Home Blog Page 3

Gen Z સુધી પહોંચવા ભાજપની નવી ટીમ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓને મોટી જવાબદારી

0

યુવા મતદારો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ હવે વધુ સીધી અને સંગઠિત બનતી જોવા મળી રહી છે. પાર્ટીએ દેશભરના Gen Z એટલે કે નવી પેઢીના યુવાનો સાથે સતત સંવાદ વધારવા માટે ખાસ Outreach Teamની રચના કરી છે. આ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક જાણીતા નેતાઓને સ્થાન મળ્યું છે.

ભાજપ દ્વારા રચવામાં આવેલી આ ટીમમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમનો મુખ્ય હેતુ યુવાનોના પ્રશ્નો, વિચારો અને અપેક્ષાઓને સમજવા માટે તેમના સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે.

આ Outreach Programme હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ખાસ કરીને Gen Z સાથે સંવાદ કાર્યક્રમો યોજવાની તૈયારી છે. યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાર્ટી દ્વારા આ અભિયાન નજીકના સમયમાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ નિર્ણય ભાજપની તાજેતરની સંગઠનાત્મક ફેરબદલી બાદ આવ્યો છે. 17 ઓગસ્ટે નીતિન નબીનના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓને નવી જવાબદારીઓ આપવામાં આવી હતી.

રેસ્ટોરન્ટમાં સડેલું કે અસુરક્ષિત ખાવાનું પીરસ્યું તો શું થશે? FSSAIના નિયમો અને સજાની સંપૂર્ણ માહિતી

હાલમાં થયેલી ઘટનાઓ એ સવાલ ઊભો કર્યો છે કે રેસ્ટોરન્ટમાં અસુરક્ષિત ખાવાનું પીરસો તો કાયદો કેટલો કડક છે? રેસ્ટોરન્ટમાં પૈસા ચૂકવીને લીધેલું ભોજન જો સડેલું, દૂષિત કે આરોગ્ય માટે જોખમી નીકળે તો વાત માત્ર ખરાબ અનુભવ પૂરતી રહેતી નથી. ખોરાકની સ્થિતિ અને તેના પરિણામોના આધારે રેસ્ટોરન્ટ સંચાલક સામે Food Safety and Standards Act, 2006 હેઠળ દંડથી લઈને જેલ અને વળતર સુધીની કાર્યવાહી થઈ શકે છે.

કાયદા મુજબ નિર્ધારિત ગુણવત્તા ધોરણો પૂર્ણ ન કરતું Sub-standard Food હોય તો Section 51 હેઠળ ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે અસ્વચ્છ અથવા અસ્વાસ્થ્યપ્રદ રીતે ખોરાક બનાવવો કે પ્રોસેસ કરવો Section 56 હેઠળ આવે છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

સૌથી ગંભીર સ્થિતિ Unsafe Foodની છે. Section 59 મુજબ ઈજા ન થાય તો 3 મહિના સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, સામાન્ય ઈજામાં 1 વર્ષ સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, ગંભીર ઈજામાં 6 વર્ષ સુધીની જેલ અને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછા 7 વર્ષની જેલથી આજીવન કેદ અને ઓછામાં ઓછો ₹10 લાખનો દંડ થઈ શકે છે.

આ ઉપરાંત Section 65 હેઠળ મૃત્યુ થાય તો ઓછામાં ઓછું ₹5 લાખ વળતર, ગંભીર ઈજામાં ₹3 લાખ સુધી અને અન્ય ઈજામાં ₹1 લાખ સુધી વળતરનો આદેશ થઈ શકે છે.

ગ્રાહક ખરાબ ખોરાકની ફરિયાદ FSSAI Food Safety Connect મારફતે કરી શકે છે. ફરિયાદ સાથે બિલ, ફોટો અથવા અન્ય પુરાવા જોડવાની સુવિધા છે અને ફરિયાદની સ્થિતિ ઓનલાઇન ટ્રેક પણ કરી શકાય છે.

