એક જ પરિવારનાં સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ? આર્થિક બેહાલી હજુ કેટલાના ભોગ લેશે

Share this story

• કયો બાપ પોતાનાં માસૂમ સંતાનો, પત્ની અને વૃદ્ધ મા-બાપની હત્યા કરવા મજબૂર બને? સોલંકી પરિવારની ઘટના સરકાર સમજે તો ઇશારારૂપ

• સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત પાછળ ચોક્કસ કોઈક મજબૂરી હશે, મનીષ સોલંકીની સ્યુસાઈડ નોટમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે, અંતમાં તો આર્થિક સમસ્યા જ કારણભૂત હતી

• વેપાર-ઉદ્યોગમાં મંદી-તેજી આવવી કોઈ નવાઈ નથી, પરંતુ મંદીનાં દિવસોમાં વેપાર-ઉદ્યોગ સાથે લોકજીવન ધબકતું રાખવાની બીજા કોઈની નહીં, સરકારની જ જવાબદારી છે

• દેશનો વિકાસ થાય એ કોઈપણ નાગરિકને ગમે, પરંતુ નાગરિકોનું લોહી ચૂસીને કરાયેલા વિકાસને કઈ રીતે વિકાસ કહી શકાય; મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં એક પણ વેપારી, ઉદ્યોગપતિ ખુશ નહીં હોય, પરંતુ ડંડાનાં ડરથી કોઈ બોલવા તૈયાર નથી

Screenshot_2023-10-29-07-43-20-23_439a3fec0400f8974d35eed09a31f914

સુરતમાં સાત સભ્યોના પરિવારની સામૂહિક આપઘાતની વધુ એક ઘટનાએ લોકોના શ્વાસ થંભાવી દીધા હતા. આજે શનિવારનો દિવસ સુરત માટે કમનસીબ રહ્યો હતો, લોકો સવારે નિત્યક્રમ મુજબ કામકાજ ઉપર જઈ રહ્યા હતા. બરાબર આ જ સમયે એક જ પરિવારના ત્રણ માસૂમ ભુલકાઓ સહિત સાત-સાત સભ્યોના આપઘાતના સમાચાર સાંભળવા મળતા લોકો ફફડી ઉઠ્યા હતા.

સુરત શહેરના જ રાંદેર રોડ પાલનપુર પાટિયા નજીકના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મિસ્ત્રી પરિવારે સામૂહિક જીવનલીલા સંકેલી લીધી હતી. ખરેખર તો આખી ઘટના શુક્રવારની રાત્રિ દરમિયાન બનવા પામી હશે, પરંતુ લોકોને વહેલી સવારે જાણ થઈ હતી. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને ફર્નિચરનો કોન્ટ્રાકટ રાખવાનું કામ કરતા હર્યાભર્યા સુખી-સંપન્‍ન પરિવારે શા માટે સામ‌ૂહિક આત્મહત્યા કરી લીધી એ પ્રશ્ન વણઉકેલાયો રહ્યો હતો. મરનાર ૩૮ વર્ષના યુવાન મનીષ કનુભાઈ સોલંકીએ પોતે આપઘાત કરતાં પહેલાં લખેલા પત્રમાં કેટલીક વેદનાઓ વ્યક્ત કરી હતી. મનીષ સોલંકી પોતે આર્થિક મુશ્કેલીમાં હતો જ અને આપઘાત કરવાનું મન મક્કમ કરી લીધું હતું. પરંતુ મનીષ પોતાનાં માતા, પિતા, પત્ની અને ત્રણે માસૂમ સંતાનોને અનહદ પ્રેમ કરતો હતો. અને એટલે જ મનીષે પોતાના ગયા પછી પરિવારનું શું થશે? તેની કોણ કાળજી લેશે? વગેરે વગેરે ચિંતા સાથે પોતાની જીવનલીલા સંકેલી લેતા પહેલાં ત્રણ-ત્રણ માસૂમ સંતાનો પુત્ર કુશાલ (ઉ.વ.૫), પુત્રી કાવ્યા (ઉ.વ.૯), પુત્રી દિશા (ઉ.વ.૧૩), પત્ની રીટા, પિતા કનુભાઈ અને માતા શોભનાબેનને પણ પોતાની સાથે અનંતની યાત્રાએ લઈ જવાનો ભયાનક નિર્ણય કર્યો હતો અને એટલે જ કોઈક ખતરનાક જંતુનાશક ઝેરી દવા આ તમામને પીવડાવીને અંતે પોતે પંખા સાથે ગાળિયો બનાવીને લટકી ગયો હતો!

