Home Blog Page 52

શહીદના વળતરના 21 લાખ લઈને વહુ ચાલી ગઈ? સસરાએ લગાવ્યા ગંભીર આરોપ

0

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા બિહારના ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમારના પરિવાર પર દુખાનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો નથી રહ્યો, પણ વહુએ ટાઢા કલેજે વળતરના ૨૧ લાખ રૂપિયા લઈ લીધા અને ગાયબ થઈ ગઈ. મૃતક શુભમ શર્માના પિતા કહે છે કે જો સાચે જ પત્ની હોત તો શ્રાદ્ધકર્મ કરતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે અમારી સામે લગ્ન નથી થયા, અમે તે બંનેના લગ્ન આવતા નવેમ્બરમાં નક્કી કર્યા હતા. તેમણે ચૂપચાપ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તેની અમને કોઈ જાણકારી નથી.

શુભમના પિતા અમરેન્દ્ર શર્માનું કહેવું છે કે પરિવારે શુભમના લગ્ન નવેમ્બરમાં નક્કી કર્યા હતા. હિન્દુ રીતિ-રિવાજથી લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ હવે એક છોકરી શ્રેયા રાય ખુદને શુભમની પત્ની ગણાવી રહી છે, તેને ૨૧ લાખ રૂપિયાના વળતરનો ચેક પણ સોંપી દીધો. અમરેન્દ્ર શર્માનો આરોપ છે કે શ્રેયા રાય અને તેમના પરિવારે તેમને અને તેમના આખા પરિવારથી આ વાત છુપાવી અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા. તેમણે કહ્યું કે, જો વાસ્તવમાં તેમના દીકરાએ લગ્ન કર્યા હતા અને શ્રેયા તેમની વહુ છે તો તેણે પરિવાર સાથે ઊભા રહેવું જોઈતું હતું.

શુભમના પિતાએ કહ્યું કે જો તે સાચે પત્ની છે અને ચેકની હકદાર છે તો તેને તેમના દીકરાના શ્રાદ્ધકર્મ અને અન્ય પારિવારિક દાયિત્વ પણ નિભાવવા જોઈતા હતા. પતિના મોત બાદ પરિવારનું દુખ વહેંચવું જોઈએ. પણ તે ચેક લઈને જતી રહી. શુભમના પિતાએ એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકાર તરફથી મળેલા ૨૧ લાખ રૂપિયાની મદદ વિશે પરિવારને કોઈ જાણકારી નથી. તેમનો આરોપ છે કે ગયામાં અધિકારીઓએ પરિવારની હાજરી વિના શ્રેયા રાયને ચેક સોંપી દીધો. તેમણે કહ્યું કે, જો તે પરિવારની વહુ હતી તો ચેક તેના ઘર પર પરિવાર સામે આપવો જોઈતો હતો. તેમણે આ સમગ્ર પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પ્રશાસનિક અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની પણ માગ કરી છે.

અમરેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, શુભમે તેમને ખાલી એટલું જણાવ્યું હતું કે આ છોકરી આઝમગઢની રહેવાસી છે. તેમના પિતા સેનામાં જૂનિયર કમિશન્ડ અધિકારી રહી ચૂક્યા છે. પરિવારને ક્યારેય નથી જણાવ્યું કે બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેમણે કહ્યું કે, દીકરાના શહાદત બાદ સામે આવેલા આ વિવાદે પરિવારની મુશ્કેલી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, ૧૩ જૂનના રોજ આસામના જોરહાટમાં ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બિહારના જહાનાબાદના રહેવાસી ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમાર શહીદ થઈ ગયા હતા. સરકાર તરફથી પીડિતની પત્નીને વળતર આપવામાં આવ્યું છે, આ વાતને લઈ હવે વિવાદ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં હનુમાન મંદિર સામે સભામંડપની છત ધરાશાયી, 6 શ્રદ્ધાળુઓના મોત

0

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હનુમાન મંદિરની સામે નિર્માણાધીન સભામંડપની છત અચાનક ધરાશાયી થતાં અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 30થી 40 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સભામંડપનું માળખું તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
આ દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છત ધરાશાયી થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી જતી જોવા મળે છે. કાટમાળ, લોખંડના સળિયા અને પથ્થરો નીચે દબાઈ જતાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધી 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોમાંથી 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને પણ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

નિર્માણાધીન સભામંડપની છત બની દુર્ઘટનાનું કારણ
રિપોર્ટ્સ મુજબ, હનુમાન મંદિરની બરાબર સામે સભામંડપના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જ નિર્માણાધીન સભામંડપની છત અચાનક તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

