આર્થિક બેહાલી ક્યાં સુધી? ગરીબોના ચહેરા ઉપર હાસ્ય ક્યારે રેલાશે

Share this story
  • ગરીબ, મહેનતકશ પરિવારો સરકાર શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી, પરંતુ આર્થિક સંકટ ભલભલાને મરણિયા બનાવે છે
  • દેશના લોકોને શાસન, સરકાર બદલવામાં કોઈ જ રસ નથી, બસ વેપાર, ઉદ્યોગ ધમધમતા રહે અને આવકના સાધનો સાથે ખુશહાલી બરકરાર રહે
  • નોટબંધીની એ કાળરાત્રીથી શરૂ થયેલા આર્થિક સંકટે ભલભલાને બરબાદ કરી નાંખ્યા, સમાજ અમીર અને ગરીબો વચ્ચે વહેચાઈ ગયો, સેંકડો લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, આઠ આઠ વર્ષો પછી પણ આર્થિક સંકટ દૂર થયું નથી
  • દેશના વિકાસ સાથે સમાંતર પ્રજાની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ દેશનાં લોકો ખુશહાલ હોય એજ તો સુશાસનની નિશાની છે

નોટબંધીના આજકાલ કરતાં આઠ વર્ષ પસાર થઈ ગયા. ૨૦૧૬ના વર્ષનાં નવેમ્બર માસની ૮મી તારીખની મોડીરાત્રે નોટબંધીની કરાયેલી જાહેરાતનાં પડઘા હજુ પણ સેંકડો લોકોનાં કાનમાં અને જીવનમાં પડઘાયા કરતાં હશે. ૫૦૦ અને ૧૦૦૦ નોટ ‘અબ લીગલ ટેન્ડર નહીં રહેગી’… કમનસીબ પળે બોલાયેલા આ શબ્દો સાથે જ દેશમાં આર્થિક કટોકટીનાં મંડાણ થયા હતા એ રાત્રે ઘણાં લોકોને ઊંઘ નહીં આવી હોય, પરંતુ દેશના ખૂબ મોટા વર્ગને વિશ્વાસ હતો અને એવી ભ્રમણામાં હતો કે, નોટબંધી કરવાથી કાળુ નાણું માર્કેટમાં આવી જવાથી લોકોનાં ખિસ્સા રૂપિયાથી તરબતર રહેશે. જ્યાં હાથ નાંખો ત્યાં રૂપિયા રૂપિયા જ હશે. કાળા નાણાંના કારોબારીઓનાં દરવાજા બંધ થઈ જશે, પરંતુ સરવાળે આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે લોકોનાં ખિસ્સા ખાલી થઈ ગયા. મધ્યમ, ગરીબ પરિવારની મહિલાઓએ ખૂંણે ખાંચરે મુકી રાખેલી મૂડી સાફ થઈ. નાના નાના ભુલકાઓનાં બચતનાં ડબ્બા ખાલી થઈ ગયા. બસ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી શરૂ થયેલી કઠણાઈ હજુ સુધી અટકી નથી.

નોટબંધી બાદ જીએસટી અને ત્યારબાદ કુદરતનાં કોપરૂપે ત્રાટકેલી કોરોનાની મહામારીમાં સેંકડો લોકો મોતનો કોળિયો બની ગયા અને બેમોત કાળપથારીમાં પોઢી ગયા. ઘણાં તો આખાને આખા પરિવારો સાફ થઈ ગયા, પરંતુ કોરોનાં માટે કુદરત સિવાય કોઈને દોષ આપી શકાય તેમ નહોતુ, પરંતુ હકીકત એ પણ છે કે, કોરોના પહેલા બે વર્ષમાં નોટબંધી અને જીએસટીએ જ લોકોને મરણ પથારીમાં ધકેલી દીધા હતા અને બાકી હતું તો કોરોનાએ પુરું કરી નાંખ્યું.

ખેર, ઘણી વખત નસીબ સાથ આપતુ હોય ત્યારે ઊંધુ નાંખો તો પણ છતુ પડે. કેન્દ્ર સરકારે નોટબંધી અને જીએસટીની કરેલી ભુલો કોરોનાની મહામારીમાં ભુલાઈ ગઈ હતી. મતલબ પીડા ચોક્કસ હતી, પરંતુ વ્યક્ત કરી શકાય તેવી સ્થિતિ નહોતી.

