Saturday, Mar 22, 2025

નકલી પોલીસે સુરતના લોકો પાસેથી આ રીતે પડાવ્યા 1.73 લાખ રૂપિયા

3 Min Read

સુરત શહેરના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખ્સ દાદરમાં ઉભો હતો. આ અજાણ્યા શખસોએ પોતે ડી-સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતા જ તમામ મિત્રો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા.

પોલીસની ઓળખ આપનાર શખસોએ એ સમયે જે સ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે, તેમ કહીને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી. ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી. આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝ પેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા. આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરથી ઓફિસની બહાર લઈ જતા હતાં અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે? પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો? તે પૂછતા હતા.

આ દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું. જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો? તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી. જેથી અજાણ્યા શખસે રૂપિયા લઇ લીધા હતા અને મોબાઈલ, બાઈકની ચાવી પરત આપી દીધી હતી.અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું.

અજાણ્યા શખસો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી. જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી. ત્યારબાદ આ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર, આકાશ વાઘેલા, લલિત, હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article