આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી મૂર્તિને પરત લાવવા અંગે અદાલતે સરકારને આ મામલે વિચારણા કરવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ મુસ્લિમ પક્ષને પણ સરકાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત અદાલતે સરકારને મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન ફાળવવા અંગે વિચારવા માટે પણ જણાવ્યું છે.

વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને સરકારને સમગ્ર સ્થળના સંચાલન પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યા છે. અગાઉ ASI દ્વારા આપવામાં આવેલા નમાજ અદા કરવાનો અધિકાર આપતા આદેશને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે અને હવે ત્યાં માત્ર હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂજા-અર્ચના જ થશે.

સુમુલ ડેરીની મોટી જાહેરાત: સુરત-તાપીના પશુપાલકોને સુમુલ ડેરી 425 કરોડ રૂપિયાનું બોનસ આપશે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ પશુપાલકોને બોનસ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદમાં આવી ગયા છે. સુમુલ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાનું નક્કી કર્યું છે. સુમુલ ડેરીના વહીવટકર્તાઓનો દાવો છે કે, આ ભાવ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીસીયુ ફેટફેર પેટે અંદાજિત 30 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવામાં આવ્યા હતા. હવે તેમાં 120 રૂપિયા બોનસ ઉમેરાતા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1,020 રૂપિયા મળશે.

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયના પગલે કુલ 425 કરોડ રૂપિયાની આ માતબર રકમ પશુપાલકોને બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. આગામી જૂન મહિનામાં પશુપાલકોના બેંક ખાતામાં આ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. સંસ્થાના મજબૂત નેતૃત્વ અને પારદર્શક વહીવટને કારણે આટલું મોટું બોનસ આપવું શક્ય બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.

સુમુલના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આઝાદી કાળથી વડીલોના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યું છે કે તે પશુપાલકોના હિત માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે 1000 રૂપિયાથી વધુનો ભાવ મળવો એ પશુપાલકો માટે ગૌરવની વાત છે.

ભારત સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને સુમુલ ડેરી સાર્થક કરી રહી હોવાનું જણાવતા જયેશ દેલાડએ ઉમેર્યું કે, અમૂલની સ્થાપના બાદ દક્ષિણ ગુજરાતમાં સુમુલનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આજે અઢી લાખથી વધુ પરિવારોનું ગુજરાત ચલાવતી આ સંસ્થાની જે પ્રગતિ પાછળ પશુપાલકોએ પુરૂ પાડેલું મજબૂત નેતૃત્વ છે. આ ભાવફેર બોનસ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન: મંત્રીઓએ એક કારમાં કરી મુસાફરી, ઇંધણ બચાવવા રાજ્ય સરકાર સક્રિય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસ પર નીકળ્યા છે. વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને યુએઈ મુલાકાત દરમિયાન એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારને લઈને મહત્વપૂર્ણ કરારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે અપીલ કરી છે. આ અપીલને રાજ્યહિતમાં મહત્વપૂર્ણ ગણાવતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 16 મેથી લોકો માટે 300 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી અને વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ નહીં યોજાય તેવી સૂચના આપવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી આ બસો સીધી જ લોકોની સેવા માટે શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ઈંધણ અને સમય બંનેની બચત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 126 પાઈલોટ કારના કાફલામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે અંદાજે 5000 કિલોમીટર જેટલું ડીઝલ અને પેટ્રોલ બચાવવામાં સફળતા મળી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશહિત માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે અને શક્ય તેટલી બેઠકો વર્ચ્યુઅલ રીતે યોજવા માટે નિર્દેશ આપ્યા છે. સાથે જ દૂરના વિસ્તારોમાંથી લોકોને ગાંધીનગર ન આવવાની પણ સલાહ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની આ અપીલનું પાલન મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી મર્યાદિત કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ એક જ કારમાં બેઠક માટે આવ્યા હતા.

આ ઉપરાંત પ્રધાન પ્રવીણ માળી ઇલેક્ટ્રિક વાહન લઈને પહોંચ્યા હતા, જ્યારે સજયસિંહ મહિડા અને પ્રદ્યુમ્ન વાજા પણ ઇલેક્ટ્રિક કારમાં આવ્યા હતા. પી.સી. બરડા પોતાની ખાનગી કારમાં બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની સૂચનાઓનો રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અમલ કરવામાં આવશે અને રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા માટે પણ પ્રતિબદ્ધ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર, માલભાડું 3% સુધી મોંઘું થવાની શક્યતા

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર હવે દેશના પરિવહન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે માલ પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સે જણાવ્યું હતું કે ઈંધણના વધતા ભાવોને કારણે માલભાડા એટલે કે ફ્રેટ કોસ્ટમાં અંદાજે 3 ટકા સુધી વધારો થઈ શકે છે. સાથે જ તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ આ વધારાનો બહાનો બનાવીને વસ્તુઓના ભાવમાં અતિશય વધારો ન કરે.