પાકિસ્તાનમાં ભયાનક રિમોટ-કંટ્રોલ્ડ ડબલ બ્લાસ્ટ, ઘાયલોને લઈ જતાં થયો બીજો ધડાકો, 7 ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નૂ જિલ્લામાં શનિવારે થયેલા બે સિલસિલાબંધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. આતંકીઓએ પહેલા મુસાફરોથી ભરેલા વાહનને નિશાન બનાવ્યું અને ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે વધુ એક વિસ્ફોટ કર્યો. આ બંને હુમલાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના પ્રાથમિક તારણો અનુસાર બંને હુમલાઓ રિમોટ કન્ટ્રોલ બોમ્બ દ્વારા કરવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મુસાફર વાહન પર પ્રથમ હુમલો
માહિતી મુજબ, બન્નૂ જિલ્લાના ફાંગ મૂસા ખેલ વિસ્તારમાં એક ખાનગી ડેટસન વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં રિમોટ કન્ટ્રોલથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વાહનના ચીથરાં ઉડી ગયા હતા. આ હુમલામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને રાહત ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઘાયલોને લઈ જતી વખતે થયો બીજો બ્લાસ્ટ
પ્રથમ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ઘટનાસ્થળથી આશરે એક કિલોમીટર દૂર વધુ એક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પણ એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બીજા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સતત બે હુમલાઓના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હુમલાખોરોએ બચાવ કામગીરીને પણ નિશાન બનાવવાની પૂર્વયોજના બનાવી હતી.

સુરક્ષા દળો અને રેસ્ક્યૂ ટીમો એક્શનમાં
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ 1122ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહોને અને ઘાયલોને ડોમેલ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર તેમજ ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીઓને આશંકા હતી કે વિસ્તારમાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ મૂકવામાં આવી હોઈ શકે છે. હાલ સુરક્ષા એજન્સીઓ હુમલા પાછળ જવાબદાર આતંકી તત્વોની ઓળખ અને તેમની ધરપકડ માટે પ્રયાસ કરી રહી છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની કડક નિંદા કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના પણ કરી હતી.

વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાના કૃત્યને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવ્યું હતું.

બન્નૂમાં સતત વધી રહ્યા છે આતંકી હુમલા
ઉલ્લેખનીય છે કે બન્નૂ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં પોલીસ, સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે આતંકીઓએ એક પુલને વિસ્ફોટથી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે જૂન મહિનામાં બે પોલીસકર્મીઓ અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણોમાં પણ અનેક લોકોના મોત થયા છે.

વધતા આતંકવાદને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. તાજેતરમાં યોજાયેલી એક જીરગામાં પણ સરકારે વિસ્તારમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી હતી.

સુરતમાં રેમ્બો છરા સાથે આતંક મચાવનાર ગેંગ ઝડપાઈ, CCTVના આધારે 4 આરોપીઓની ધરપકડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતને લઈને ખુલ્લેઆમ હથિયારો લહેરાવી દહેશત ફેલાવનારા ચાર શાતિર આરોપીઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય સૂત્રધારના ઈશારે તેના સાગરીતો પૂર્વનિયોજિત ષડયંત્રના ભાગરૂપે રેમ્બો છરા, ચાકૂ અને અન્ય ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવવા આવ્યા હતા. સમગ્ર ઘટના 16મી તારીખની રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

રેમ્બો છરા અને ચાકૂ સાથે યુવકોને આપી જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન અને કેટલાક યુવકો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે બંટીએ પોતાના સાગરીતોને હથિયારો સાથે મોકલ્યા હતા. તે સમયે ઋષિકેશ અને ભૂષણ વિસ્તારમાં ઉભા હતા ત્યારે બાજાજ પલ્સર બાઈક પર સવાર ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા.

આરોપીઓએ પહોંચતાની સાથે જ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. વિરોધ થતાં જ તેઓએ પોતાની પાસે છુપાવી રાખેલા રેમ્બો છરા, ચાકૂ અને સરિયા બહાર કાઢીને લહેરાવવાનું શરૂ કર્યું અને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. બદમાશોએ ધમકી આપતાં કહ્યું હતું કે, “અમને બંટીએ મોકલ્યા છે, જો ફરીથી તેનું નામ લેશો તો જાનથી મારી નાખીશું.” ત્યારબાદ તમામ આરોપીઓ હથિયારો લહેરાવતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની ઝડપી કાર્યવાહી, ચારેય આરોપીઓ ઝડપાયા
ઘટના બાદ પીડિતોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સાથે જ મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન પાટીલની પણ ધરપકડ કરવામાં આવી છે.

