ગુજરાતમાં ભાજપના જ અસંતુષ્ટોએ પોતાના પગમાં કુહાડો મારીને ‘આપ’ને આમંત્રણ આપ્યું હતું

Share this story
  • પાટીદાર યુવાઓ અન્યાય સામે લડતા હતા, પરંતુ ભાજપનાં જ કેટલાંક અસંતુષ્ટોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે યુવાનોને ગૂમરાહ કરીને પોતાની જ સરકાર સામે ઊભા કરી દીધા હતા.
  • અસંતુષ્ટો આનંદીબેનને ઉથલાવવામાં સફળ રહ્યાં પરંતુ મુખ્યમંત્રીની ગાદી મેળવી શક્યા નહોતા, કેશુબાપાને પણ પોતીકા લોકોએ જ રાજકીય શહીદ કરી દીધા હતા.
  • આપનાં ચૂંટાયેલા કોર્પોરેટરો મૂળભૂત રીતે ભાજપની વિચારધારાનાં લોકો કહી શકાય, પરંતુ ભાજપનું નેતૃત્ત્વ સમયસર નિર્ણય લઈ શક્યું નહોતું.
  • સુરતમાંઆપસાથે સંકળાયેલા મોટાભાગના યુવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા, પરંતુ ભાજપે સમયસર સ્વીકાર નહીં કરતાં પહેલાં કોંગ્રેસ અને ત્યાર બાદ આપમાં જોડાઈ ગયા હતા

સુરતમાં આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party) જેટલી ઝડપથી ઉદય થયો હતો એટલી જ ઝડપથી અસ્ત થઈ જવાના અણસાર દેખાઈ રહ્યાં છે. ખરેખર જોવા જઈએ તો સુરતમાં આમ આદમી પાર્ટીનાં નામનું કોઈ જ સંગઠન જ નહોતું અને ‘આપ’ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગનાં કોર્પોરેટર અગાઉ એક યા બીજી રીતે પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ સાથે સંકળાયેલા હતા. ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા, મનોજ સોરઠિયા સહિતનાં યુવા ચહેરાઓ અગાઉ ‘પાસ’ સાથે સંકળાયેલા હતા અને હાર્દિક પટેલ (Hardik Patel) સહિતનાં યુવાનો સાથે મળીને ‘પાટીદાર અનામત આંદોલન’ (Patidar reservation movement) ચલાવ્યું હતું.

યુવાનીથી થનગનતા લોકો ખરેખર તો સમાજનાં કેટલાંક લોકોનો હાથો બની ગયા હતા અને ખુદ ભાજપ સરકારમાં બેઠેલા કેટલાંક લોકોએ ‘સત્તા’ની લાલચમાં પાટીદાર યુવાનોને સરકાર સામે જંગ છેડવા ઉશ્કેર્યા હતા. અલબત્ત આંદોલનકારીઓનો મુદ્દો ચોક્કસ વ્યાજબી હતો. પરંતુ સરકારમાં બેઠેલા કેટલાંક લોકોની મુખ્ય ગાદીએ બેસવાની મહેચ્છાને કારણે આંદોલનને ઉશ્કેરવાનું કામ કર્યું હતું અને આખરે પોતીકા સમાજનાં લોકોનાં કારણે જ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ખાલી કરવું પડ્યું હતું.

અલબત્ત આનંદીબેનનાં રાજીનામા પછી પણ સત્તાલાલચુ લોકોની મહેચ્છા ફળીભૂત થઈ નહોતી અને કલ્પના બહાર વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવી ગયા હતા. પરિણામે કેટલાંક ભાજપનાં જ પોતાની જાતને ‘મોટાભા’ સમજતા આગેવાનો વધુ ધુંધવાયા હતા અને યુવાનોને ભડકાવવાનું ચાલુ રાખ્યું હતું. આ યુવાનોને ભડકાવવામાં સુરતનાં પણ કેટલાંક આગેવાનોનો હાથ હોવાના આક્ષેપો થયા હતા.

ખરેખર તો કોરી સ્લેટ જેવા આ યુવાનો કોઈ રાજકીય રંગથી રંગાયેલા નહોતા. બલ્કે એવું કહી શકાય કે, તેઓ મૂળભૂત રીતે ભાજપની વિચારધારા ધરાવતા હતા. પરંતુ ભાજપનાં જ કેટલાંક નેતાઓએ ભાજપમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા યુવાનોને ભડકાવવાનું ચાલુ રાખ્યું હતું. આ વાતની ભાજપનાં શિર્ષ નેતૃત્વએ કાળજી લીધી હોત તો સુરતમાં અને ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો ન હોત. ખરેખર સુરતનાં સૌરાષ્ટ્રવાસી પ્રભાવિત વિસ્તારોમાં બદલાઈ રહેલાં રાજકીય સમીકરણ ઉપર નજર રાખવાની જરૂર હતી. એક વાત ચોક્કસ છે કે, સૌરાષ્ટ્રવાસી આગેવાનોમાં પણ જુથવાદ છે. અહિંયા લગભગ દરેક આગેવાન પોતાની જાતને સર્વોચ્ચ માની રહ્યો છે.
આ આગેવાનો એવી ભ્રમણામાં છે કે, વરાછા, કતારગામ, અમરોલી, મોટાવરાછા, ઉતરાણ, પુણા સહિતનાં વિસ્તારોમાં અમે ઈચ્છીએ તે કરી શકીએ અને અમે કહીએ તેને જ ટિકિટ મળવી જોઈએ. વળી પાછલા વર્ષોનાં રાજકીય અનુભવો જોતા સૌથી વધુ રાજકીય વિવાદ પણ આજ વિસ્તારમાંથી ઊભો થતો આવ્યો છે. કેશુબાપાની સરકાર વખતે પણ અહિંયાથી જ નરેન્દ્ર મોદી સામે બુંગીયો ફૂંકવામાં આવ્યો હતો અને આખરે કેશુબાપાને રાજકીય શહીદ કરી દીધા હતા.