લોકોને વિશ્વાસ હતો કે, આજે નહીં તો કાલે સારા દિવસો આવશે. સરકાર પણ યોગ્ય દિશામાં વિચાર કરશે અને દેશની કથળી ગયેલી અર્થવ્યવસ્થા સુધારવા માટે ઉદારદીલે પગલાં ભરશે. વેપાર, ઉદ્યોગને મોકળુ મેદાન આપીને લોકોની આર્થિકપીડા દૂર કરવાની દિશામાં પગલાં ભરશે, પરંતુ આઘાતવશ આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે, વેપારી, કારખાનેદારો, ઉદ્યોગપતિઓને ચોર સમજીને આકરા કાયદા લાવીને ગાળિયો વધુ કસવામાં આવ્યો. વેપાર, ઉદ્યોગને મોકળાશ આપવાને બદલે સરકારનાં સુબાઓ એટલે કે અધિકારીઓને છુટોદોર આપવામાં આવતાં ભ્રષ્ટ અધિકારીઓને જોઈતુ હતું ને મોકળુ મેદાન મળી ગયું!

આ તરફ વેપારી, કારખાનેદાર કે ઉદ્યોગપતિની વાસ્તવિક પીડા પણ સાંભળવા કોઈ તૈયાર નહોતું. ખુદ શાસક પક્ષનાં લોકો પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ખોટી રીતની કનડગત રોકી શકવાની સ્થિતિમાં નહોતા. મતલબ સરકાર ઉપર અધિકારીઓએ પૂર્ણ કબજો જમાવી દીધો હતો. પરિણામે ત્યાર પછી દેશની હાલત કેવી થવા પામી એનું ચિત્ર રજુ કરવાની જરૂર નથી. છેવાડાનાં નાગરિકથી શરૂ કરીને ટોચનાં ઉદ્યોગકારો પરિસ્થિતિનો ભોગ બની ચૂક્યા છે.

આજે પણ કોઈ નહીં માને, પરંતુ હકીકત એ છે કે, સરકારમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિ કરતાં અધિકારીઓની પકડ વધુ મજબૂત છે. બલ્કે લોકપ્રતિનિધિ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. અરે, પક્ષનાં પદાધિકારીઓને પણ અધિકારીને મળવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ઘણી વખત તો ‘સાહેબ’ મુલાકાત આપતા નથી. ચૂંટાયેલા લોકસેવકોની આવી દયનીય સ્થિતિને કારણે ક્રમશઃ શરૂ થયેલી નારાજગી વર્ષો જતાં વિસ્ફોટક બનવા તરફ જઈ રહી છે. સત્તા સામે કોઈ બોલવા રાજી નથી કે મોરચો માંડી શકે એવી હાલત નથી, પરંતુ શાસક પક્ષમાંથી ઉઠતો જતો નારાજગીનો સૂર જ્યારે મરણિયો બનીને મેદાનમાં આવશે ત્યારે પતન સિવાય કંઈ જ હાથમાં નહીં આવે અને ઈતિહાસ સાક્ષી છે કે, ખુશામતખોરોએ ભલભલી સલતનતોને ભોંય ભેગી કરી દીધી હતી.

મજા કરવા માટે કે બેઘડીક આનંદ લેવા માટે મુરખાઓના ટોળામાં બેસી શકાય, પરંતુ શાસન ચલાવવામાં મુરખાઓની સલાહ માનવામાં આવે તો ઊંધા પડવા સિવાય કંઈ જ હાથમાં બચે નહીં.

બધાં જ બાદશાહ પાસે બિરબલ જેવા સલાહકાર હોતા નથી, પરંતુ ખુશામતખોરો હંમેશા પોતાની જાતને બિરબલ જ માનતા હોય છે.

