Home Blog Page 22

કંગના રનૌતના ‘ગટર જનરેશન’ નિવેદન પર વિવાદ, સ્પષ્ટતા કરતાં શું કહ્યું ?

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પોતાના ‘ગટર જનરેશન’ નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ કંગનાએ એક વીડિયો જાહેર કરીને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ સમગ્ર યુવા પેઢી પર ટિપ્પણી કરવાનો નહોતો, પરંતુ વિરોધ પ્રદર્શનો દરમિયાન નેતાઓ વિરુદ્ધ અભદ્ર અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરનારા કેટલાક લોકોની ટીકા કરવાનો હતો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં કંગનાએ કહ્યું કે સમાજમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે શિસ્ત અને મર્યાદાનું પાલન પણ એટલું જ જરૂરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, “શું તમે તમારી દીકરીને આવી ભાષા અને વર્તન શીખવશો?” તેમના મતે કોઈપણ વ્યક્તિને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની છૂટ ન હોવી જોઈએ અને આવી બાબતોને સામાન્ય ગણવી યોગ્ય નથી.

આ સમગ્ર વિવાદ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયો અને પોસ્ટ્સને પગલે શરૂ થયો હતો. તે સમયે કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓની ભાષા અને વર્તન પર કડક ટિપ્પણી કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર વ્યાપક વિરોધ જોવા મળ્યો હતો. અનેક લોકોએ તેમના નિવેદનને સમગ્ર જનરેશન અને ખાસ કરીને યુવતીઓ સામેની ટિપ્પણી ગણાવી હતી.

વિવાદ વધતા કંગનાએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ માત્ર અભદ્ર ભાષા અને અસંસ્કારી વર્તનની ટીકા કરી રહ્યા હતા, કોઈ એક આખી પેઢીને નિશાન બનાવી રહ્યા નહોતા. તેમણે લોકોને અપીલ કરી કે આધુનિકતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અપમાનજનક ભાષા અને વર્તનને સ્વીકારવું યોગ્ય નથી. કંગનાના આ નિવેદન બાદ પણ સોશિયલ મીડિયા પર તેમના સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

AI-171 ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, સૌથી મોટી શંકા પર સરકારે આપી સ્પષ્ટતા

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી મળી નથી. જોકે, સમગ્ર થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે વિમાનના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) દ્વારા અદ્યતન ટેક્નિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અને તેના લોકિંગ ડિટેન્ટ્સની મજબૂતી તથા કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કોઈ અસામાન્યતા સામે આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હાલમાં અમેરિકાના સિયાટલ સ્થિત OEMની સુવિધામાં ચાલી રહી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જ તેની અંતિમ વિગતો જાહેર કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અંતિમ તપાસ અહેવાલ જાહેર કરવામાં કોઈ વિલંબ થયો નથી. મોટા વિમાન અકસ્માતોની તપાસ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થતી નથી અને દરેક સંભવિત કારણ તથા સહાયક પરિબળોની વિગતવાર તપાસ બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, AI-171 દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ હાલ પણ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ AAIB તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે અને તેને તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે AI-171 વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે દેશ-વિદેશના નિષ્ણાતોની મદદથી ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના સૂચનો સામે આવશે.

દર્શન કરવા નીકળેલો સુરતના પરિવારને ધોલેરા એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત

0

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર બનેલી એક ભીષણ અકસ્માતે સૌને હચમચાવી દીધા હતા. ધોલેરા નજીક સુરતના પરિવારની કાર અચાનક પલટી ખાઈને ખાઈમાં પડી હતી અને થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 વર્ષીય મહિલા અને તેના એક વર્ષના પુત્રનું કારમાં જ મોત થયું હતું, જ્યારે મહિલાના પતિ અને સસરાનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે ધોળેરા વિસ્તારમાં ચાંદની હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સુરતના કતારગામમાં રહેતા જતિન કાકડિયા (29), તેમની પત્ની અમી કાકડિયા (27), પુત્ર ધનુષ અને જતિનના પિતા સવજી કાકડિયા (62) ભાવનગરના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જતિન કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને રોડની બાજુની ખીણમાં ખાબકી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તેમાં વિસ્ફોટ થયો હતો.