‘ઓપરેશન રેમ્બો-2’ હેઠળ પોલીસની મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત SOG દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ઘાતક હથિયારો રાખવા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત, વેસુ, વરાછા, અડાજણ, રાંદેર અને કતારગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી સંખ્યામાં ચાકૂ અને રેમ્બો નાઈફ મળી આવી છે. ધરપકડ કરાયેલા અનેક આરોપીઓ સામે અગાઉ હત્યા, લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓના કેસ પણ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

5 વર્ષથી જામી પડેલા પોલીસકર્મીઓમાં બદલીના સંકેતથી ફફડાટ

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) મલિક દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં પાંચ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નવી જવાબદારી સંભાળ્યા બાદ ડીજીપી મલિક રાજયના વરિષ્ઠ અને જુનિયર આઈપીએસ અધિકારીઓ, વિવિધ રેન્જના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તથા શહેર પોલીસ કમિશનરો સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાથે જ પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે વિવિધ સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ જ દિશામાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) અને શહેર પોલીસ કમિશનર કચેરીઓ દ્વારા આ માહિતી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસ વિભાગના સૂત્રોનું માનવું છે કે યાદી તૈયાર થયા બાદ રાજ્યવ્યાપી ધોરણે સામૂહિક બદલીનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આવું થાય તો અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કાર્યસ્થળોમાં ફેરફાર થવાની શક્યતા છે. સુરત શહેરમાં પણ આ પ્રક્રિયાને લઈને કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ડીજીપીના નિર્દેશ મુજબ પાંચ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા શાખામાં 624 બજાવતા કર્મચારીઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો રાજ્ય સરકાર અને પોલીસ મુખ્યાલય દ્વારા બદલીની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવશે તો સુરત સહિત રાજયના અનેક શહેરો અને જિલ્લાઓમાં પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ જોવા મળી શકે છે. હાલ આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં પોલીસ વિભાગમાં સંભવિત બદલીને લઈને ચર્ચાઓ તેજ બની છે.

પોલીસ કર્મચારીઓમાં આ સંભાવનાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કર્મચારીઓ નવી જગ્યાએ કામ કરવાની તકને આવકારી રહ્યા છે, જ્યારે કેટલાક માટે લાંબા સમયથી કાર્યરત સ્થળ છોડવાની સ્થિતિને કારણે અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. પોલીસ મથકોમાં હાલ “કભી ખુશી, કભી ગમ” જેવો માહોલ જોવા મળી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દેશમાં મળ્યો સોનાનો ખજાનો! આ 4 સ્થળોથી નીકળશે હજારો કરોડનું સોનું

0

ભારતમાં સોના પ્રત્યે લોકોનો આકર્ષણ અને ક્રેઝ સદીઓ જૂનો છે. પરંતુ અત્યાર સુધી ભારતે પોતાની સોનાની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. આ દરમિયાન દેશના અર્થતંત્ર અને નાગરિકો માટે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક અત્યંત પ્રોત્સાહક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં અંદાજે 50 ટન સોનાનો એક વિશાળ ભંડાર મળી આવ્યો છે. વન વિભાગ અને ખાણકામ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ શોધ ભારતનું ભાગ્ય બદલી શકે છે.

આંધ્રપ્રદેશ બનશે દેશનું સૌથી મોટું ગોલ્ડ ડબ
ભૂસ્તરશાસ્ત્રીઓ અને ખાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક શોધ બાદ આગામી કેટલાક વર્ષોમાં આંધ્રપ્રદેશ દેશમાં સોનાના સૌથી મોટા ઉત્પાદક અને સપ્લાયર રાજ્ય તરીકે ઉભરી આવશે. હાલમાં ભારતમાં કર્ણાટક સોનાના ઉત્પાદનમાં અગ્રેસર છે, પરંતુ કુર્નૂલના આ ભંડારના સંપૂર્ણ ઉત્ખનન બાદ આંધ્રપ્રદેશ મોખરે પહોંચી જશે. આ અનામત ભંડાર મળવાથી માત્ર સ્થાનિક સ્તરે રોજગારીની તકો જ નહીં વધે, પરંતુ વિદેશમાંથી મોંઘા ભાવે થતી સોનાની આયાત પર ભારતની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટી જશે, જેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે.

