Home Blog Page 46

શાળા કે યાતના કેમ્પ? માસૂમ બાળકો સાથેની ક્રૂરતાથી ઉઠ્યો રોષ

0

મહારાષ્ટ્રમાં બાળકો સાથે કથિત દુર્વ્યવહારની બે અલગ-અલગ ઘટનાઓએ તેમની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધારી છે. પહેલી ઘટના રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના નંદગાંવ ગામની છે, જ્યાં એક વાયરલ વીડિયોમાં એક આંગણવાડી કાર્યકર એક નાની બાળકીને છાતીમાં જોરથી લાત મારી રહી છે. બીજી ઘટના છત્રપતિ સંભાજીનગરમાં એક પ્રિસ્કુલની છે, જ્યાં ૨૩ મહિનાના બાળક પર કથિત હુમલા અંગેની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, પનવેલ તાલુકાના નંદગાંવ ગામમાં એક આંગણવાડીમાં કામ કરતી એક મહિલા કથિત રીતે એક નાની છોકરીને છાતીમાં લાત મારતી જોવા મળે છે. છોકરી તે જ સ્થાનિક આંગણવાડીમાં ભણે છે તેવો અહેવાલ આપવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ લોકોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. ઘણા યુઝર્સે મહિલાના કથિત વર્તનની નિંદા કરી છે અને આ મામલે કાર્યવાહીની માગ કરી છે.

એક અલગ ઘટનામાં, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક પ્રિસ્કુલમાં ૨૩ મહિનાના બાળક પર વારંવાર હુમલો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ ઘટના ૨૨ જૂન, ૨૦૨૬ ના રોજ સિડકા N-1 વિસ્તારમાં સ્થિત ફર્સ્ટક્રાય ઇન્ટેલિટોટ્સ પ્રિસ્કુલમાં બની હતી. બાળકના ૨૯ વર્ષીય પિતા, જે એક વકીલ છે, તેને સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પ્રિસ્કુલમાં છોડી ગયા હતા. આ ઘટના બાદ, બાળકના ચહેરા, નાક, હોઠ, છાતી અને પીઠ પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.

ફરિયાદ મુજબ, સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ, એક મહિલા ક્લાસ સહાયક એક બાળકને ક્લાસરૂમમાંથી બહાર લઈ ગઈ હતી. એવો આરોપ છે કે બહાર નીકળતી વખતે, તેણે ક્લાસરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો, જેના કારણે ઘણા નાના બાળકોને કોઈ શિક્ષક કે જવાબદાર સ્ટાફ સભ્યની દેખરેખ વિના રૂમમાં એકલા છોડી દીધા. અહેવાલ મુજબ, કોઈ પુખ્ત વયના લોકો હાજર ન હોવાનું જાણીને બાળકો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. થોડા સમય માટે કોઈ સ્ટાફ સભ્ય આસપાસ ન હોવાથી ક્લાસરૂમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. ફૂટેજ જોયા પછી, બાળકના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં સની પટેલની અંતિમ યાત્રા: માતા-પત્નીના કરુણ રુદનથી ગમગીન બન્યું વાતાવરણ

કતાર ખાતે આવેલ ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટને પગલે શહેરનાં ભીમપોર ખાતે રહેતા યુવક સની પટેલનું મોત નિપજયું હતું. સની પટેલનો મૃતદેહ આજે વહેલી સવારે ભીમપોર પહોંચતાં ભારે હૈયે તેના અંતિમ સંસ્કાર યોજવામાં આવ્યા હતા. ભીમપોર અને આસપાસનાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમ યાત્રામાં જોડાતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ જુવાનજોધ પુત્રનાં મોતને પગલે પરિવારજનો ભારે આક્રંદ કરતાં નજરે પડ્યા હતા.

