Home Blog Page 477

નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતીથી જીવંત બન્યું જીવન : પ્રદિપભાઈ નેતા

0

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીએ ગતિ પકડી છે. અનેક ખેડૂતો આખેતી તરફ વળ્યા છે, આજે વાત કરીએ એવા ખેડૂતની જેમણે ઓએનજીસીમાં ૩૫ વર્ષ ઈજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે. આવકમાં પણ વૃદ્ધિ થઇ અને આરોગ્ય પણ જાળવણી થઇ છે. સાથોસાથ ગામના 10 લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

મહુવા તાલુકાના વાછાવડ ગામના પ્રદિપભાઈ લાલભાઈ નેતા ૨૨ વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત 40 પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂ.10 લાખની આવક મેળવી રહ્યા છે. પોતાના દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લીધી હતી. કારણ કે દાદા ગાયના છાણ આધારિત ખેતી કરતા હતા. હવે દાદાનો વારસો આગળ વધારી રહેલા પ્રદિપભાઈએ પણ જમીનને રાસાયણિક ખાતરમુક્ત બનાવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, “છાણ આધારિત ખાતર, જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, અને જંગલ મોડલ ખેતીના કારણે જમીનની ગુણવત્તા અને પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. શેરડીમાં 30 દિવસ સુધી પાણી આપવાની પણ જરૂર રહેતી નથી. જમીનની તંદુરસ્તી જાળવવી એ લાંબા ગાળે કૃષિનો ખરો વિકાસ છે.”

પ્રદિપભાઈએ 22 વીઘામાં કેસર કેરીના 600થી વધુ આંબા, સફેદ જાંબુ, કાળા જાંબુ, લાંબા ચીકૂ, અંજીર, વેલવેટ એપલ, એપલ બોર જેવી લગભગ 40 પ્રકારની ફળોની જાતોનું વાવેતર કરી ઉછેર્યા છે. આંતરપાક તરીકે તેઓ રીંગણ, કળાના ચોખા, ડાંગર વગેરે પણ લે છે. સાથે જ શેરડી ઉગાડી તેમાંથી ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન પણ શરૂ કર્યું, જેનાથી રૂ.75 હજાર જેટલી વધારાની આવક મેળવી રહ્યાં છે. તેમના ઉત્પાદનોની માંગ એવા સ્તરે પહોંચી છે કે વેચાણ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી.

જમીનની સંભાળ વિશે તેમણે જણાવ્યું કે, ગાયના છાણનું ખાતર નાંખવાથી જમીન પોચી અને ફળદ્રુપ બને છે. ઉપરાંત, છોડોની છટણી, સફાઈ અને નિયમિત ઘાસપાત દૂર કરીએ છીએ. જો આપણે જમીનને સાચવીશું તો જમીન એટલે કે ખેતી જીવનભર આપણને સાચવશે.

સરકારી સહાયની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટપક સિંચાઈ યોજનાનો લાભ લીધો છે. 70 ટકા સબસિડી પ્રાપ્ત થઈ છે. એક હેક્ટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન કરૂ છું જેમાં પાણીની મહત્તમ બચત થઈ રહી છે. સરકારની સહાયથી રૂ.૪ હજારનું વેટ મશીન, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સબસિડી મળી છે. સરકારની કૃષિસહાયથી મોટો આધાર મળ્યો છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની રાહ મળી છે.

આમ, પ્રદિપભાઈ સમજદારી સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને યુવા ખેડૂતોને માર્ગદર્શિત પણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને સહયોગ આપી વહેલી તકે આ ખેતી અપનાવવી જ જોઈએ.

સુરતમાં માત્ર 20 રૂપિયા જેવી નજીવી રકમ માટે મર્ડર !