કોલકાતામાં ચારેય મહાનગરોની સરખામણીએ સૌથી વધુ ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે. અહીં પેટ્રોલના ભાવમાં ₹3.29નો વધારો થતાં ભાવ ₹108.74 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ ₹3.11 મોંઘું થતાં ₹95.13 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

અન્ય શહેરોમાં કેટલો થયો વધારો?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹97.77 અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટર થઈ ગયો છે.
  • મુંબઈમાં પેટ્રોલ ₹106.68 અને ડીઝલ ₹93.14 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલ ₹103.67 અને ડીઝલ ₹95.25 પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે.
  • ગુજરાતમાં પેટ્રોલ ₹97.95 અને ડીઝલ ₹93.73 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • રાજ્યોમાં વેટના દર અલગ હોવાના કારણે ભાવોમાં તફાવત જોવા મળી રહ્યો છે.

માલભાડા પર કેટલો પડશે અસર?
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર એસોસિએશનના સંયુક્ત સચિવ સુનીલ અગ્રવાલ એ જણાવ્યું હતું કે હાલની ભૂ-રાજકીય પરિસ્થિતિને જોતા ઈંધણના ભાવમાં વધારો પહેલાથી જ અનુમાનિત હતો. તેમના જણાવ્યા મુજબ ઈંધણ મોંઘું થતાં માલ પરિવહન ખર્ચમાં અંદાજે 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જોકે કુલ ટ્રાન્સપોર્ટ ખર્ચ પર તેની અસર મર્યાદિત રહેશે.

તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બહાનો બનાવીને સામાનના ભાવમાં બિનજરૂરી અને અસંગત વધારો ન કરે. તેમણે ઉમેર્યું હતું કે ટ્રક ઓપરેટર્સ પહેલેથી જ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે, તેથી રાજ્ય સરકારોએ સ્થાનિક ટેક્સ અને લિવીમાં રાહત આપી મદદ કરવી જોઈએ.

કેબ ઓપરેટર્સને પણ વધ્યો બોજ
બીજી તરફ, પશ્ચિમ બંગાળ ઓનલાઈન એપ કેબ ગિલ્ડના મહાસચિવ ઇન્દ્રનીલ બેનર્જી એ જણાવ્યું હતું કે ઈંધણના વધેલા ભાવને કારણે કેબ ઓપરેટર્સ પર દરરોજ ₹50થી ₹60 સુધીનો વધારાનો બોજ પડશે. તેમણે પણ રાજ્ય સરકાર પાસે ટેક્સમાં રાહત આપવાની માંગ કરી છે જેથી વધેલી કિંમતોની અસર ઓછી થઈ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉછાળો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 11 અઠવાડિયા સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, પરંતુ સતત વધી રહેલા ખર્ચને કારણે હવે ભાવમાં આંશિક વધારો કરવો પડ્યો છે.

આવતા વર્ષથી NEET-UG પરીક્ષા ઓનલાઈન, સરકારે કરી 6 મોટી જાહેરાત

0

દેશભરમાં 3 મેના રોજ લેવામાં આવેલી NEET-UG પરીક્ષા બાદ પેપર લીક મામલો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો હતો. જેના પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે NEET-UG પરીક્ષા ફરીથી 21 જૂન, 2026ના રોજ યોજાશે. આ અંગેની તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ તેમજ પેપર લીક મામલે ચાલી રહેલી તપાસ વિશે માહિતી આપી હતી.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ સ્વીકાર્યું હતું કે પેપર લીક મામલે પ્રણાલીગત ભૂલ થઈ હતી અને તેની જવાબદારી પણ લીધી હતી. સાથે જ NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે 6 મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી.

સરકાર દ્વારા કરવામાં આવેલી મુખ્ય જાહેરાતો મુજબ, તમામ ઉમેદવારોને 14 જૂન સુધીમાં તેમના એડમિટ કાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું શહેર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. ઉમેદવારો માટે ખાસ પરિવહન વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.

સરકારે વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવાનો પણ નિર્ણય લીધો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વધારાના મિનિટનો સમય મળશે. સાથે જ ઉમેદવારો પર કોઈપણ પ્રકારનો વધારાનો નાણાકીય બોજ ન પડે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

સૌથી મોટી જાહેરાત તરીકે સરકારે જણાવ્યું છે કે આવતા વર્ષથી NEET-UG પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. આ નિર્ણય પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. NTAએ જણાવ્યું હતું કે ભારત સરકારની મંજૂરી બાદ NEET (UG) પરીક્ષા હવે રવિવાર, 21 જૂન 2026ના રોજ યોજાશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ ફક્ત સત્તાવાર NTA ચેનલો પરથી જ માહિતી મેળવે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો વધુ માહિતી માટે 011-40759000 અથવા 011-69227700 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત neet-ug@nta.ac.in પર ઈમેલ દ્વારા પણ માહિતી મેળવી શકાશે.

