મહારાષ્ટ્રના બદલાપુરમાં 4 વર્ષની બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. લોકોનો રોષ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. બદલાપુરમાં ગઈકાલથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી મહાવિકાસ અઘાડીએ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આજે ભારત બંધના એલાન વચ્ચે મહારાષ્ટ્ર બંધના એલાનથી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આ વિશે પત્રકારોને માહિતી આપી હતી કે ‘બદલાપુરની જે સ્કૂલમાં બાળકીઓનો વિનયભંગ કરવામાં આવ્યો છે એ સ્કૂલનો ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. સ્કૂલની બદનામી ન થાય એ માટે વિનયભંગના મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે મહા વિકાસ આઘાડીની વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની સમજૂતી વિશે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા અને તેમના પર થઈ રહેલા અત્યાચાર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
લાડકી બહિણ યોજનામાં 1500 રૂપિયા આપવા માટે મોટી ઇવેન્ટ કરવામાં આવી રહી છે, પણ બહેનોની સુરક્ષા પર સરકાર ધ્યાન નથી આપતી. આથી અમે આ મામલે ૨૪ ઑગસ્ટે મહારાષ્ટ્ર બંધ કરવાનો નિર્ણય લીધો હતો.’ ઉલ્લેખનીય છે કે 24 ઑગસ્ટે મહિનાનો ચોથો શનિવાર છે. આથી સરકારી અને કૉર્પોરેટ કંપનીઓની ઑફિસો ઉપરાંત બૅન્કો પણ બંધ હશે. આથી બંધની કેવી અને કેટલી અસર થશે એ જોવું રહ્યું.
પીડિત બાળકીઓના માતા-પિતાએ આરોપ મૂક્યો હતો કે, પોલીસે તેમની ફરિયાદ 12 કલાક બાદ નોંધી હતી. તેમજ બાળકીઓના નિવેદન લેવા શાળાએ આવનારી પોલીસે વાલીઓને ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. સુત્રો અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. માતા-પિતાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી કે, બાળકીઓના ટોયલેટની સફાઈ માટે મહિલા કર્મચારીને કેમ રાખતા નથી. સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટના બદલ પ્રિન્સિપલ, એક ક્લાસ ટીચર અને એક મહિલા અટેન્ડેન્ટને હાંકી કાઢ્યા હતા.
આ પણ વાંચો :-