જનરલ કેટેગરીને કારણે પાટીદાર યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં ચોક્કસ અન્યાય થતો હતો. આ મુદ્દે હાર્દિક પટેલ સહિતનાં યુવાનોએ લડત ઉપાડીને સરકારમાં બેઠેલા કેટલાંક રાજકીય અસંતુષ્ટોની મુખ્યમંત્રીની ગાદી મેળવવાની તાલાવેલી જગાડી હતી અને આવા રાજકીય અસંતુષ્ટોએ પોતાની રાજકીય હવસ માટે થઈને પોતાના જ ઘરને આગ લગાડવાનું કામ કર્યું હતું અને ત્યાર પછી પણ પોતાની રાજકીય હવસ સંતોષી શકાઈ નહોતી અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આવા લોકોને પક્ષની નેતાગીરીએ બહારનો રસ્તો બતાવી દીધો હતો.

હવે મૂળ વાત ઉપર આવીએ તો સુરતમાં ‘આમ આદમી પાર્ટી’એ રાજકીય ઉધામા શરૂ કર્યા ત્યારથી ભાજપની નેતાગીરીએ જાગી જવાની જરૂર હતી. પરંતુ ભાજપનો આંતરિક અહંમ્ આડે આવતો હતો અને સરવાળે આખા રાજ્યમાં ફક્ત સુરત મહાનગરપાલિકામાં અને એ પણ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષની છાતી ઉપર એક બે નહીં આમ આદમી પાર્ટીનાં ૨૭ કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા અને કેજરીવાલને ગુજરાતમાં પગ મુકવાની જગ્યા મળી ગઈ હતી.

1681567545600

ઘણાંને યાદ હશે કે કેજરીવાલે સુરતનાં વરાછા રોડ ઉપર ઉભા રહીને જાહેરસભામાં ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાનો પડકાર ફેંક્યો હતો અને વિધાનસભામાં પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવવા સાથે મતોની સરસાઈ મેળવીને ‘આમ આદમી પાર્ટી’ને રાષ્ટ્રીય દરજ્જો અપાવવામાં પણ ગુજરાતની ધરતીનો ઉપયોગ કર્યો હતો.
પક્ષનાં નેતૃત્વએ કરેલી રાજકીય ભૂલ કેટલું નુકસાન કરાવી શકે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય જીવંત ઉદાહરણ ગણી શકાય. પહેલાં આખા ગુજરાતમાં એક માત્ર સુરત મહાનગરપાલિકામાં ‘આપ’ની હાજરી હતી. હવે વિધાનસભામાં પણ ‘આપ’નું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે.

ખેર, સુરતમાં અગાઉ ચાર અને ત્યાર પછી વધુ છ કોર્પોરેટરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવી લીધો અને બાકી બચેલા ૧૭ પૈકી પણ ઘણાં કોર્પોરેટરોને સન્માન સહિત આવકારવામાં આવે તો ભાજપમાં જોડાઈ જવાની પુરેપુરી શક્યતાઓ છે. કારણ કે, સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને હજુ પોણા ત્રણ વર્ષનો સમય બાકી છે અને વિધાનસભાને પાંચ વર્ષ બાકી છે.

મતલબ કે, નજીકનાં ભવિષ્યમાં કોઈ જ ચૂંટણી આવવાની નથી અને માત્રને માત્ર વિપક્ષમાં બેસી રહેવાથી ‘આમ આદમી પાર્ટી’નાં કોર્પોરેટરોને કોઈ રાજકીય લાભ મળવાની શક્યતા દેખાતી નથી. એટલે બની શકે કે, ‘આપ’નાં બાકી બચેલા કોર્પોરેટરો પણ ભાજપનો ભગવો ધારણ કરી શકે. પરંતુ આના માટે ભાજપનાં નેતૃત્વએ પણ ઊભા થઈને હાથ લાંબો કરવો પડે અને તો જ બધુ શક્ય છે. બાકી ‘અહંમ્’ને પોષવામાં અનેક રજવાડા પણ સાફ થઈ ગયાનાં દાખલા ઈતિહાસમાં મૌજૂદ છે.

 આ પણ વાંચો :-