ગુજરાતી ફિલ્મ ‘લાલો’એ રચ્યો ઈતિહાસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી છે અને આ સિદ્ધિ મેળવનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. ગુજરાતી સિનેમાને વૈશ્વિક ઓળખ અપાવનાર આ ફિલ્મે ભારતની સંસ્કૃતિ અને કથાને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે.

ફિલ્મની આ ઐતિહાસિક સફળતા બાદ નિર્માતાઓએ ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર સફરમાં સાથ આપનાર ચાહકોનો આભાર માન્યો હતો. ફિલ્મની ગ્લોબલ ઓળખને લઈને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફિલ્મના નિર્દેશક અંકિત સખિયા એ નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લાલો’નું પહોંચવું અમારા માટે ગર્વની વાત છે. અમારી ભાષા, અમારી સંસ્કૃતિ અને આ ફિલ્મ અમને અહીં સુધી લાવી છે. ગુજરાત અને તેની સંસ્કૃતિના એક નાનકડા ભાગને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મોકો મળવો એ સન્માનની વાત છે. અમને આશા છે કે આ ફિલ્મ ભાષાની સીમાઓ પાર કરીને લોકોના દિલ સુધી પહોંચશે.”

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ એક આધ્યાત્મિક અને ભાવનાત્મક ગુજરાતી ડ્રામા ફિલ્મ છે, જેમાં રીવા રચ, શ્રુહદ ગૌસ્વામી અને કરણ જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ હતી, જ્યારે બાદમાં 6 માર્ચે તે SonyLIV પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

માત્ર 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા. ગુજરાતી સિનેમામાં આ ફિલ્મે અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ચૂકી છે અને અન્ય ભાષાના દર્શકોમાં પણ લોકપ્રિય બની રહી છે.

ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલકના જીવન પર આધારિત છે, જે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારબાદ તેની જિંદગીમાં ભગવાન શ્રીકૃષ્ણની એન્ટ્રી થાય છે અને તેની સમગ્ર જિંદગી બદલાઈ જાય છે. આ અનોખી અને ભાવનાત્મક સ્ટોરીએ દર્શકોના દિલ જીતી લીધા છે.

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર ઈતિહાસ જ રચ્યો નથી, પરંતુ બોલિવુડ અને સાઉથ સિનેમાના અનેક રેકોર્ડને પણ પાછળ છોડી દીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોનાના ભાવમાં ફરી ઉછાળો: આયાત જકાત વધતા બજારમાં સતત તેજી, ચાંદી સસ્તી થઈ

0

દેશભરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 15 મેની સવારે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાના દરમાં ફરી તેજી નોંધાઈ હતી. સરકારે સોના અને ચાંદી પર આયાત જકાતમાં વધારો કર્યા બાદ ભાવ ઘટવાની આશા હતી, પરંતુ તેની વિપરીત સોનાના ભાવ સતત વધી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,270 સુધી પહોંચી ગયો છે, જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

દિલ્હીના બુલિયન બજારમાં એક દિવસ અગાઉ 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં ₹650નો વધારો નોંધાયો હતો અને ભાવ ₹1,66,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. બજારમાં સતત વધી રહેલી કિંમતોને કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ચિંતા જોવા મળી રહી છે.

સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. પ્લેટિનમ પર પણ ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે. સોના-ચાંદીના તાર, સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ પર પણ નવા કર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવી આયાત જકાત 13 મેથી અમલમાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ હાલમાં પ્રતિ ઔંસ $4,700.86 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,960 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,48,810 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 નોંધાયો છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,860 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,390 સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 15 મેની સવારે ચાંદીનો ભાવ ઘટીને ₹2,99,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવ ₹900 ઘટીને ₹2,96,600 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ ચાંદી $87.04 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહી છે.

નિષ્ણાતોના મતે સોના પર આયાત ડ્યુટીમાં કરાયેલા વધારાની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળશે અને સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મતે આયાત ડ્યુટી વધારવાથી આયાતમાં ઘટાડો થતો નથી, પરંતુ બજારમાં કિંમતો વધુ વધી જાય છે. જ્વેલરી વેપારીઓનું માનવું છે કે આયાત જકાત વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થા પર નિયંત્રણ લાવવું વધુ અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.

આગામી 24 કલાક આ રાજ્યો માટે ‘અતિભારે’! ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર

0

દેશભરના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. India Meteorological Department (IMD) એ ઉત્તરપૂર્વ ભારત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. IMD અનુસાર 16 મે, 2026 આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ બનતા સમુદ્રમાંથી ભેજવાળા પવનો સક્રિય થાય છે, જેના કારણે વાદળોની રચના વધે છે અને અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. સાથે જ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

આગામી દિવસોમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

પહાડી રાજ્યો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 અને 16 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ ખરાબ હવામાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત છે. ઉત્તર ભારત સહિત ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારે ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી ગરમીનું મોજું યથાવત રહી શકે છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.