જમ્મુ-કાશ્મીરમાં લશ્કરના બે વાહનો પર આતંકી હુમલામાં ચાર જવાન શહીદ

Share this story

જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા માંડયો હતો. જવાનોએ તુરંત વળતો જવાબ આપ્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે અગાઉથી જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરનું સંયુક્ત ઓપરેશન ચાલતું હતું. એમાં મદદ કરવા માટે આર્મીના બે વાહનોમાં સૈનિકો જતા હતા ત્યારે હુમલો થયો હતો. હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. સૈન્યએ આખાય વિસ્તારને કોર્ડન કરીને નવેસરથી સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે. તોયબાના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૈનિકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હથિયારો સાથે રસ્તાની વચ્ચે ધસી આવ્યા હોય એવી સંભાવના છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરીદળોનું એક સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલતું હતું. એ ઓપરેશનમાં મદદ માટે વધુ બે વાહનોમાં સૈનિકોને મોકલાયા હતા. એક લશ્કરી ટ્રક અને એક જીપમાં સૈનિકો સંયુક્ત ઓપરેશનમાં મદદ માટે જતા હતા ત્યારે બફલિયાઝ પોલીસ સ્ટેશન મંડી રોડ પાસે આતંકીઓએ સૈનિકોના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલાથી તુરંત સાવધાન થયેલા જવાનોએ વળતું ફાયરિંગ શરૂ કર્યું હતું. સામ-સામા ફાયરિંગ દરમિયાન સાત-આઠ જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. એમાંથી ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણને ઈજા પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળની તસવીરો સામે આવી હતી, જે વિચલિત કરી દે તેવી છે. રસ્તામાં સૈનિકોના તૂટેલા હેલ્મેટ, ગાડીના કારના ટૂકડા વેરાયેલા પડયા છે. આખોય રસ્તો સૈનિકોના લોહીથી ઉભરાઈ ગયો છે.

આ હુમલા બાદ સૈન્યએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. થન્નામંડી ડીકેજી બુફલિયાઝ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને આસપાસના લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. રાજૌરી-પૂંચ નેશનલ હાઈવે પર એલર્ટ જારી કરાયો છે. ઠેર-ઠેર સુરક્ષાદળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ૪૮ રાષ્ટ્રીય રાઈફલના જવાનો સંયુક્ત ઓપરેશનને મદદ કરવા જતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારોનો જથ્થો લઈને રસ્તાની વચ્ચે આવી ગયા હોય એવી પ્રાથમિક શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો :-