સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતાં કિશોરીનું મોત, ૪ ઘાયલ

Share this story

સુરતમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં ચાર્જિંગમાં મુકેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ૧૮ વર્ષની યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે એક જ પરિવારના ૪ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર બે માળના રેસિડન્ટવાળું મકાન આવેલું છે. આ સોસાયટીમાં એક ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મુકેલું હતું. જેમાં અચાનક સવારે ૫.૩૫ વાગ્યે આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી, આ દરમિયાન ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો.

સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં ૧ મહિલા, ૧ બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નિકળી પ્રયત્ન કર્યો હતો જેમાં તે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ દુર્ઘટનામાં મહિમા દોલારામ સિરાવિ નામની ૧૮ વર્ષની યુવતી આગમાં બળીને ભડથું થઈ ગઈ હતી. જ્યારે અન્ય ચાર લોકો દોલારામ જસારામ સિરવિ (ઉં.વ. ૪૬), ચંપાબેન દોલારામ સિરવિ (ઉં.વ. ૪૨), ચિરાગ દોલારામ સિરવિ (ઉં.વ. ૮) અને દેવિકા દોલારામ સિરવિ (ઉં.વ. ૧૪)ને તાત્કાલિકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા એક કલાક જેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-