હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં રોબર્ટ વાડ્રા ED ઓફિસ પહોંચ્યા છે. આ મામલે ED દ્વારા તેમને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ, તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. વાડ્રાએ હાજર થતાં કહ્યું કે મારી વિરુદ્ધ EDનો ઉપયોગ થઈ રહ્યો છે. મારે કંઈ છુપાવવાની જરૂર નથી. હું દરેક પ્રશ્નનો જવાબ આપતો રહ્યો છું અને આપતો રહીશ. હું લોકોનો અવાજ બુલંદ કરીશ. જે કંઈ પૂછવામાં આવશે તે હું કહીશ.
શું હતો સમગ્ર કેસ?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતાં. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી નહતી આપી.