હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો ચેતી જજો, પોલીસ કરવા જઈ રહી છે આ કામ

Share this story

Now people driving at over speed beware

  • બાઈકથી લઈને કાર સુધીના વાહનો ઓવર સ્પીડમાં ચલાવીને મજા લેતા હોય છે. પણ હવે ચેતી જજો કેમ કે, તંત્ર તમારા ઉપર નજર રાખી રહ્યું છે અને જો તમારુ વાહન ઓવર સ્પીડ હશે. તો તેને બ્રેક મારવા તમારે તગડો દંડ ચુકવવો પડશે.

શહેરમાં હવે ઓવર સ્પીડમાં (Over speed) વાહન ચલાવતા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ (Traffic Police) આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ કરશે.

સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે. જેથી હવે પ્રતિદિન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 31 જેટલા પોઈન્ટ પર આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા મીડિયાને સંબોધન કરતાં જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં 2018માં ફેટલ અકસ્માતની સંખ્યા 325 હતી. જે 2022માં 293 થઈ છે. તો 2018માં કુલ અકસ્માતની ઘટના 1177 હતી જે 2022માં 886 થઈ છે એટલે કે 2018ની તુલનામાં 2022માં 329 અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 45% અકસ્માતો જે થાય છે તે ઓવર સ્પીડિંગના કારણે થાય છે અને 7% અકસ્માત ભયજનક ઓવરટેક કરવાના કારણે થાય છે. ત્યારે શહેરમાં બાઈક માટેની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને જો આ ગતિથી કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક જ વાહન ચાલકને દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-