સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતને લઈને ખુલ્લેઆમ હથિયારો લહેરાવી દહેશત ફેલાવનારા ચાર શાતિર આરોપીઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય સૂત્રધારના ઈશારે તેના સાગરીતો પૂર્વનિયોજિત ષડયંત્રના ભાગરૂપે રેમ્બો છરા, ચાકૂ અને અન્ય ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવવા આવ્યા હતા. સમગ્ર ઘટના 16મી તારીખની રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
રેમ્બો છરા અને ચાકૂ સાથે યુવકોને આપી જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન અને કેટલાક યુવકો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે બંટીએ પોતાના સાગરીતોને હથિયારો સાથે મોકલ્યા હતા. તે સમયે ઋષિકેશ અને ભૂષણ વિસ્તારમાં ઉભા હતા ત્યારે બાજાજ પલ્સર બાઈક પર સવાર ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓએ પહોંચતાની સાથે જ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. વિરોધ થતાં જ તેઓએ પોતાની પાસે છુપાવી રાખેલા રેમ્બો છરા, ચાકૂ અને સરિયા બહાર કાઢીને લહેરાવવાનું શરૂ કર્યું અને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. બદમાશોએ ધમકી આપતાં કહ્યું હતું કે, “અમને બંટીએ મોકલ્યા છે, જો ફરીથી તેનું નામ લેશો તો જાનથી મારી નાખીશું.” ત્યારબાદ તમામ આરોપીઓ હથિયારો લહેરાવતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસની ઝડપી કાર્યવાહી, ચારેય આરોપીઓ ઝડપાયા
ઘટના બાદ પીડિતોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સાથે જ મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન પાટીલની પણ ધરપકડ કરવામાં આવી છે.
‘ઓપરેશન રેમ્બો-2’ હેઠળ પોલીસની મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત SOG દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ઘાતક હથિયારો રાખવા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત, વેસુ, વરાછા, અડાજણ, રાંદેર અને કતારગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી સંખ્યામાં ચાકૂ અને રેમ્બો નાઈફ મળી આવી છે. ધરપકડ કરાયેલા અનેક આરોપીઓ સામે અગાઉ હત્યા, લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓના કેસ પણ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.