થોડા દિવસો પૂર્વે કતાર ખાતે ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટની ઘટનાને પગલે ભીમપોર ખાતે મોટા મહોલ્લામાં રહેતા સની પટેલ ગુમ થયો હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. બીજી તરફ કતારમાં જ રહેતા સનીનાં ભાઈ રવિ પટેલે પણ શોધખોળ હાથ ધરી હતી. પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં સની પટેલનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોનાં માથે આભ ફાટી પડ્યું હતું.

ભારતીય દુતાવાસનો સંપર્ક કરીને પરિવારજનો દ્વારા સની પટેલનાં મૃતદેહને વતન પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે આજે સવારે અમદાવાર એરપોર્ટ પર સની પટેલનો મૃતદેહ પહોંચ્યા બાદ ત્યાંથી ભીમપોર ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો હતો. જ્યારે સનીનો પાર્થિવ દેહ તેના ઘર આંગણે પહોંચ્યો ત્યારે ત્યાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારની સ્થિતિ અત્યંત દયનીય અને ખરાબ જોવા મળી હતી.

સનીની માતા અને પત્ની પોતાના વહાલસોયાને ગુમાવી બેસવાના આઘાતમાં અચેત થઈ રહ્યા હતા અને સતત રડી રહ્યા હતા. પત્રીના કરુણ આક્રંદ અને માતાની ચીસો સાંભળીને આખું ગામ હિબકે ચડ્યું હતું. ઘરના આંગણે હજારોની મેદની જમા થઈ ગઈ હતી, પરંતુ કોઈની પાસે આ દુ:ખી પરિવારને આપવા માટે સાંત્વનાના શબ્દો નહોતા. સનીના અકાળે અવસાનથી આખા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

તમિલ અભિનેતા કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

0

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા, લેખક અને નિર્દેશક કે. ભાગ્યરાજનું હૃદયરોગના હુમલાના કારણે 73 વર્ષની વયે નિધન થયું છે. લગભગ પાંચ દાયકાથી વધુ સમય સુધી તમિલ સિનેમાને સમર્પિત રહેલા કે. ભાગ્યરાજના અવસાનથી દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

જુનિયર આર્ટિસ્ટથી શરૂ થઈ હતી કારકિર્દી
કે. ભાગ્યરાજે પોતાના ફિલ્મી કરિયરમાં 75થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને 20થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. વર્ષ 1977માં આવેલી ફિલ્મ 16 વયથિનિલેમાં તેઓ પ્રથમ વખત નાના પાત્રમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે ‘સિગપ્પુ રોજક્કલ’ (1978) ફિલ્મમાં અભિનય કર્યો હતો અને આ ફિલ્મના સંવાદ લેખનમાં પણ યોગદાન આપ્યું હતું.

સહાયક નિર્દેશકથી સફળ ડિરેક્ટર સુધીનો સફર
અભિનય બાદ તેઓ સહાયક નિર્દેશક તરીકે તમિલ સિનેમામાં સક્રિય બન્યા અને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘સુવરિલ્લાધા ચિથિરંગલ’ દ્વારા તેમણે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાના કરિયરમાં ‘ઓરુ કાઈ ઓસાઈ’, ‘ડાર્લિંગ, ડાર્લિંગ, ડાર્લિંગ’ અને ‘અવસારા પોલીસ 100’ જેવી લોકપ્રિય ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. વર્ષ 2010માં તેમણે ‘સિદ્ધુ 2’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં તેમના પુત્રએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દિગ્દર્શનમાંથી વિરામ બાદ પણ અભિનય ચાલુ રાખ્યો
2010 બાદ કે. ભાગ્યરાજે દિગ્દર્શનમાંથી વિરામ લીધો હતો, પરંતુ તેઓ ફિલ્મોમાં સહાયક અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા રહ્યા હતા. તાજેતરમાં અભિનેતા ધનુષની ફિલ્મ ‘કુબેરા’ (2025) માં પણ તેઓ જોવા મળ્યા હતા.