વિતેલા વર્ષોનું સરવૈયું મુકવામાં આવે તો ગરીબ વધુ ગરીબ બનતો ગયો છે અને ગરીબીનું પગથિયું ચઢીને મધ્યમવર્ગી બનેલા પરિવારોની હાલત ઊંચેથી પટકાવા જેવી થવા પામી છે. આવકમાં થોડો વધારો થવાથી જીવનધોરણમાં આંશિક બદલાવ આવવાથી સંતાનોને સારી શાળા, કોલેજોમાં ભણાવવાના સપના જોઈ રહેલા આવા મધ્યમવર્ગી પરિવારો હવે ક્યાંયના રહ્યાં નથી. સંતાનોને ઉચ્ચશિક્ષણ અપાવવાનું તો ઠીક બલ્કે માથે આર્થિક દેવું કરીને આવા પરિવારો આવક કરતાં વધુ વ્યાજ ભરતા હશે!

ક્રમશઃ સમાજ ગરીબ અને સધ્ધર બે વર્ગમાં વહેંચાઈ રહ્યો છે. મધ્યમવર્ગ સાવ ભુલાઈ ગયો છે. સામાજિક માળખાની સ્થિતિનું સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીઓ દ્વારા વિશલેષણ કરવામાં આવે તો ખુબ જ બિહામણું દૃશ્ય બહાર આવશે. એક એવો વર્ગ છે કે, જેને સરકાર કોઈની પણ આવે તેને ચિંતા નથી. કારણ આ વર્ગનાં લોકોની આર્થિક સ્થિતિ પહેલા હતી એના કરતાં વધુ સધ્ધર બની છે. જ્યારે બીજો વર્ગ એવો છે કે જેણે રોજ સવાર પડેને કંઈક મળવાની આશા સાથે ધંધા, રોજગારની ચિંતામાં ભટકતા રહેવું પડે છે. કરોડો લોકો રોજગારી માટે ભટકી રહ્યાં છે. દેશમાં બેરોજગારીનો દર રોજ સવાર પડેને ભયાનક રીતે ઊંચે જઈ રહ્યો છે. એક સમય એવો હતો કે, ઓફિસો, કારખાના માટે માણસો મળતા નહોતા. આજે જે છે તેને લોકો છુટા કરીને સંખ્યા ઘટાડીને આર્થિક ભારણ ઘટાડવાની મથામણ કરી રહ્યાં છે. સેંકડો કારખાના, ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર અડધા થઈ ગયા હશે, પરંતુ મજબૂરી વશ નોકરી કર્યા વગર છુટકો નથી.

આ સ્થિતિનાં દુષ્પરિણામરૂપે આપઘાતનાં બનાવોની સંખ્યામાં ભયાનક રીતે વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં ઘરકંકાસ, બિમારી અથવા તો અન્ય કારણોને લઈને લોકો આપઘાત કરતાં હતાં પરંતુ હાલનાં સંજોગો જોતા મોટાભાગનાં આપઘાતનાં બનાવો પાછળ ‘આર્થિક સંકડામણ’ બહાર આવે છે. પરિસ્થિતિ એવી આકાર લઈ રહી છે. સમાજનો મોટાભાગનો વર્ગ લાગણી શૂન્ય બની રહ્યો છે. કારણ પોતે ઈચ્છે તો પણ કંઈપણ કરી શકે એવી સ્થિતિમાં નથી. મતલબ કે જાણવા છતાં મૂકપ્રેક્ષક બનીને બેસી રહેવા સિવાય છુટકો નથી. બીજી તરફ આર્થિક સંકડામણને પગલે સમાજમાં ચારેતરફ આર્થિક ગુનાખોરીનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને ‘સાયબર’ ફે‌િસલીટીએ આર્થિક ગુનાખોરીનાં માર્ગને વધુ સરળ બનાવી દીધો છે.

બીજી તરફ સરકારમાં બેસેલા લોકો નહીં માને પરંતુ ‘ભ્રષ્ટાચાર’નો અજગર ચારેતરફથી ભરડો લઈ ચૂક્યો છે. એકલદોકલ સિવાય મોટાભાગનાં ભ્રષ્ટાચારીઓને સરકાર પાંજરામાં પુરવામાં નિષ્ફળ રહી છે. એક હકીકત એવી પણ છે કે ઉપલા સ્થાનો ઉપર બેઠેલા ભ્રષ્ટાચારીઓને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પણ ભય નથી.