જતિન અને સવજીએ સમયસર કારમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો, પરંતુ પાછળની સીટ પર બેઠેલા અમી અને ધનુષ આગની લપેટમાંથી બહાર આવી શક્યા નહોતા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

વરસાદનું જોર ફરી વધશે? ગુજરાત તરફ આવી રહી છે નવી સિસ્ટમ, જાણો આગાહી

0

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. 23 અને 24 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ફરી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતો મુજબ, જો આ સિસ્ટમ પોતાની ગતિ પ્રમાણે આગળ વધશે તો આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે.

આગામી 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

31 જુલાઈએ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જ્યારે 1 ઓગસ્ટે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે. અનેક ડેમોમાં જળસંગ્રહની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની જરૂરિયાત છે. ખેડૂતો માટે પણ આગામી વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વાવેતર અને પાકના વિકાસ માટે વરસાદી પાણી જરૂરી છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહી શકે છે.

Video: લોકસભામાં પાસ થયું નવું પરીક્ષા કાયદા સુધારા બિલ

0

સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક તથા ગેરરીતિઓ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 બુધવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. બિલને ગૃહમાં ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મતથી મંજૂરી આપવામાં આવી છે.

આ બિલનો હેતુ UPSC, SSC, NTA, રેલવે ભરતી બોર્ડ સહિતની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, નકલ માફિયા અને સંગઠિત ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે.

નવા સુધારા હેઠળ પેપર લીકમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે વધુ કડક સજા, ઝડપી તપાસ અને ઝડપી ટ્રાયલ માટે ખાસ વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ કાયદાથી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.

બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષે તેને વિદ્યાર્થીઓના હિતમાં મોટું પગલું ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે પરીક્ષા પ્રણાલીની ખામીઓ અને તાજેતરના પેપર લીક મુદ્દાઓને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આ સુધારા બિલમાં Public Examinations (Prevention of Unfair Means) Act, 2024ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં દોષિત પરીક્ષા સેવા પ્રદાતાઓ સામે પ્રતિબંધની અવધિ વધારવા જેવી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે.

નિધનના દોઢ વર્ષ બાદ મનમોહન સિંહને મળી આ કેસમાં ક્લીનચીટ

0

વર્ષો જૂના કોલસા બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નામ આખરે વિવાદોથી મુક્ત થયું છે. સુપ્રીમ કોર્ટે 2015ના ટ્રાયલ કોર્ટના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં તેમને કેસમાં આરોપી તરીકે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને માન્ય રાખતા કેસનો અંત લાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ, જેમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના સામેલ હતા, તેમણે ડૉ. મનમોહન સિંહની અરજી સ્વીકારી હતી. બેન્ચે કહ્યું કે ટ્રાયલ કોર્ટે સીબીઆઈના રિપોર્ટને ફગાવવાનું કોઈ યોગ્ય કારણ નહોતું.

આ કેસમાં સીબીઆઈએ તપાસ બાદ ડૉ. સિંહ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જોકે 2015માં વિશેષ સીબીઆઈ કોર્ટે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરીને તેમને સહિત અન્ય લોકોને સમન્સ પાઠવ્યા હતા.

ડૉ. મનમોહન સિંહનું ડિસેમ્બર 2024માં નિધન થયું હતું. તેમ છતાં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ચાલુ રાખી હતી, કારણ કે ટ્રાયલ કોર્ટની કેટલીક ટિપ્પણીઓ તેમના નામ સાથે જોડાયેલી હતી. કોર્ટે હવે આ ટિપ્પણીઓ પણ રેકોર્ડમાંથી દૂર કરી દીધી છે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભલે કેસનો વ્યવહારિક અંત આવી ગયો હોય, પરંતુ પૂર્વ વડાપ્રધાન સામેની ટિપ્પણીઓ દૂર કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા કોલસા બ્લોક કેસમાં ડૉ. સિંહને મોટી રાહત મળી છે.