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. લક્ષ્મણ નગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોર પરેશ અરવિંદ વાઘેલાની નશેડીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. જેથી આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર સર્જી ગઈ છે. લોકોમાં ભારે રોષ છે. ત્યારે દારૂના અડ્ડાઓ બંધ કરાવોના નારા સાથે મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આકરી કાર્યવાહીની માગ કરી હતી. આ સમયે મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહ્યો નથી.. યુપી-બિહારની માફક ધોળેદહાડે લૂંટ, હત્યા અને છેડતીના કિસ્સાઓ બને છે. પોલીસ કાર્યવાહી થાય છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે પરંતુ શહેરમાં નશાખોરો અને અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી વધતી જાય છે, ત્યારે સુરતમાં ફરી હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક સહિત શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવોઓ વચ્ચે સુરત શહેર અસુક્ષિત બન્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી (ઉં. 25, રહે. લક્ષ્મણ નગર સોસાયટી, કાપોદ્રા)એ નશો કરવા માટે પૈસા માંગ્યા હતા. પરેશ કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા જ છે. આ વાત સાંભળતા જ પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું.

આ હુમલા બાદ પરેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઇને રીક્ષાચાલક સાથે માથાકૂટ કરી તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા. હાલ આ રીક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતના કાપોદ્રામાં યુવકની હત્યાના પગલે મહિલાઓ રણચંડી બની પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ અને મૃતકના આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવામાં આવી રહ્યા છે. મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બન્યો છે. આ મામલે ડી.સી.પી. આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

રાજસ્થાનના પૂર્વ મંત્રી પ્રતાપ સિંહના ઘરે EDના દરોડા

0

રાજસ્થાનના ભૂતપૂર્વ ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા પ્રતાપસિંહ ખાચરિયાવાસના જયપુરના સિવિલ લાઈન્સ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. EDની ટીમ હાલમાં કોંગ્રેસ નેતાના ઘરમાં છે અને તપાસ ચલાવી રહી છે. આ દરોડાની પાછળનુમ ખરું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું, પણ રાજસ્થાનની રાજધાનીમાં ચાલી રહેલી આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રતાપસિંહ ખાચરિયાવાસ આ મકાનમાં તેમના મોટા ભાઈ કરણસિંહ સાથે રહે છે. EDના દરોડાની જાણ થતાં જ કોંગ્રેસ નેતાના સમર્થકો તેમના ઘરે પહોંચવા માટે રવાના થયા છે.EDની આ કાર્યવાહી ચિટ ફંડ મામલે કરવામાં આવી છે. આ રૂ. 50,000 કરોડના રોકાણ સાથે સંકળાયેલો મામલો છે, જેમાં પ્રતાપસિંહની સંદિગ્ધ ભૂમિકા છે. આ સંબંધમાં પ્રતાપસિંહને અગાઉ પણ EDના સમન્સ મળી ચૂક્યા છે અને હવે તેમના ઘરે દરોડા ચાલી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી, આ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

ગુજરાતમાં હવે ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે ધીમે ધીમે તાપમાન ઉંચુ જવા લાગ્યું છે. રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચ્યું છે. ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસમાં હજી પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે. થોડા દિવસોના નજીવા ઘટાડા બાદ આજે ફરીથી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે ગરમીની અસર વધુ તીવ્ર બની છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, કંડલામાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 42.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી અને રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું. અન્ય શહેરો જેવા કે ડીસામાં 41.1 ડિગ્રી, વડોદરા અને ભુજમાં 40.8 ડિગ્રી, મહુવામાં 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધશે. ખાસ કરીને, દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર વધુ જોવા મળશે. હવામાન વિભાગે 26 અને 27 ફેબ્રુઆરીએ ગરમીની અસર વધુ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. જોકે, 18 અને 19 એપ્રિલે હવામાન સામાન્ય રહેશે અને લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં ED એ રોબર્ટ વાડ્રાને ફરી સમન્સ મોકલ્યું

0

હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં રોબર્ટ વાડ્રા ED ઓફિસ પહોંચ્યા છે. આ મામલે ED દ્વારા તેમને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ, તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. વાડ્રાએ હાજર થતાં કહ્યું કે મારી વિરુદ્ધ EDનો ઉપયોગ થઈ રહ્યો છે. મારે કંઈ છુપાવવાની જરૂર નથી. હું દરેક પ્રશ્નનો જવાબ આપતો રહ્યો છું અને આપતો રહીશ. હું લોકોનો અવાજ બુલંદ કરીશ. જે કંઈ પૂછવામાં આવશે તે હું કહીશ.

શું હતો સમગ્ર કેસ?

આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતાં. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.

રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી નહતી આપી.

