છેલ્લા ૧૦૦ વર્ષથી નવસારીમાં ઢીંગલા બાપા ની પૂજા કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે ઢીંગલા બાપા ની પૂજા શા માટે કરતા હશે ?
ત્યારે વાત કરીએ તો કોલેરાની મહામારીથી બચવા આ પરંપરા શરૂ થઈ હતી. આ પરંપરા અનુસાર દર વર્ષે ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારો ઉમટે છે. અહીં પ્રસાદની જગ્યાએ સિગરેટ ચડાવવામાં આવે છે.
આદિવાસી સમાજની ૧૦૦ વર્ષ જૂની પરંપરા :
લોકવાયકા મુજબ ૧૦૦ વર્ષ અગાઉ નવસારીના દાંડીવાડ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. એક પછી એક લોકોના મોત થઈ રહ્યા હતા. જેના કારણે નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારને બોલાવીને કહ્યું હતું કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ તેને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવશે તો આ સમસ્યાનું નિવારણ આવવાની શક્યતા છે.
આદિવાસીઓએ વાત સ્વીકારી તેનો અમલ કર્યો. રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. ત્યારબાદ આ ઢીંગલાની પૂજા અર્ચના કરાઈ હતી. જેથી કોલેરાનો રોગચાળો કાબુમાં આવ્યો હતો. તેવું આ લોકવાયકામાં કહેવાયું છે.
ત્યારથી નવસારીમાં દર વર્ષે દિવાસાના દિવસે આ ઢીંગલા બાપાની પૂજા કરવામાં આવે છે. જેમા ઢીંગલાબાપાને પ્રસાદ નહીં પણ અહીં સિગરેટ ચઢાવવામાં આવે છે.આ રીતે શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ અને રાઠોડ સમાજ દ્વારા દિવાસાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.
દર વર્ષે દિવાસાના દિવસે પારસી જુવાન જેવી દેખાતી આ પ્રતિમાને ભોગ ધરાવીને લગ્ન પ્રસંગે થાય તેવી ત્રણ દિવસ સુધી વિધિ કરવામાં આવે છે. જેમાં ઢીંગલા બાપાને પીઠી ચોળાવાથી માંડીને ગૃહશાંતી સુધીની તમામ વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ દિવાસાના દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કરવામાં આવે છે.
આ પણ વાંચો :-