ગુજરાતમાં હવે ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે ધીમે ધીમે તાપમાન ઉંચુ જવા લાગ્યું છે. રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચ્યું છે. ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસમાં હજી પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે. થોડા દિવસોના નજીવા ઘટાડા બાદ આજે ફરીથી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે ગરમીની અસર વધુ તીવ્ર બની છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, કંડલામાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 42.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી અને રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું. અન્ય શહેરો જેવા કે ડીસામાં 41.1 ડિગ્રી, વડોદરા અને ભુજમાં 40.8 ડિગ્રી, મહુવામાં 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધશે. ખાસ કરીને, દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર વધુ જોવા મળશે. હવામાન વિભાગે 26 અને 27 ફેબ્રુઆરીએ ગરમીની અસર વધુ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. જોકે, 18 અને 19 એપ્રિલે હવામાન સામાન્ય રહેશે અને લોકોને ગરમીથી રાહત મળી શકે છે.