અન્ય ચાર વિસ્તારોમાં પણ સોનાની ખાણની શોધ
આંધ્રપ્રદેશના ખાણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીનાએ એક પત્રકાર પરિષદ દરમિયાન આ ઐતિહાસિક સફળતાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે વિભાગે કુર્નૂલ જિલ્લાના માત્ર જોન્નાગીરી વિસ્તારમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય ચાર સંભવિત વિસ્તારોમાં પણ સોનાની ખાણકામ માટેની સાઇટ્સની ઓળખ કરી લીધી છે. જીઓલોજિકલ સર્વેમાં જે અન્ય મહત્વના સ્થળો સામે આવ્યા છે તેમાં રામાગીરી, જાવાવકુલા અને ચિગુરુકુંતા બિસ્નાટ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ પણ આગામી સમયમાં સંશોધન અને ઉત્ખનનની કામગીરી હાથ ધરવામાં આવશે.

અર્થતંત્ર અને ઝવેરી બજાર પર સકારાત્મક અસર
અત્યાર સુધી ભારત વાર્ષિક સેંકડો ટન સોનું સ્વિટ્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અન્ય દેશોમાંથી આયાત કરે છે, જેને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર દબાણ રહે છે.

ભારતમાં જ આટલો મોટો સોનાનો સ્ત્રોત મળી આવતા લાંબા ગાળે સ્થાનિક બજારમાં સોનાના ભાવો સ્થિર રાખવામાં અને જ્વેલરી ઉદ્યોગને વેગ આપવામાં મોટી મદદ મળશે. સરકાર હવે આ સાઈટ્સ પર આધુનિક ટેકનોલોજીની મદદથી ઝડપથી ખાણકામ શરૂ કરવા માટેની યોજનાઓ ઘડી રહી છે, જેથી વહેલી તકે આ સોનાનો ઉપયોગ દેશના વિકાસમાં થઈ શકે.

Israel-Lebanon issue: લેબનોન મુદ્દે મોદી સરકાર પર કોંગ્રેસનો હુમલો, જયરામ રમેશનો તીખો પ્રહાર

0

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે અમેરિકા-ઈરાન સમજૂતીનું સમગ્ર વિશ્વમાં સ્વાગત કરવામાં આવ્યું છે. સૌથી મોટો ખતરો ઇઝરાયેલ તરફથી છે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી જેવા ઉચ્ચ પદ પર બેસેલા વ્યક્તિએ હમણાં જ સમગ્ર લેબનોનને સળગાવી દેવાની વાત કરી છે, પરંતુ હંમેશાની જેમ મોદી સરકાર સંપૂર્ણપણે મૌન છે. તેમનું કહેવું છે કે મોદી સરકાર આ મુદ્દાથી સંપૂર્ણ અજાણ બની રહી છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનું ઇઝરાયેલ પ્રત્યેનું અંધ સમર્થન આપણા દેશના હિતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમનો એકમાત્ર હેતુ એ છે કે કોઈપણ રીતે ‘મોદાની’ સામ્રાજ્યના હિતો સુરક્ષિત રહી જાય.

ઇઝરાયેલી મંત્રીએ કહ્યું, ‘સમગ્ર લેબનોનને સળગાવી દેવું જોઈએ’
ચાર સૈનિકોની હત્યા બાદ કટ્ટર જમણેરી વિચારો ધરાવતા ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન ગવીરે કહ્યું છે કે લેબનોન સંપૂર્ણપણે સળગી જવું જોઈએ. અમેરિકાનો સંપૂર્ણ આદર રાખીને પણ ઇઝરાયેલે સમગ્ર વિશ્વને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અમારા પુત્રોના લોહી અને અમારા નાગરિકોની સુરક્ષા કોઈ સોદાબાજીનો વિષય નથી.

નોંધનીય છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર પર હસ્તાક્ષર થયા બાદ ઇઝરાયેલને થયેલા નુકસાન અંગેની જાહેરાત સૌથી પહેલા કરવામાં આવી હતી. ગવીરે એક નિવેદનમાં કહ્યું, “અમેરિકાનો સંપૂર્ણ આદર રાખીને, ઇઝરાયેલે સમગ્ર વિશ્વને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અમારા પુત્રોના લોહી અને અમારા નાગરિકોની સુરક્ષા કોઈ સોદાબાજીનો વિષય નથી. સમગ્ર લેબનોન સળગી રાખ થઈ જવું જોઈએ.”