સરેરાશ જોવા જઈએ તો જમીની માળખામાં સુધારા થયા હશે. મોંઘવારીના ઊંચા જતાં ગ્રાફને કારણે સરકારની ટેક્સની આવકમાં વધારો થયો હશે. મુઠ્ઠીભર લોકોએ મોંઘી ગાડીઓ ખરીદી હશે, પરંતુ ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ વિતેલા વર્ષોમાં વધુને વધુ ઘસાતો ગયો છે. થોડી ઘણી સાચવી રાખેલી મૂડી પણ સાફ થઈ ગઈ હશે. લગભગ દરેક વ્યક્તિ, પરિવાર સતત મુરજાયેલો રહે છે. ચહેરા ઉપરનું હાસ્ય તો ક્યારનુંય વિસરાઈ ગયું છે. ઘણાં લોકોને ભરયુવાનીમાં બુઢાપાનો અહેસાસ થતો હશે.

દેશની આઝાદીનો ‘અમૃતકાળ’ પસાર થઈ રહ્યો છે, પરંતુ લોકોને અમૃતકાળનો અહેસાસ થતો નથી. કારણ ખૂબ મોટો વર્ગ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યેક પરિવાર ઘરનાં એક સભ્યને વિદેશ મોકલવા માંગે છે. કારણ હવે અહિંયા જોખમ દેખાઈ રહ્યું છે. સેંકડો યુવાનો વિદેશની વાટ પકડી ચૂક્યા છે અને હજુ પણ પ્રવાહ વહી રહ્યો છે. આગામી વર્ષોમાં સ્થિતિ નહીં સુધરે તો એક સમયે ‘સોનાની ચિડીયા’નો ગણાતો દેશ ફરી ગરીબીમાં ધકેલાઈ ગયો હશે. કુદરતે ભારતની ધરતીમાં ઠાંસી ઠાંસીને સમૃદ્ધિ ભરી છે. અહિંયા ખનીજ છે, પાણી છે, ફળદ્રુપ ખેતીવાડી પણ છે અને કામ કરવા બાવડામાં તાકાત પણ છે, પરંતુ સરકારે ‘કોચલા’માંથી બહાર આવીને લોકોની વાસ્તવિક જી‍ંદગી ઉપર નજર દોડાવવાની જરૂર છે. સ્વાર્થી, લુચ્ચા સલાહકારોને બાજુમાં હડસેલીને વેપાર, ઉદ્યોગને વિકસાવા માટે મોકળુ આકાશ આપવાની જરૂર છે અને વેપાર, ઉદ્યોગ ધમધમતા હશે તો ભલે ભારતની વસ્તી દોઢસો કરોડની હોય પરંતુ એકપણ પરિવાર બેકાર નહીં રહે, આર્થિક સંકટના વાદળો આપો આપ વિખેરાઈ જશે. પરંતુ સરકારે ‘‘બધા જ લોકો ચોર છે’’ એ સમજવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે.

સત્તા ટકાવી રાખવા માટે રાજકીય દાવપેચ રમવા સામે કોઈને પણ વાંધો હોઈ શકે જ નહીં. સત્તા માટે થઈને માત્ર ભારતમાં જ નહીં વિશ્વનાં દેશોમાં પણ ષડયંત્ર રચાતા રહે છે. પરંતુ દેશની પ્રજાનું પેટ ભરેલુ હશે, આર્થિક સંકડામણ નહીં હોય અને પ્રત્યેક પરિવારમાં ખુશાલી લહેરાતી હશે ત્યાં સુધી લોકોને શાસકોનાં હરીફોને મહાત કરવા કોઈપણ રાજકીય ષડયંત્ર સામે વાંધો કે વિરોધ નહીં હોય. બલ્કે પડખે ઉભા હશે.

ભારતના પરાક્રમી રાજાનું વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ દેશનાં લોકો માટે સુખદાયી નિવડે અને શાસકો પણ પ્રજાવત્સલ બને એવી ‘સુદૃષ્ટિ’ આપનારું નિવડે એવી અભ્યર્થના.

આ પણ વાંચો :-