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા

સોમવારે મોડી રાત્રે દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સાન ડિએગોમાં પહાડો પરથી ખડકો રસ્તાઓ પર પડ્યા હતા. ઘરોમાં રાખેલી વસ્તુઓ અને કબાટ ઝડપથી ધ્રૂજવા લાગ્યા. જો કે, અધિકારીઓએ કોઈ ઈજા કે મોટા નુકસાનની જાણ કરી નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જુલિયનથી 2.5 માઈલ દક્ષિણમાં હતું અને તેની ઊંડાઈ આઠ માઈલ હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રયાસો તેજ, ​​ED-CBI અધિકારીઓની ટીમ બેલ્જિયમ જશે

0

ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતે બેલ્જિયમ પાસેથી પ્રત્યાર્પણની વિનંતી કરી હતી અને ત્યારબાદ મેહુલ ચોકસીની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી. 13,000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) લોન ફ્રોડ કેસમાં ભારતમાં વોન્ટેડ ચોક્સીની કાનૂની ટીમ તેની ધરપકડ સામે અપીલ દાખલ કરી રહી છે. દરમિયાન, મેહુલ ચોકસીની ધરપકડ બાદ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓને બેલ્જિયમ જવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ દસ્તાવેજો તૈયાર કરશે અને પ્રત્યાર્પણ પ્રક્રિયા હાથ ધરવા માટે બેલ્જિયમ સરકાર સાથે સંકલન કરશે.

આ ઉપરાંત પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર સીબીઆઇ અને અને ઇડીના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે.

સોમવારે જ ચોકસીના વકીલે કહ્યું હતું કે તેઓ બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચોક્સી બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. ત્યારે તેમને તબીબી આધાર પર જામીન મળવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું, અમે એવી પણ દલીલ કરીશું કે હીરાના વેપારીના ભાગી જવાનું કોઈ જોખમ નથી.તેમણે કહ્યું કે કેસની સુનાવણી પાંચ દિવસ પછી જ થઈ શકે છે. ત્યારબાદ તેઓ જામીન માટે અપીલ દાખલ કરશે. ચોક્સી 2018 માં ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો અને તેણે ભારતીય નાગરિકતા જાળવી રાખીને કેરેબિયન દેશની નાગરિકતા લીધી હોવાનું કહેવાય છે.

રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે અમદાવાદ આવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

0

રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યાંથી તેઓ સીધા જ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પહોંચશે. જ્યાં કોંગ્રેસે જે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે તે AICCના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો સાથે બેઠક યોજશે.

અમદાવાદ ઉપરાંત રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાની પણ મુલાકાત લેશે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમની તૈયારીને લઈ અગત્યની મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં AICCના સેક્રેટરી અને ઉત્તર ગુજરાત ઝોનના ઈનચાર્જ શુભાશિની યાદવ અને ઉષા નાયડુ તથા ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સૌ આગેવાનો જોડાયા હતાં.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા, કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે એઆઈસીસી ના 50 અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી હતી. રાહુલ ગાંધી આજે જિલ્લા પ્રમુખની પસંદગી માટે નિમાયેલા નિરક્ષકો સાથે અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક કરશે

અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસામાં આયોજિત સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં તેઓ જિલ્લાના 1200 બુથ લીડર્સને માર્ગદર્શન આપશે. આ અભિયાન અંતર્ગત દરેક બુથના કાર્યકરોને મતદારો અને બુથ સુધી લાવવા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ રીતે પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે.

શેરબજારમાં ફરી તેજીના સંકેત, સેન્સેક્સ 1700 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23300 પાર

શેરબજાર સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તો નિફ્ટીમાં 500 પોઇન્ટથી વધુ ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 75157 સામે મંગળવારે 76852 ખુલ્યો હતો. ટાટા મોટર્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ ઉછળી 76907 સુધી વધ્યો હતો, જે પાછલા બંધથી 1750 પોઇન્ટનો ઉછાળો દર્શાવે છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22828 સામે આજે 23368 ખુલ્યો હતો. નિફ્ટી 500 પોઇન્ટથી વધુ વધીને 23368 સુધી પહોંચ્યો હતો. ટાટા મોટર્સ 5 ટકા, લાર્સન ટુર્બો 4 ટકા, મહિન્દ્રા 4 ટકા, એચડીએફસી બેંક અને ઇન્ડ્સઇન્ડ બેંક 3.5 ટકા વધ્યા હતા. બેંક નિફ્ટી 1100 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટના ઉછાળે ટ્રેડ કરી રહ્યા છે.

