દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને કોઈ રાહત નહીં, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી

Share this story
  1. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નહોતી. સોમવારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે EDને ૨૪ એપ્રિલ પહેલા જવાબ આપવા કહ્યું છે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે મુક્તિની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ૨૯ એપ્રિલ સુધી મુલતવી રાખી અને EDને નોટિસ જાહેર કરીને જવાબ આપવા કહ્યું.

સુપ્રીમકોર્ટમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને ED વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કોર્ટને કહ્યું કે હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માંગુ છું. તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જારી કરવા દો. સિંઘવીએ કહ્યું કે સુનાવણીની તારીખ આ શુક્રવાર માટે રાખવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે અમે તમને નજીકની તારીખ આપી શકીએ છીએ, પરંતુ તમારા દ્વારા સૂચવવામાં આવેલી તારીખ નહીં. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માટે જ ધરપકડ કરવામાં આવી છે. આ પછી કોર્ટે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરીશું.

નોંધનિય છે કે, આ મામલો ૨૦૨૧-૨૨ માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા જામીન મેળવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સંજય સિંહ જામીન પર જેલમાંથી બહાર આવીને લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.