પરિવારને છોડી ગયા
કે. ભાગ્યરાજ પોતાના પાછળ પત્ની પૂર્ણિમા જયરામ, પુત્રી સરણ્યા ભાગ્યરાજ અને પુત્ર શાંતનુ ભાગ્યરાજને છોડી ગયા છે. શાંતનુ ભાગ્યરાજ પણ પોતાના પિતાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે કાર્યરત છે. તેમના નિધનથી તમિલ સિનેમા જગતે એક પ્રતિભાશાળી અભિનેતા, લેખક અને દિગ્દર્શક ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રમાં TET પરીક્ષા મુલતવી, પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીકની આશંકા

0

મહારાષ્ટ્રમાં ફરી એકવાર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાનો કથિત મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે 28 જૂનના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 27 જૂન 2026ની સવારે ભિવંડી વિસ્તારમાં કેટલાક લોકો પાસે પ્રશ્નપત્ર સંબંધિત માહિતી હોવાની ગુપ્ત બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ભિવંડી પોલીસે શંકાસ્પદ સ્થળ પર દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રશ્નપત્રની સત્યતા ચકાસવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

તપાસમાં પ્રશ્નપત્રના સવાલો મળ્યા મેળ ખાતા
તપાસ દરમિયાન સામે આવ્યું કે શંકાસ્પદ લોકો પાસેથી મળેલા કેટલાક પ્રશ્નો TET જૂન-2026ની પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. આ પ્રાથમિક પુરાવાઓના આધારે ભિવંડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અનેક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સીઓ સમગ્ર પેપર લીક રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

હવે પરીક્ષા ક્યારે યોજાશે?
કથિત પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે રવિવારે યોજાનારી TET પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા જરૂરી વહીવટી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ ઘટનાથી લાખો ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે, જ્યારે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

પાકિસ્તાનમાંમાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

વેનેઝુએલામાં આવેલા ખતરનાક ભૂકંપ પછી હવે પાકિસ્તાનની ધરતી પણ ધ્રુજી ઉઠી છે. પાકિસ્તાનમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર ડેરા ગાઝી ખાન પાસે અને જમીનથી 75 કિલોમીટર નીચે હતું. પાકિસ્તાનના સમય મુજબ ભૂકંપ સવારે 8:53 વાગ્યે આવ્યો. અત્યાર સુધી આમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. આ પહેલા શુક્રવારે બલૂચિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

બલૂચિસ્તાનમાં 5.1 તીવ્રતાના ભૂકંપના ઝટકા
પાકિસ્તાનના બલૂચિસ્તાનના કેટલાક ભાગોમાં શુક્રવારે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કોહલુથી 60 કિમી ઉત્તર-પૂર્વમાં 17 કિમીની ઊંડાઈએ હતું. તેના આંચકા ઝોબ, બરખાન અને રાખની વિસ્તારોમાં અનુભવાયા હતા. આ ભૂકંપ સાંજે 4:48 વાગ્યે આવ્યો હતો.

વેનેઝુએલા પછી ધ્રુજી પાકિસ્તાનની ધરતી
દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા પહેલાથી જ ભૂકંપની ભારે કિંમત ચૂકવી રહ્યો છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોત અને ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. વળી હજારો લોકો અત્યાર સુધી ગુમ છે. વિનાશકારી ભૂકંપથી લોકોની જિંદગી તબાહ થઈ ચૂકી છે.

સુરતમાં બેફામ દોડતા ડમ્પરની અડફેટે માતા અને દીકરીનું કરુણ મોત

0

સુરત શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના સચિન અને ઉધના વિસ્તારને જોડતા ભેસ્તાન બ્રિજ પર બની હતી, જ્યાં એક ડમ્પરની ટક્કરથી 22 વર્ષીય માતા અને તેની 3 વર્ષની માસૂમ પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું.