રાણા સમાજ મહિલા ફોરમની અનોખી પહેલ, ‘ઉડાન-2026’માં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-વેચાણ

સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી સતત સાતમા વર્ષે ‘ઉડાન-2026’ એક્ઝિબિશન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના રૂસ્તમપુરા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય એક્ઝિબિશનનું શુક્રવારે શ્રી સિદ્ધિ વિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સ, મુંબઈના માલિક શ્રી રાજેશભાઈ ઝવેરી અને શ્રીમતી મીનાક્ષીબેન રાજેશભાઈ ઝવેરીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ કાશીરામભાઈ રાણા, મહામંત્રી શ્રી નવીનભાઈ ચપડિયા, શ્રી સુધાકરભાઈ માસ્તર, શ્રી નવીનભાઈ જરીવાલા, શ્રી બીપીનભાઈ જરીવાલા, ડો. કિશાન એન્જિનિયર, શ્રી હિતેન્દ્રભાઈ એમ. રાણા, શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા, SMC સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઈ એન. રાણા, કોર્પોરેટર શ્રી સંદિપભાઈ ચલકવાલા, કોર્પોરેટર શ્રીમતી અનિતાબેન રાણા, શ્રી નરેશભાઈ એમ. રાણા, શ્રીમતી લત્તાબેન વી. રાણા, ઉદ્યોગપતિ શ્રી વિજયભાઈ એ. જરીવાલા, એડવોકેટ શ્રી વિજયભાઈ જરીવાલા, શ્રી અનયભાઈ જરીવાલા, શ્રીમતી નીતિલાબેન આર. ચપડિયા, ધૃતિ આકાશ જરીવાલા, સુરત રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી ચંપાકલીબેન જરીવાલા સહિત રાણા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ એક્ઝિબિશનમાં રાણા સમાજની બહેનો દ્વારા કુલ 47 જેટલા સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ સ્ટોલ ઉપરાંત સાડી, સેલા, હેન્ડમેડ જ્વેલરી, સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી, વિવિધ ફેબ્રિક તથા પેન્ટના કપડાં, બીડ વર્ક પર્સ, રાધા-કૃષ્ણના વાઘા અને રમકડાં, ક્રોશેટ આઇટમ્સ, પ્રેસ-ઓન નેઇલ્સ, હેન્ડમેડ રાખડીઓ, વેસ્ટર્ન આઉટફિટ્સ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સમાજની બહેનોને પોતાની પ્રતિભા અને વ્યવસાયિક કુશળતા રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે તેમજ તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ સુરત શહેરના અનેક લોકોએ મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની ખરીદી સાથે વિવિધ વાનગીઓની પણ મજા માણી હતી.

સુરત શહેરની જનતાને આ ત્રણ દિવસીય ‘ઉડાન-2026’ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લઈ સમાજની બહેનોના આત્મનિર્ભરતાના પ્રયાસને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

Video: ‘દર્દીને ઇમરજન્સીમાં દાખલ કરો’ કહેતાં મહિલા ડૉક્ટરને લાફો? રાજકોટ સિવિલમાં હોબાળો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટેની સારવાર અંગેનો વિવાદ એટલો વણસ્યો કે વાત કથિત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતી 26 વર્ષીય મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે સિનિયર તબીબ પર ગાળો આપવા, થપ્પડ મારવા અને ધમકી આપવાનો આરોપ લગાવતા હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના પગલે જુનિયર ડૉક્ટરો વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા.