ટ્રમ્પે ફ્રાન્સના એવિયન-લે-બૈન્સમાં થયેલી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી થઈ ગઈ છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થયાના ચાર મહિના બાદ આ કરાર થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના એવિયન-લે-બૈન્સમાં યોજાયેલા G-7 શિખર સંમેલન દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 14 મુદ્દાવાળી આ સમજૂતીને મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કહેવામાં આવી છે અને તેના મુજબ ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો બનાવશે નહીં.

અમેરિકા અને ઈરાન વચ્ચેની સમજૂતીનો ભારત પર પ્રભાવ
અમેરિકા અને ઈરાન વચ્ચેની સમજૂતીનો પ્રભાવ ભારત પર પણ પડશે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં ભારત માટે તેલ અને ગેસની કિંમતોમાં સ્થિરતા આવવાની આશા છે. ઉપરાંત, હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલવાથી અને સમુદ્રી પરિવહનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત થતાં ભારતના આયાત-નિકાસને મોટો લાભ મળશે.

કારણ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શાંતિ સમજૂતીનું સ્વાગત કરતાં કહ્યું છે કે તેનાથી સમગ્ર વિશ્વમાં આર્થિક અવરોધો ઓછા થશે અને પ્રદેશમાં શાંતિ તથા સ્થિરતા પુનઃસ્થાપિત થશે.

કલાકો સુધી મોબાઈલ જોતા હો? ડ્રાય આઈ સિન્ડ્રોમનું વધી રહ્યું છે જોખમ, જાણો સરળ ઉપાય

0

આજકાલ, સવારે ઉઠ્યા પછીથી સૂઈ જાઓ ત્યાં સુધી, આપણા મોબાઈલ ફોન સતત વધી રહ્યા છે. ઓફિસનું કામ હોય કે રીલ્સ જોવાનું, આપણો સ્ક્રીન ટાઈમ સતત વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે મોબાઈલ ફોનનું આ વ્યસન આપણી આંખોની કુદરતી ભેજ છીનવી રહ્યું છે? ડ્રાય આઈ સિન્ડ્રોમના કેસ આઉટપેશન્ટ ક્લિનિક્સમાં ઝડપથી વધી રહ્યા છે, અને આપણા સ્માર્ટફોન સૌથી મોટા ગુનેગાર છે.

દરેક વ્યક્તિ, પુખ્ત વયના અને બાળકો, તેમની સવારની શરૂઆત તેમના મોબાઈલ ફોનથી કરે છે, અને તેઓ સૂતા પહેલા ઘણા કલાકો સુધી તેમના ફોન સ્કેન કરવામાં વિતાવે છે. ઉદાહરણ તરીકે, બાળકો ઘણીવાર તેમના મોબાઈલ ફોન જોયા વિના ખાતા નથી. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો મોબાઈલ ફોન જોતી વખતે ખાય છે તેમની પાચનતંત્ર ખરાબ હોય છે. આનાથી વિકાસ પણ ખરાબ થઈ શકે છે. અહીં, અમે ડ્રાય આઈ સિન્ડ્રોમના કારણો સમજાવીશું.

ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા કેવી રીતે વધે છે?
આંખોને સ્વસ્થ રાખવા માટે આંસુનું સ્તર જરૂરી છે. સામાન્ય રીતે, આપણે એક મિનિટમાં લગભગ 15 થી 20 વાર ઝબકતા હોઈએ છીએ, જે આપણી આંખોને ભેજવાળી રાખવામાં મદદ કરે છે.

ડોકટરોના મતે, જ્યારે આપણે કોઈ રસપ્રદ વિડિઓ જોઈ રહ્યા હોઈએ છીએ અથવા મોબાઇલ સ્ક્રીન પર કામ કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય છે કે આપણે ઝબકવાનું ભૂલી જઈએ છીએ. આનાથી ઝબકવાનો દર ફક્ત 5 થી 7 વાર ઓછો થઈ જાય છે. પરિણામે, આંખોમાં પાણી ઝડપથી સુકાઈ જાય છે. કેટલાક મુખ્ય લક્ષણોમાં સ્ક્રીન જોતી વખતે સતત ડંખ, બળતરા અથવા આંખોમાં શુષ્કતા, લાલાશ, ભારેપણું અને અચાનક ઝાંખી દ્રષ્ટિ શામેલ છે.