બ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી અનુસાર, માતા અને પુત્રી મોપેડ પર સવાર થઈ ભેસ્તાન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા એક ડમ્પરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને રસ્તા પર પટકાયા અને ડમ્પરના પાછળના વ્હીલ નીચે આવી ગયા. ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા, પરંતુ વધુ લોહી વહી જવાને કારણે 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

તંત્ર સામે જનતાનો લાઈવ રોષ અને પોલીસ એક્શન
આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો મોટી સંખ્યામાં બ્રિજ પર એકત્ર થઈ ગયા હતા. લોકોએ સુરત પોલીસ તંત્ર અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને લાઈવ રોષ ઠાલવ્યો હતો કે, પીક અવર્સમાં બ્રિજ પર આવા તોતિંગ ડમ્પરોને આટલી સ્પીડે ચલાવવાની મંજૂરી કોણ આપે છે? ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ભેસ્તાન બ્રિજ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને ડમ્પર જપ્ત કરી ફરાર ડ્રાઈવર વિરૂદ્ધ માનવ વધની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને લોક કરવાના લાઈવ ચક્રો ગતિમાન કર્યા છે.

અયોધ્યા રામ મંદિરની દાનચોરીના કેસમાં આઠેય આરોપી 29 જૂન સુધી જેલમાં

0

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતી દાનની રકમમાં કથિત ગેરરીતિ અને ઉચાપતના મામલે દેશભરમાં ભારે ચર્ચા અને હોબાળો મચ્યો છે. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પ્રાથમિક તપાસ બાદ ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓને સ્થાનિક અદાલતે 29 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી આશરે 79.85 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, પકડાયેલા આરોપીઓમાંના 6 લોકો બેંકની આઉટસોર્સ્ડ કેશ મેનેજમેન્ટ એજન્સી સાથે સંકળાયેલા હતા, જેમને મંદિરના દાનની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીઓના મતે, આ કર્મચારીઓ સીધા જ કથિત ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

ગુરુવારે નોંધાઈ સત્તાવાર ફરિયાદ
મંદિરમાં ચડાવાની રકમની ગણતરી દરમિયાન ગેરરીતિની શંકા ઉભી થતાં ગુરુવારે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. SIT દ્વારા પ્રાથમિક રિપોર્ટ રજૂ કરાયા બાદ સમગ્ર મામલે તંત્ર હરકતમાં આવ્યું અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ફરિયાદ બાદ તાત્કાલિક ધરપકડ
ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે કેશ મેનેજમેન્ટ એજન્સીના 6 કર્મચારીઓ સહિત કુલ 8 લોકોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી, જેને તપાસનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.

ટ્રસ્ટીઓએ આપી નૈતિક જવાબદારી
આ સમગ્ર કૌભાંડ બહાર આવતા કરોડો રામભક્તોની લાગણીઓને આંચકો પહોંચ્યો હતો. વધતા લોકાક્રોશ વચ્ચે મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ ચંપત રાય અને અનિલ મિશ્રાએ નિષ્પક્ષ તપાસ માટે નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

29 જૂન સુધી ન્યાયિક કસ્ટડી
સ્થાનિક અદાલતે તમામ આઠ આરોપીઓને 29 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે સોમવારે તેમને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી આગળ વધારી રહી છે.

આ કેસમાં હજુ વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ તપાસ પર ટકેલી છે.

હવે હાઈડ્રોજનથી દોડશે ટ્રેન! 120 કિમીની ઝડપે દોડશે ભારતની પહેલી ગ્રીન ટ્રેન

0

ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવી અને હરિયાળી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે. પાટા હવે અવાજ અને ધુમાડાથી નહીં, પરંતુ સ્વચ્છ ભવિષ્યની ગતિથી ચિહ્નિત થશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, જે ન તો ધુમાડો છોડશે કે ન તો પ્રદૂષણ, તેની શક્તિના પુરાવા તરીકે ફક્ત પાણીનો છંટકાવ કરશે. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન આજે, શુક્રવાર, 26 જૂન, 2026ના રોજ તેનું અંતિમ હાઇ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ ટ્રાયલ હરિયાણાના જીંદથી સોનીપત સેક્શન પર હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ટ્રેન મહત્તમ 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પહોંચી હતી.

દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં દોડશે
હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ ભારતીય રેલ્વે માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તે દેશમાં પ્રદૂષણ ઘટાડવામાં અને સ્વચ્છ ઇંધણ, હાઇડ્રોજન પર ચાલતી ટ્રેનોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ માત્ર એક નવી ટ્રેન નથી, પરંતુ પર્યાવરણીય દેખરેખ માટે ભારતનો નવો અભિગમ છે. તે હરિયાણામાં શરૂ કરવામાં આવશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન સફેદ પટ્ટાઓ સાથે વાદળી રંગની હશે.

હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રાયલ દરમિયાન જાહેર કરાયેલા વીડિયોમાં ટ્રેન જીંદ સ્ટેશનથી રવાના થતી દેખાઈ હતી, જ્યાં રેલ્વે અધિકારીઓએ તેની ગતિ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેથી ખાતરી કરી શકાય કે તે તમામ તકનીકી ધોરણોને પૂર્ણ કરે છે. આ સફળ ટ્રાયલ રનને મુસાફરોની સેવા શરૂ થાય તે પહેલાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કેટલીક જરૂરી પ્રક્રિયાઓ અને ઔપચારિકતાઓ બાકી છે, અને પૂર્ણ થયા પછી, ટ્રેન સામાન્ય મુસાફરો માટે કાર્યરત થશે.

હાઇડ્રોજન ટ્રેનની વિશેષતાઓ
સામાન્ય ટ્રેનો ડીઝલનો ઉપયોગ કરે છે, જે પ્રદૂષણનું કારણ બને છે, પરંતુ આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર ચાલશે. હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ધુમાડો કે ઝેરી વાયુઓ ઉત્પન્ન કરતી નથી, ફક્ત પાણીની વરાળ ઉત્પન્ન કરે છે.

હાઇડ્રોજન ટ્રેન રૂટ અને ભાડું
આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, રસ્તામાં ગોહાના ખાતે રોકાશે. ટિકિટના ભાવ અને સમયપત્રક અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાઇ-ટેક ટ્રેનનું ભાડું ઓછામાં ઓછું 5 રૂપિયા અને મહત્તમ ફક્ત 25 રૂપિયા હોઈ શકે છે.

જૂનાગઢમાં 7 થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ મોત અંગે એકની ધરપકડ

જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી મળી આવેલા 7 થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ મોતના કેસમાં વન વિભાગને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સિંહબાળના મોત મામલે સંડોવણીની શંકાના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આરોપી બાવન ચાવડાને પોરબંદર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સિંહબાળના મોતની ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વન વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
આરોપીની શોધખોળ માટે કુતિયાણા વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમોએ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ટેકનિકલ વિશ્લેષણ, માનવ બાતમી અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન વન વિભાગે અનેક મહત્વપૂર્ણ કડીઓ મેળવી હતી, જેના આધારે ફરાર આરોપીની ઓળખ કરીને તેને ઝડપી લેવામાં સફળતા મળી છે.