ફરિયાદ મુજબ, 20 ઓગસ્ટની સાંજે આશરે 7:30થી 7:45 દરમિયાન એક વૃદ્ધ મહિલા દર્દીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. દર્દીને વેન્ટિલેટર સપોર્ટની જરૂર હોવાનું જણાવતાં રેસિડેન્ટ ડૉક્ટર કૃષા સિંગાલાએ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવાની રજૂઆત કરી હતી. આરોપ છે કે સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં ખસેડવાનું કહ્યું હતું. આ મુદ્દે ફરી ચર્ચા થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને રામાણીએ કથિત રીતે ગાળો આપી થપ્પડ મારી હતી. ઘટના સીસીટીવીમાં કેદ થયાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રદ્યુમ્નનગર પોલીસે ડૉ. રામાણી સામે BNSની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસને નોન-કોગ્નિઝેબલ ગણાવી ડૉ. રામાણીને મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન મળ્યા હોવાનું અહેવાલો માં જાણવા મળી રહ્યું છે.

ઘટના બાદ જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. હોસ્પિટલ પ્રશાસને બેઠક યોજી કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં આરોગ્ય વિભાગે ડૉ. રામાણીની બદલીનો આદેશ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

23 કે 24 ઓગસ્ટ ક્યારે છે પુત્રદા એકાદશીનું વ્રત? શા માટે રાખવામાં આવે છે? જાણો શાસ્ત્રોમાં શું કહેવાયું છે

આ વર્ષે એકાદશી તિથિ બે તારીખને સ્પર્શતી હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. પંચાંગ મુજબ શ્રાવણ સુદ એકાદશી 23 ઓગસ્ટ 2026, રવિવારે છે. જોકે વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટ, સોમવારે પણ આ એકાદશીનું પાલન કરવામાં આવે છે. ગુજરાતના ગુજરાતી પંચાંગમાં પણ 23 ઓગસ્ટે પુત્રદા એકાદશી અને 24 ઓગસ્ટે વૈષ્ણવ પુત્રદા એકાદશી દર્શાવવામાં આવી છે.

એકાદશી તિથિ ક્યારે શરૂ અને પૂર્ણ થશે?

પંચાંગ ગણતરી મુજબ એકાદશી તિથિ 23 ઓગસ્ટે સવારે 2:00 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટે સવારે 4:18 વાગ્યે પૂર્ણ થશે. સામાન્ય ગૃહસ્થ પરંપરા મુજબ 23 ઓગસ્ટે વ્રત રાખવામાં આવે છે. વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટે વ્રત પાલન જોવા મળે છે.

પુત્રદા એકાદશીનું મહત્વ શું છે?

પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને વર્ષમાં બે વખત આવે છે—પોષ મહિનામાં અને શ્રાવણ મહિનામાં. ‘પુત્રદા’નો પરંપરાગત અર્થ પુત્રપ્રાપ્તિ સાથે જોડાય છે. પદ્મ પુરાણની કથામાં રાજા સુકેતુમાન સંતાન ન હોવાથી દુઃખી હતા અને તેમણે આ વ્રતનું પાલન કર્યું હોવાનું વર્ણન મળે છે.

વ્રતમાં શું કરવામાં આવે છે?

ભક્તો સ્નાન બાદ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે. તુલસી, ફૂલ અને ફળ અર્પણ કરી વિષ્ણુ સ્મરણ, મંત્રજાપ અને કથા શ્રવણ કરવાની પરંપરા છે. સંતાનસુખની કામના રાખતા દંપતી પણ આ વ્રત કરે છે. ઉપવાસની રીત વ્યક્તિની પરંપરા અને ક્ષમતા પ્રમાણે રાખી શકાય છે.

શું મળે છે ફળ?

ધાર્મિક માન્યતા મુજબ પુત્રદા એકાદશીનું વ્રત સંતાનસુખ, પરિવારની સુખ-શાંતિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે. પાપક્ષય અને આધ્યાત્મિક કલ્યાણ સાથે જોડાયેલી માન્યતાઓ પણ પ્રચલિત છે. જોકે આ ફળો ધાર્મિક માન્યતાઓ છે.