જો તમે તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપ વિના કરી શકતા નથી, તો ડોકટરો 20-20-20 ફોર્મ્યુલા અપનાવવાની ભલામણ કરે છે. આમાં દર 20 મિનિટના કામ પછી 20-સેકન્ડનો ટૂંકો વિરામ લેવાનો અને સ્ક્રીનથી દૂર અને ઓછામાં ઓછા 20 ફૂટ દૂર કંઈક જોવાનો સમાવેશ થાય છે. વધુમાં, સ્ક્રીન તરફ જોતી વખતે સભાનપણે ઝબકવું. રાત્રે રૂમની લાઇટ બંધ રાખીને તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે અંધારામાં સ્ક્રીન લાઇટ તમારી આંખો માટે સૌથી નુકસાનકારક છે. જો સમસ્યા ચાલુ રહે, તો તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરો.

ખાન સરને મોટી રાહત: પટના સિવિલ કોર્ટે ફાયરિંગ મામલે ધરપકડ પર રોક યથાવત

0

પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં આવેલી ખાન ગ્લોબલ સ્ટડીઝ સંસ્થામાં 2 જૂનની રાત્રે થયેલા હંગામા અને કથિત ફાયરિંગ કેસમાં પટના સિવિલ કોર્ટે શનિવારે ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરને ફરી એકવાર મોટી રાહત આપી છે. કોર્ટે તેમની ધરપકડ પર લગાવેલી રોકને આગામી આદેશ સુધી યથાવત રાખવાનો નિર્દેશ આપ્યો છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરને મળેલું વચગાળાનું રક્ષણ (ઇન્ટરિમ પ્રોટેક્શન) ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 25 જૂને યોજાશે. સુનાવણી દરમિયાન પોલીસે ખાન સર અને તેમના બે ખાનગી સુરક્ષા ગાર્ડ સંબંધિત અપડેટેડ કેસ ડાયરી પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

FIRમાં ફૈઝલ ખાનનું નામ સામેલ
2 જૂનની રાત્રે ખાન સરની કોચિંગ સંસ્થા બહાર થયેલા હંગામા દરમિયાન તેમના બે સુરક્ષા ગાર્ડ પર બે-બે રાઉન્ડ ફાયરિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે બંને ગાર્ડની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા હતા. ફરિયાદીઓનો આરોપ છે કે ગાર્ડોએ આ ફાયરિંગ ફૈઝલ ખાનના નિર્દેશ પર કર્યું હતું. જેના આધારે પોલીસે નોંધાયેલી FIRમાં ફૈઝલ ખાનનું નામ પણ સામેલ કર્યું હતું.

આ કેસમાં જ્ઞાન બિંદુ GS એકેડમીના ડિરેક્ટર રોશન આનંદની પણ પટના પોલીસે ધરપકડ કરી હતી. જોકે, બાદમાં કોર્ટના આદેશ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

રોશન આનંદ અને ફૈઝલ ખાન વચ્ચેનો વિવાદ
રોશન આનંદ અને ફૈઝલ ખાન વચ્ચેનો વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો હતો જ્યારે રોશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળમાં મૃત્યુ થયું હતું.

રોશન આનંદે આ મામલે ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેમના ભાઈની હત્યાનું કાવતરું ફૈઝલ ખાને જ રચ્યું હતું. તેમણે આ અંગે પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે તેમની FIR સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, ફૈઝલ ખાને એક વીડિયો જાહેર કરીને પ્રિન્સ યાદવના મૃત્યુમાં પોતાની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

સુરતની વરાછા SBIમાં 50 લાખની લૂંટ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં વરાછા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

ગત 27 એપ્રિલ, 2026ના રોજ લાંબે હનુમાન રોડ પર આવેલી SBI બેંકમાં પિસ્તોલ સહિતના હથિયારો સાથે લૂંટારુઓની ટોળકી ઘૂસી આવી હતી. આરોપીઓએ બેંકના સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી ગણતરીની મિનિટોમાં રૂ. 50 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ બિહારની જેલમાં બંધ હતો અને તેણે જ જેલમાંથી બેઠા બેઠા લૂંટની યોજના બનાવી હતી. આ કેસમાં અગાઉ શુભમ ઠાકુર, વિક્રમજીત સિંહ રાજપૂત અને મિથેશકુમાર ઉર્ફે મહેશકુમાર લખેન્દ્ર રાય સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કુંદન ભગત નામના આરોપીએ બિહારની જેલમાંથી સમગ્ર કાવતરું રચ્યું હતું.

પોલીસે આરોપીઓ પાસેથી મહત્વના પુરાવા અને રોકડ રકમ કબજે કરી છે. હાલ પણ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.