પાવાગઢ જવાનું વિચારતા દર્શનાર્થીઓ ખાસ યાદ રાખજો આ તારીખથી 5 દિવસ રોપવે રહેશે બંધ

પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન માટે જવાનું વિચારી રહેલા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને ડુંગર પર પહોંચાડતી રોપવે સેવા થોડા દિવસો માટે બંધ રહેશે જેના કારણે દર્શનાર્થીઓએ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા સાથે યાત્રાનું આયોજન કરવું પડશે.

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે કાર્યરત રોપવે સેવા આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી કુલ પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવશે. રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા અર્ધવાર્ષિક મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા મુજબ, રોપવેની સુરક્ષા અને કાર્યક્ષમતા જાળવવા માટે જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવશે. આ દરમિયાન રોપવેના વાયર રોપ, ટ્રોલી સહિતના મહત્વના યાંત્રિક ભાગોની ચકાસણી અને સર્વિસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

રોપવે સેવા બંધ રહે તે દરમિયાન પાવાગઢ આવતા માઇભક્તોને માચીથી નિજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગરના પગથિયાંનો ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક તકલીફ ધરાવતા ભક્તોએ આ દિવસોમાં યાત્રાનું આયોજન સાવચેતીપૂર્વક કરવાની સલાહ આપવામાં આવી છે.

મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપવે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો અગાઉની જેમ રોપવે મારફતે સરળતાથી મહાકાળી માતાજીના દર્શન માટે પહોંચી શકશે.

ગ્લાસગોમાં તિરંગો લહેરાયો, કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલી

0

એક પછી એક મેડલ જીતતા ભારતીય ખેલાડીઓએ ગ્લાસગોમાં તિરંગાનું ગૌરવ વધાર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધી 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 12 મેડલ જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. હવે ભારતીય ટીમની નજર મેડલ ટેલીમાં વધુ ઉંચાઈ હાંસલ કરવા ઉપર છે.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના 122 ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધામાં ઉતર્યા છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, જ્યૂડો અને ટ્રેક સાઇકલિંગ જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ અને અન્ય પેરા સ્પર્ધાઓમાં પણ ભારતની મજબૂત હાજરી જોવા મળી રહી છે.

પેરા પાવરલિફ્ટર ઝંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગ્લાસગો 2026માં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઋષિકાન્ત સિંહે પુરુષોની 60 કિગ્રા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતનો પ્રથમ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ દિગ્ગજ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ જીત્યું હતો. તેમણે મહિલાઓની 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.

હાલ ભારતની મેડલ ટેલીમાં વેઇટલિફ્ટિંગનું સૌથી મોટું યોગદાન છે. આ રમતમાં ભારતે અનેક મેડલ જીત્યા છે, જ્યારે એથ્લેટિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

બોક્સિંગમાં લવલીના બોર્ગોહેન પણ મેડલની રેસમાં છે. તેને ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ મેડલ નિશ્ચિત છે, પરંતુ તેની નજર હવે ગોલ્ડ મેડલ જીતવા પર છે. આગામી દિવસોમાં ભારત વધુ મેડલ સાથે પોતાની સ્થિતિ મજબૂત બનાવે તેવી આશા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધીની શરૂઆત શાનદાર રહી છે, પરંતુ હજુ ઘણી મહત્વની સ્પર્ધાઓ બાકી છે. આગામી દિવસોમાં ભારતીય ખેલાડીઓને વધુ મેડલ જીતવાની આશા છે. ખાસ કરીને એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગમાં ભારત માટે મેડલ જીતવાની તક રહેલી

‘મિની જામતારા’ બન્યું મથુરા! પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

0

ઉત્તર પ્રદેશનું મથુરા હવે માત્ર ધાર્મિક નગરી તરીકે નહીં, પરંતુ ઝડપથી વિકસતા સાઇબર ક્રાઇમ હબ તરીકે પણ ચર્ચામાં આવ્યું છે. પોલીસની તાજેતરની કાર્યવાહી બાદ ખુલાસો થયો છે કે અહીંના 18 ગામોમાંથી સંગઠિત રીતે ઓનલાઈન ઠગાઈનું વિશાળ નેટવર્ક સંચાલિત થઈ રહ્યું હતું. છેલ્લા એક વર્ષમાં 177 સાઇબર ગુનાઓ નોંધાયા છે અને 312 આરોપીઓની ધરપકડ થતાં સમગ્ર દેશનું ધ્યાન આ કેસ તરફ ખેંચાયું છે.