નિષ્કર્ષ: 2026માં સામાન્ય રીતે પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટે રહેશે, જ્યારે વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટનું પાલન જોવા મળે છે. તમારા સ્થાનિક પંચાંગ અથવા સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંતિમ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

લાંચ માંગનારાઓની ફરિયાદો માટે બની હતી આ સાઇટ, 48 કલાકમાં જ થયું એવું કે કરવી પડી બંધ

લાંચ માંગનારા અધિકારીઓ સામે લોકોનો અવાજ એકઠો કરવા બનાવાયેલી એક વેબસાઇટે લોન્ચ થયા બાદ માત્ર 48 કલાકમાં જ ધમાકેદાર પ્રતિસાદ મેળવ્યો હતો. Bribes.fyi નામના આ પ્લેટફોર્મ પર 50 લાખથી વધુ રિક્વેસ્ટ આવી અને આશરે 2 લાખ નવા યુઝર્સ જોડાયા હતા. જોકે, આટલી ઝડપથી લોકપ્રિય બનેલી વેબસાઇટ થોડા જ સમયમાં અચાનક ઓફલાઇન થઈ ગઈ હતી.

દિલ્હીના 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી આર્યન નિષાદે આ પ્લેટફોર્મ સાઇડ પ્રોજેક્ટ તરીકે બનાવ્યું હતું. અહીં લોકો સરકારી કચેરીમાં કથિત રીતે માંગવામાં આવેલી લાંચ અંગે અનામી રીતે માહિતી નોંધાવી શકતા હતા. વેબસાઇટ પર પોલીસ, RTO, રેવન્યુ, જમીન રેકોર્ડ અને પાસપોર્ટ વિભાગ જેવી સેવાઓ અંગે ફરિયાદો નોંધાઈ હતી.

17 ઓગસ્ટ સુધી પ્લેટફોર્મ પર 250થી વધુ શહેરોમાં 600થી વધુ રિપોર્ટ્સ નોંધાયા હોવાનું અહેવાલોમાં જણાવામાં આવી રહ્યું જેમાં આશરે 37 ટકા નોંધોમાં યુઝર્સે જણાવ્યું હતું કે તેમણે લાંચ આપવાનો ઇનકાર કર્યો છતાં તેમનું કામ થઈ ગયું હતું. જોકે, આ આંકડા યુઝર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી હતી અને સત્તાવાર રીતે ચકાસાયેલા કેસ નહોતા.

વધતા ટ્રાફિક, સ્પામ, ડુપ્લિકેટ એન્ટ્રીઓ, ડેટા સુરક્ષા અને દુરુપયોગની શક્યતાઓને કારણે ટીમે વેબસાઇટ પોતાની મરજીથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે સ્વીકાર્યું કે આટલી મોટી સંખ્યામાં મળતી માહિતી સુરક્ષિત રીતે સંભાળવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નહોતું.

આ મામલે કાનૂની સવાલો પણ ઊભા થયા હતા. Prevention of Corruption Actની કલમ 8 હેઠળ જાહેર સેવકને અયોગ્ય લાભ આપવો અથવા આપવાનું વચન આપવું ગુનો છે. કાયદામાં મજબૂરીથી લાંચ આપનાર વ્યક્તિએ સાત દિવસમાં સંબંધિત સત્તાધિકારીને જાણ કરે તો અપવાદની જોગવાઈ છે. કાયદા નિષ્ણાતોના મતે જાહેર વેબસાઇટ પર પોતાની લાંચની કબૂલાત કરવી વ્યક્તિ માટે અલગ કાનૂની જોખમ ઊભું કરી શકે છે.

સુરત:મહિને ₹15 હજાર આવક ધરાવતા અજમેરના ટેલરના નામે ₹975 કરોડ! આખરે કોણે કર્યો દસ્તાવેજોનો દુરુપયોગ?

