કેજરીવાલની ધરપકડ મામલે જર્મનીના નિવેદન સામે ભારત અકળાયું

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે કેજરીવાલની ધરપકડને લઈ જર્મનીના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતની આંતરિક બાબતો પર તેમની ટિપ્પણીઓને ટાંકીને કેન્દ્ર સરકારે શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવ્યું હતું.

વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, આરોપોનો સામનો કરી રહેલા કોઈ પણ વ્યક્તિની જેમ કેજરીવાલ પણ નિષ્પક્ષ અને તટસ્થ સુનાવણી માટેનો અધિકાર ધરાવે છે અને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.

જર્મનીના વિદેશ મંત્રાલનુ નિવેદન આશ્ચર્ય પમાડે તેવુ છે. કારણકે કેજરીવાલની ધરપકડ ભારતનો આંતરિક મામલો છે. જોકે જર્મનીએ ભારતના આંતરિક મામલા અંગે પોતાની પ્રતિક્રિયા પહેલી વખત આપી હોય તેવુ નથી.આ પહેલા રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે હટાવાયા હતા ત્યારે પણ જર્મનીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી સામેની કાર્યવાહીમાં પણ લોકશાહીના સિધ્ધાંતો સમાન રીતે લાગુ થશે અને ન્યાય પાલિકાને સ્વતંત્ર રહીને કાર્યવાહી કરવાની છૂટ મળશે તેવી અમને આશા છે.

રાઉઝ એવન્યુ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને ૨૮ માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તપાસ એજન્સીને છ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે તેને ૨૮ માર્ચે બપોરે ૨ વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી ૬ દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું રાજીનામું નહીં આપું, હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.

જર્મની માનવાધિકારોના સંરક્ષણની દુહાઈ કાયમ આપતું રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પણ યુક્રેનને લડવા માટે સૌથી પહેલા હથિયારો આપનારા દેશમાં જર્મની સામેલ હતું. આમ બીજાના મામલામાં દખલગીરી કરવી એ જર્મની સરકાર માટે નવી વાત નથી.

આ પણ વાંચો :-