Netflix સીરિઝ ‘IC814’ પર વિવાદ વધી રહ્યો છે. વધતા વિવાદ વચ્ચે નેટફ્લિક્સ કન્ટેન્ટ હેડને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે કહ્યું કે આ દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો કોઈને અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. તમારે કંઈપણ ખોટી રીતે રજૂ કરતા પહેલા વિચારવું જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે Netflixએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
29 ઓગસ્ટના રોજ રીલિઝ થયેલ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 1999માં નેપાળથી ભારત આવી રહેલા પ્લેનના અપહરણ પ્રકરણ કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત સીરિઝમાં કુલ 6 એપિસોડ છે. આ સીરિઝના બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ઉભો રહ્યો છે. આ પ્લેનને પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના જે કોડ નેમ રાખ્યા હતા તે જ ભોલા, શંકર, ડોક્ટર, બર્ગર અને ચીફ સીરિઝમાં બતાવાયા છે. લોકો જાતે કરીને લાગણી દુભાવવાના પ્રયાસો બદલ નેટફ્લિકસની ઝાટકણી કાઢી રહ્યાં છે અને આ આતંકીઓના સાચા નામ જ રજૂ કરવા વિરોધ કરી રહ્યાં છે.
આતંકવાદીઓ મુસ્લિમ હતા અને તેમના સાચા નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર સૈયદ, સની અહમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા. વિવાદ પછી, સરકારે Netflix હેડને બોલાવ્યા અને હવે OTT પ્લેટફોર્મ ફેરફારો માટે તૈયાર છે.
આ પણ વાંચો :-