જો તમે પણ દસ્તાવેજો સાચવવામાં બેદરકારી કરતા હોઉં તોહ ચેતવી જજો! અજમેરમાં દર મહિને માત્ર રૂ. 15 હજારની કમાણી કરતા 62 વર્ષીય ટેલરના ઘરે જ્યારે રૂ. 974.97 કરોડની ઈન્કમ ટેક્સ રિકવરી નોટિસ પહોંચી, ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે રેખરાજ ઠાડાએ ક્યારેય ડાયમંડનો વ્યવસાય કર્યો હોવાનો ઈનકાર કર્યો છે અને તેઓ ક્યારેય ગુજરાત ગયા જ ન હોવાનું કહે છે. તેમ છતાં ટેક્સ રેકોર્ડમાં તેમનું નામ સુરતની ડાયમંડ કંપનીના ડિરેક્ટર તરીકે સામે આવ્યું છે.

અજમેરના ગોવિંદગઢમાં રહેતા રેખરાજ ઠાડા નાની ભાડાની દુકાનમાં ટેલરિંગનું કામ કરે છે અને સાથે ઈન્શ્યોરન્સ એજન્ટ તરીકે પણ કામ કરે છે. તેમના જણાવ્યા મુજબ 13 ઓગસ્ટે તેમને ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી, જેમાં રૂ. 974 કરોડ 97 લાખ 25 હજાર 457ની ટેક્સ રિકવરીનો ઉલ્લેખ હતો. નોટિસમાં તેમને સુરતની ‘રૂપ રજત ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

મામલો જાણ્યા બાદ પરિવારીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી કંપની રેકોર્ડ તપાસ્યા તો સુરતની ‘જય બાબેરી ડાયમ પ્રાઈવેટ લિમિટેડ’માં પણ રેખરાજનું નામ ડિરેક્ટર તરીકે નોંધાયેલું હોવાનું સામે આવ્યું હતું. રેખરાજનો આરોપ છે કે તેમના PAN અને અન્ય ઓળખ દસ્તાવેજોનો કથિત દુરુપયોગ કરવામાં આવ્યો છે.

આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે અને ઈન્કમ ટેક્સ વિભાગને પણ પોતાનો જવાબ મોકલ્યો છે. હવે તપાસમાં એ સામે આવવાનું બાકી છે કે કંપનીઓમાં તેમનું નામ કેવી રીતે નોંધાયું, દસ્તાવેજોનો ઉપયોગ કોણે કર્યો અને વાસ્તવિક વ્યવહારો પાછળ કોણ હતું.

મહત્વનું એ છે કે માત્ર ટેક્સ નોટિસ મળવી એટલે રૂ. 974.97 કરોડની અંતિમ કાનૂની જવાબદારી સાબિત થઈ ગઈ એવું માનવું યોગ્ય નથી; સમગ્ર મામલો તપાસ અને આગળની કાનૂની પ્રક્રિયાને આધીન છે.

Video:iPhoneની જિદ બની પરિવાર માટે કાળ! મહારાષ્ટ્રની આ ઘટનાએ સૌને હચમચાવી દીધા

0

માત્ર એક ફોનને લઈને શરૂ થયેલો વિવાદ એટલો ભયાનક વળાંક લેશે કે થોડી જ કલાકોમાં આખું પરિવાર ખતમ થઈ જશે, તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 19 વર્ષીય કુણાલ ચાંદગુડેને લઈને બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.

છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ નજીક આવેલા ખવડ્યા ડુંગર પર શુક્રવારે આ કરુણ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, કુણાલનો માતા-પિતા સાથે મોબાઇલ ફોનને લઈને વિવાદ થતા તે ડુંગર પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિની જાણ થતાં તેના માતા-પિતા મુરલીધર ચાંદગુડે અને સંગીતા ચાંદગુડે તેને સમજાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો પણ લગભગ ત્રણ કલાક સુધી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.

આ દરમિયાન પિતા મુરલીધર પુત્રની નજીક પહોંચ્યા અને તેને સુરક્ષિત રીતે પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અચાનક સંતુલન બગડતાં કુણાલ અને તેના પિતા બંને ઊંડી ખાઈમાં પડી ગયા હતા. બંનેને નીચે પડતા જોઈ સંગીતા પણ થોડા જ સમયમાં નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ 48 વર્ષીય મુરલીધર, સંગીતા અને 19 વર્ષીય કુણાલ તરીકે થઈ છે.

