સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની દિવાળી બગડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. આ માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનો અને વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા હોવાથી લોકોનો આક્રોશ છે. તેના કારણે આ વેપારીઓએ આજે ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી.
મેટ્રો દ્વારા અસરગ્રસ્ત દુકાનદારો સાથે 10 માસનો કરાર કરી વળતર ચૂકવવામાં આવી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ મેટ્રોની કામગીરી હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે અને બીજી તરફ અહીં આવેલ દુકાનદારોને ધંધા-વેપાર પણ ઠપ છે. જે કરાર કરવામાં આવ્યો હતો, તે પણ હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. જે કરાર પૂર્ણ થયા બાદ મેટ્રોના અધિકારીઓ દ્વારા વળતર આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી અસરગ્રસ્ત દુકાનદારો દ્વારા આજરોજ મોરચો માંડી મેટ્રોના અધિકારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત દુકાનદારોએ હાથમાં પ્લે કાર્ડ સાથે મેટ્રોના અધિકારીઓ સામે દેખાવ કર્યો હતો.
સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે.
આ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દુર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી. રજૂઆત બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઇ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનું એમઓયુ કરાયું હતું અને વળતર ચૂકવાશે એવી ખાતરી અપાઈ હતી. ત્યારબાદ કામ પૂરું ન થતાં બીજા 9 મહિનાનું એમઓયુ કરાયું હતું. 19 મહિના બાદ ચારેય બાજુ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે, હવે માત્ર ટાવરની બાજુ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે.
આ પણ વાંચો :-