નિફ્ટી50એ આજે 2 ટકાથી વધુ ઉછાળો નોંધાવી 23000નું અત્યંત મહત્ત્વની ટેકાની સપાટી ક્રોસ કરી રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ દિપાવ્યું છે. 10.30 વાગ્યે નિફ્ટી 483.05 પોઈન્ટ ઉછળી 23311.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1590.24 પોઈન્ટના ઉછાળા સાથે 76747.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3865 સ્ક્રિપ્સ પૈકી 3073 સુધારા તરફી અને 567 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 278 શેરમાં અપર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી 28માં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે માત્ર નેસ્લે 0.04 ટકા અને હિન્દુસ્તાન યુનિલીવરનો શેર 0.67 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્સડઈન્ડ બેન્કનો શેર 6.28 ટકા, ટાટા મોટર્સ 4.70 ટકા, એલએન્ડટી 4.51 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.07 ટકા, અદાણી પોર્ટ્સ 3.96 ટકા ઉછાળા સાથે ટોપ 5 ગેનર રહ્યા છે.

નાપાસથી ડેપ્યુટી કલેક્ટર સુધીનો સફર: ખેડૂતની દીકરીએ પરિવારનું નામ રોશન કર્યું

0

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સફળતાની કહાનીઓ વાયરલ થતી હોય છે, ઘણા લોકોએ ગરીબી અને કપરી પરિસ્થિતિમાં તૈયારીઓ કરી હોય છે અને મહેનત કરીને તેઓ સફળતાનાં શિખરે પણ પહોંચતા હોય છે. કેટલાક લોકો પોતાના સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરે છે અને તમામ પ્રતિકૂળતાઓ છતાં અડગ રહે છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની પ્રિયલ યાદવની છે, તે એક ખેડૂતની દીકરી છે, જે એક સમયે 11મા ધોરણમાં નાપાસ થઈ હતી પરંતુ હાલ તે મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC)ની પરીક્ષામાં છઠ્ઠો રેન્ક મેળવીને ડેપ્યુટી કલેક્ટર બની છે.

પ્રિયલના પિતા ખેડૂત છે, અને માતા ગૃહિણી છે. તે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે જ્યાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે, પરંતુ તેના માતા-પિતાએ તેના પર લગ્ન માટે દબાણ કર્યું ન હતું અને તેણીને કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રિયલ MPPSC પરીક્ષા 2021માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ કરાયેલા ટોપ 10 ઉમેદવારોમાંની એક હતી.

તે હવે IAS ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતી વખતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષાઓની તૈયારી કરવાનો છે. પ્રિયલે 2019 માં રાજ્ય સેવાની પરીક્ષા આપી, જેમાં તેણીએ 19મો રેન્ક મેળવ્યો અને જિલ્લા રજીસ્ટ્રાર બની. તે આનાથી ખુશ ન હતી અને ફરીથી તૈયારી કરવા લાગી.

બીજા જ વર્ષે, તેણીએ રાજ્ય સિવિલ સેવા પરીક્ષા 2020 માં 34મો રેન્ક મેળવ્યો. આ વખતે તેમની પસંદગી સહકારી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે થઈ હતી. પ્રિયલ અહીં જ ન અટકી, તેણે 2021માં ફરી પરીક્ષા આપી અને ડેપ્યુટી કલેક્ટર બની.

આ એ જ પ્રિયલ છે જે 11માં એક વખત નાપાસ થઈ હતી. પ્રિયલ તેના વર્ગમાં 10મા સુધી ટોપ કરતી હતી, પરંતુ તેણે 11મા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય પસંદ કર્યા હતા. પ્રિયલને આ વિષયોમાં કોઈ રસ નહોતો, જેના કારણે તે 11મામાં ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થઈ ગઈ. 11માં નાપાસ થવાની આ ઘટનાએ પ્રિયલને આંચકો આપ્યો હતો.