પૂછપરછ બાદ રિમાન્ડની કાર્યવાહી
ધરપકડ કરાયેલા આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા સિંહબાળના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ પૂર્ણ થયા બાદ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસમાં વધુ કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ જૂનાગઢ નજીક રબારી નેસ વિસ્તારમાં એક 7 થી 8 માસના નર સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે વન વિભાગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

94 વર્ષની દાદીએ અમેરિકાની નાગરિકતા છોડી, ભારતીય બનવા અરજી કરી

0

ભારત પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવતો એક અનોખો કિસ્સો આંધ્ર પ્રદેશમાંથી સામે આવ્યો છે. 94 વર્ષીય કોન્દ્રાગુન્તા મહાલક્ષ્મમ્માએ બે દાયકાથી વધુ સમય પહેલાં મેળવેલી અમેરિકન નાગરિકતા છોડીને ફરી ભારતીય નાગરિક બનવા માટે અરજી કરી છે. તેમની અંતિમ ઇચ્છા પોતાના જીવનના બાકીના દિવસો ભારતીય નાગરિક તરીકે પોતાના વતનમાં વિતાવવાની છે.

મીડિયા અહેવાલો અનુસાર, મહાલક્ષ્મમ્મા તેમના પતિના અવસાન બાદ અમેરિકા ગયા હતા, જ્યાં તેમના પુત્ર બુચૈયા ચૌધરી વર્જિનિયાના પીટર્સબર્ગ શહેરમાં ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. વર્ષ 2000માં તેમણે અમેરિકાની નાગરિકતા મેળવી હતી અને લગભગ 18 વર્ષ સુધી ત્યાં નિવાસ કર્યો હતો.

વર્ષ 2018માં તેમના પુત્રે આંધ્ર પ્રદેશના મંગલાગિરી ખાતે આવેલી NRI હોસ્પિટલમાં સેવા આપવાનું શરૂ કરતાં મહાલક્ષ્મમ્મા ભારત પરત ફર્યા હતા. ત્યારથી તેઓ પોતાના વતનમાં રહેતા હતા અને હવે ફરી ભારતીય નાગરિક બનવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે.

ફરીથી ભારતીય નાગરિક બનવાની ઇચ્છા
તાજેતરમાં મહાલક્ષ્મમ્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાની નાગરિકતા અરજીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અધિકારીઓને વિનંતી કરતા જોવા મળે છે. આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના ચિંતાગુમ્પાલા ગામના રહેવાસી મહાલક્ષ્મમ્મા પોતાના પુત્ર સાથે જિલ્લા કલેક્ટર જે. વેંકટ મુરલીને મળ્યા હતા.

તેમણે અધિકારીઓને જણાવ્યું કે તેઓ પહેલેથી જ અમેરિકન નાગરિકતાનો ત્યાગ કરી ચૂક્યા છે અને હવે ફરી ભારતીય નાગરિક તરીકે ઓળખ મેળવવા માંગે છે.

મહાલક્ષ્મમ્માએ ભાવુક શબ્દોમાં કહ્યું, “હું હવે 95 વર્ષની ઉંમરની નજીક છું. મારી સૌથી મોટી ઇચ્છા એ છે કે હું મારા અંતિમ દિવસો મારી માતૃભૂમિમાં ભારતીય નાગરિક તરીકે વિતાવું. મારા અંતિમ સંસ્કાર પણ મારા વતન ગામમાં જ થાય એવી મારી ઇચ્છા છે.”

ભારતના બંધારણ અને કાયદા પ્રત્યે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
મહાલક્ષ્મમ્માએ અધિકારીઓ સમક્ષ ભારતના બંધારણનું સન્માન કરવાની અને દેશના તમામ કાયદાઓનું પાલન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે તેમને કાનૂની રીતે ફરી ભારતીય નાગરિકતા આપવામાં આવે જેથી તેઓ પોતાના વતનમાં શાંતિપૂર્ણ જીવન જીવી શકે.

જિલ્લા કલેક્ટરે તેમને ખાતરી આપી હતી કે તેમની અરજી નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ આગળ ધપાવવામાં આવશે. સ્થાનિક સ્તરની તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર મારફતે કેન્દ્ર સરકારને જરૂરી ભલામણ મોકલવામાં આવશે, જેના આધારે નાગરિકતા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 94 વર્ષની વયે પોતાની માતૃભૂમિ પ્રત્યેનો આ લાગણીસભર નિર્ણય અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.