કેટલાક અહેવાલોમાં iPhoneની EMI અને તેને લઈને થયેલા વિવાદનો ઉલ્લેખ છે. તેમજ સંગીતા દ્વારા પુત્રને મનાવવા માટે મંગળસૂત્ર ઉતારી દેવાની વાત પણ સામે આવી છે.

ગુજરાતમાં દિવ્યાંગો માટે વાહન ચલાવવું બનશે વધુ સરળ! RTOએ શું આપી મંજૂરી?

0

દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજિંદી અવરજવર વધુ સરળ અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે શારીરિક દિવ્યાંગતા ધરાવતા લોકો માટે સાઇડકાર લગાવેલી મોટરસાઇકલના રજિસ્ટ્રેશન તેમજ મંજૂર માપદંડ મુજબ વાહનમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના RTO અને ARTO કચેરીઓને આ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે બે-પૈયા વાહનમાં ડાબી બાજુ સાઇડકાર લગાવી શકાય છે. તેમાં વાહનની મૂળ રચનામાં શક્ય તેટલો ઓછો ફેરફાર, જરૂરી હોય ત્યાં હેન્ડ-ઓપરેટેડ કંટ્રોલ, વાહનને સ્થિર રાખવા માટેની વ્યવસ્થા તથા અન્ય સુરક્ષા સુવિધાઓનું પાલન જરૂરી છે.

આ ઉપરાંત, બિન-પરિવહન વાહનમાં મંજૂર રેટ્રોફિટમેન્ટ કિટ તથા અધિકૃત વર્કશોપનું પ્રમાણપત્ર જરૂરી રહેશે અને વાહનમાં થયેલા ફેરફારની નોંધ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કરવામાં આવશે.

સાઇડકારવાળા વાહનોની મંજૂરી પહેલાં RTO દ્વારા વાહનની ભૌતિક ચકાસણી કરવામાં આવશે, જેથી ફેરફારથી ચાલક, દિવ્યાંગ મુસાફર કે અન્ય રોડ યુઝર્સ માટે જોખમ ઊભું ન થાય. વાહન માટે વીમા અને લાગુ પડતા મોટર વાહન કાયદા-નિયમોનું પાલન પણ જરૂરી રહેશે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનુકૂળ વાહન વ્યવસ્થાને કાયદેસર માળખું મળવાથી તેમની સલામત અને સ્વતંત્ર અવરજવરને નોંધપાત્ર મદદ મળવાની અપેક્ષા છે. ગુજરાત સરકારની દિવ્યાંગજનો સંબંધિત સત્તાવાર વેબસાઇટ પર પણ વાહન અને દિવ્યાંગજનોને લગતી વિવિધ કાયદાકીય જોગવાઈઓ ઉપલબ્ધ છે.

આગામી 7 દિવસ ગુજરાત માટે કેવા? અમદાવાદથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની નવી આગાહી

0

ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, છતાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની રાહ હજુ યથાવત છે. આગામી એક સપ્તાહમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે, પરંતુ હાલ ભારે વરસાદ કે કોઈ મોટી હવામાન ચેતવણીના સંકેત નથી. ભારત હવામાન વિભાગ (IMD)ના 21 ઓગસ્ટના અપડેટ મુજબ ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ માટે 21થી 27 ઓગસ્ટ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

નાવકાસ્ટ (21/08/2026): આજે સાંજે 7:00 વાગ્યા સુધીની હવામાન આગાહી ઉપર દર્શાવેલ ફોટામાં આપવામાં આવી છે.

આજે અને કાલે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહિત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

23 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા યથાવત રહેશે. જ્યારે 24થી 27 ઓગસ્ટ દરમિયાન નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં 21 ઓગસ્ટે નોંધાયેલા હવામાન આંકડા મુજબ મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ 26.6 ડિગ્રી રહ્યું હતું.

આ રીતે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની અસર જોવા મળી શકે છે, પરંતુ હાલ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ દેખાતી નથી.