આ શું છે ના સવાલ એ 10 વર્ષીય બાળકને આપ્યો અમૂલ્ય વારસો. ઓસ્ટ્રેલિયાના એક દૂરના ટાપુ પર ફરતા 10 વર્ષના બાળકને મળેલો નાનકડો કરોળિયો સામાન્ય લાગ્યો હતો, પરંતુ તેની એક જિજ્ઞાસાએ વૈજ્ઞાનિકોને એવી નવી પ્રજાતિ સુધી પહોંચાડ્યા જેનું અસ્તિત્વ પહેલાં વિજ્ઞાનની નોંધમાં જ નહોતું. સૌથી રસપ્રદ વાત એ છે કે અંતે આ નવી પ્રજાતિનું નામ પણ તે બાળકના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
2020માં મર્ફી વિડોવસન પોતાના માતા-પિતા સાથે તાસ્માનિયાના બાસ સ્ટ્રેઇટ વિસ્તારમાં આવેલા ડીલ આઇલેન્ડ પર જતા એક નાનો કરોળિયો મળ્યો હતો. મર્ફીએ તેને સામાન્ય સમજીને અવગણ્યો નહીં અને તેની ઓળખ જાણવા ક્વીન વિક્ટોરિયા મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરીનો સંપર્ક કર્યો હતો. મ્યુઝિયમના અરેકનૉલોજિસ્ટ જોન ડગ્લસ પણ કરોળિયાને નિશ્ચિત રીતે ઓળખી શક્યા નહોતા. ત્યારબાદ નમૂનો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સ્પાઇડર ટેક્સોનોમિસ્ટ ડૉ. વોલ્કર ફ્રેમેનાઉ પાસે મોકલાયો હતો.
વિસ્તૃત વૈજ્ઞાનિક તપાસ બાદ જાણવા મળ્યું કે આ કરોળિયો Artoriopsis વંશની અગાઉ અજાણી પ્રજાતિ છે. સંશોધકોના જણાવ્યા મુજબ તેની ઓળખ માટે સૂક્ષ્મ શારીરિક લક્ષણો, ખાસ કરીને નર કરોળિયાના જનન અંગોની રચના, મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. 6 જૂન, 2020ના રોજ ડીલ આઇલેન્ડ પરથી મળેલા આ નમૂનાને વૈજ્ઞાનિક રીતે Artoriopsis murphyi નામ આપવામાં આવ્યું હતું. નામકરણ મર્ફીની જિજ્ઞાસા અને શોધમાં તેના યોગદાનને સન્માન આપવા કરવામાં આવ્યું હતું.
2021માં આ શોધને પરિવાર, શિક્ષકો અને મ્યુઝિયમના સ્ટાફ સાથે ખાસ ઉજવણી કરીને પણ સન્માનિત કરવામાં આવી હતી.
આ ઘટના બતાવે છે કે વિજ્ઞાનની મોટી શોધ હંમેશાં અત્યાધુનિક લેબોરેટરીમાંથી જ થાય એવું જરૂરી નથી; ઘણી વખત તેની શરૂઆત માત્ર એક બાળકના સવાલથી થાય છે—“આ શું છે?”