મળતી માહિતી મુજબ, 7 જુલાઈએ પોલીસ અને વિશેષ ટીમોએ ડ્રોનની મદદથી મથુરાના આઠ ગામોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનેક શંકાસ્પદ લોકો ભાગી છૂટ્યા, જ્યારે 42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આશરે 7,000 મોબાઇલ નંબર અને 1,400 બેંક ખાતાઓની ઓળખ કરી છે, જે આ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

તપાસ એજન્સીઓએ ગોવર્ધન, બરસાણા, શેરગઢ, છાતા અને કોસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુલ 18 ગામોને ઓનલાઈન ઠગાઈના હોટસ્પોટ તરીકે ચિહ્નિત કર્યા છે. આ ગામો રાજસ્થાન અને હરિયાણાની સરહદ નજીક હોવાથી આરોપીઓને રાજ્યની સીમા પાર કરીને ભાગવામાં સરળતા રહેતી હોવાનું પોલીસ માને છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેંગ અલગ-અલગ ટીમોમાં કામ કરે છે. એક જૂથ નકલી ઓળખપત્રો, ભાડે લીધેલા બેંક ખાતા, પ્રીપેઇડ સિમ કાર્ડ અને એટીએમ કાર્ડની વ્યવસ્થા કરે છે, જ્યારે બીજું જૂથ લોકોને ફોન કરીને અથવા ઓનલાઈન ફસાવે છે અને ત્રીજું જૂથ ઠગાયેલા પૈસા ઉપાડવાનું કામ કરે છે. તેઓ ટેલિગ્રામ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને સતત સંપર્કમાં રહે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, OLX જેવી વેબસાઇટ પર QR કોડ પેમેન્ટના નામે છેતરપિંડી, નકલી એડવાન્સ ડિપોઝિટ, ફેક હોટેલ બુકિંગ વેબસાઇટ અને અન્ય ઓનલાઈન કૌભાંડો દ્વારા દેશભરના લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. મથુરા પોલીસનું કહેવું છે કે આ નેટવર્કને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે અને સાઇબર ગુનાઓ સામે વધુ કડક અભિયાન હાથ ધરવામાં આવશે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બે દિવસ માટે રોકી દેવાઈ

ઉત્તરાખંડમાં વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થવા સાથે જ ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

રાજધાની દેહરાદૂન, માલદેવતામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 233 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે દેહરાદૂન, મસૂરી, જોલી ગ્રાન્ટ અને ઉખીમઠ સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. સતત વરસાદને કારણે, ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. ભૂસ્ખલનને કારણે કેદારનાથ, બદ્રીનાથ અને યમુનોત્રી હાઇવે અનેક સ્થળોએ બંધ કરવામાં આવ્યા છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, કાટમાળ અને પથ્થરોના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ કાર્ય જરૂરી બન્યું છે અને આજે ચાર જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે.

ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ગઢવાલ વિભાગના કમિશનરે જણાવ્યું હતું કે અનેક સ્થળોએ ભૂસ્ખલનથી ચારધામ યાત્રા માર્ગ અવરોધિત થયો છે અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તેથી યાત્રાળુઓની સલામતી માટે ચારધામ યાત્રા આજે અને આવતીકાલ માટે મુલતવી રાખવામાં આવી છે. હવામાન અનુકૂળ આવે ત્યારે યાત્રા ફરી શરૂ થશે. ઉત્તરાખંડમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. હવામાન કેન્દ્રે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

દેહરાદૂન ખાતે નંદા કી ચોકી નજીક બનેલો નવો પુલ પહેલા ચોમાસાના વરસાદને પણ સહન કરી શક્યો નહીં. આ પુલ આશરે ₹16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વરસાદ દરમિયાન પુલનો મોટો ભાગ ધસી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલા આ પુલના એપ્રોચ રોડને થયેલા નુકસાનથી બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સલામતીના કારણોસર પુલ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન, રેન્જર્સ ગ્રાઉન્ડ પાસે પાણી ભરાઈ જવાથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.