હિન્દુઓનો સૌથી મોટો ગણેશ ઉત્સવ તહેવાર ७ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ત્યારે અઠવાડિયા અગાઉ પોલીસ કમિશનરના ગણેશ ઉત્સવને લઇ બહાર પાડેલા આકરા નિયમ સાથેના જાહેરનામાંથી ગણેશ આયોજકો, મૂર્તિકારો, મંડપકારો સહિતનામાં ભારે આક્રોશ ફેલાયો છે.
એક તરફ ગણેશ ઉત્સવ સમિતિ લકવાગ્રસ્ત સ્થિતિમાં મુકાઇ ગઇ છે ત્યારે ગણેશ ઉત્સવ સંઘે રસ્તા પર મંડપ, પ્રતિમાની ઉંચાઇ, નદીમાં વિસર્જન, વિસર્જન રૂટ, ડી.જે સહિતની બાબતે આયોજકનો થતી હેરાનગતિ, દરિયામાં વિસર્જન માટે લેવાતા બેફામ ચાર્જ સહિતના મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી હતી.
પોલીસ કમિશનરનું જાહેરનામું જાણે હિન્દુઓના તહેવાર પર તરાપ મારતું હોય એવી લાગણી બેઠકમાં ગણેશ આયોજકોમાં જોવા મળી હતી. કડક નિયમથી એક આયોજકની ધાર્મિક લાગણી દુભાતા રોષ સાથે બેઠકમાં સાંસદને કહી દીધું હતું કે, આજે અયોધ્યામાં હારી ગયા છો કાલે સુરતમાં હારી જશો તો નવાઇ નહીં. આગામી દિવસમાં સળગતા મુદ્દાઓનો નિરાકરણ ન આવે તો ગણેશ આયોજકો લડી લેવાના મુડમાં છે.
ગણેશ ઉત્સવ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે १० દિવસ બાપ્પાની પૂજા-અર્ચના કરાય છે. આ વર્ષે તો રસ્તા પર શ્રીજીની પ્રતિમા સ્થાપવા સિંગ્લ મંડપ ન પાડવા કડક સુચના પોલીસ તરફથી અપાય છે તે કેવી રીતે ચલાવાય. સુરતમાં મોટાભાગે રસ્તા પર જ મંડપ સ્થાપી શ્રીજીની સ્થાપના થાય છે. આ નિયમથી હિન્દુઓના તહેવાર-ધાર્મિક લગાણી દુભાશે.