અલબત્ત, આ સમગ્ર ઘટનાને અંજામ આપતા પહેલે મનીષ સોલંકીએ કેટલી હદે ખતરનાક મનોમંથન કર્યું હશે તેની કલ્પના કરવાનું શક્ય નથી.

‌મનીષ સોલંકીએ આપઘાત કરતાં પહેલા લખેલા અંતિમપત્ર (સ્યુસાઈડ નોટ) જોતા મરતાં-મરતાં પણ તેણે સજ્‍જનતા દાખવી હતી. મનીષે એવું લખ્યું હતું કે, મેં જીવતેજીવ કોઈને હેરાન કર્યા નથી તો હવે પછી મરીને પણ શા માટે હેરાન કરવાના? હું કોઈને હેરાન કરવા માંગતો નથી. મેં ઘણા લોકોને મદદ કરી છે, રૂપિયા પણ આપ્યા છે, પરંતુ મને કોઈએ પરત કર્યા નથી!

મનીષ કનુભાઈ સોલંકી (મિસ્ત્રી) પરિવાર સુરેન્દ્રનગર જિલ્લાનાં લીમડી તાલુકાનાં મોટા તરાડિયા ગામનું મૂળ વતની હતો અને સુરતમાં ફર્નિચરનો કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતો હતો, મનીષ સોલંકીનાં અનેક જગ્યાએ ફર્નિચરનાં કોન્ટ્રાક્ટ પણ ચાલતા હતા, પરંતુ કોઈક કારણોસર મનીષ સોલંકી આર્થિક સંકડામણ ભોગવી રહ્યાં હતા. અલબત્ત તેમણે કોઈને પોતાની આર્થિક મુશ્કેલીનો અણસાર આવવા દીધો નહોતો.

સાત સભ્યોનાં પરિવારમાં મનીષ સોલંકી એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઉપરાંત પાંચ-પાંચ બહેનોનો એક ભાઈ હતો! મનીષ સોલંકીનાં પરિવારમાં કોઈ કંકાસ નહોતો. માતા-પિતા નિવૃત્ત હતાં. પત્ની રીટા પણ સરળ સ્વભાવની હતી. કુદરતે ત્રણ ત્રણ વહાલસોયાં સંતાનો આપ્યા હતા. પરંતુ મનીષ સોલંકી પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલી વિગતો જોતા આર્થિક સંકડામણમાં માનસિક સંતુલન ગુમાવી બેઠો હશે. ગત શુક્રવારની મધરાત પૂર્વે મનીષે આખી ઘટનાને અંજામ આપવાનો નિર્ણય કર્યો હશે. પોલીસ તપાસની પ્રાથમિક વિગતો મુજબ મનીષે પરિવારની રસોઈમાં ઘાતક ઝેર ભેળવી દીધું હતું અને પોતે તમામનાં મોતની રાહ જોઈને બેઠો હતો. પ્રાથમિક અનુમાનમાં એવું પણ બહાર આવ્યું હતું કે, મનીષ સોલંકીએ પોતાની તરફડી રહેલી દીકરી અને માતાનું ગળું દબાવીને હત્યા કરી હતી!

સમગ્ર ઘટનાનું અનુમાન કરતા મનીષ સોલંકીએ પરિવારનાં છ-છ સભ્યો તરફડીને મોતને ભેટ્યાની ખાતરી કર્યા બાદ પોતે પંખા સાથે ગાળિયા બનાવીને લટકી ગયો હશે!

મનીષ સોલંકી એક એવું વ્યક્તિત્વ હતું કે, આ પરિવાર જે વિસ્તારમાં રહેતું હતું એ સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટનાં પરિવારો અને ફરતેનાં લોકોની કોઈ જ ફરિયાદ નહોતી. હંમેશા પોતાની કામગીરીમાં વ્યસ્ત રહેતાં મનીષ સોલંકીએ કોઈની સામે ઊંચા અવાજે વાત કરી હોય એવી એક પણ ઘટના બનવા પામી નહોતી. હમણાં નવરાત્રી દરમિયાન સમગ્ર આયોજન પોતાનાં હાથમાં લઈને લોકોને નવરાત્રી મહોત્સવનો આનંદ કરાવ્યો હતો અને એટલે જ એપાર્ટમેન્ટનાં પરિવારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈની પાસે બોલવા માટે શબ્દો નહોતા.

પરંતુ હકીકત એવી હતી કે, એક સજ્‍જન અને ખાનદાન પરિવારે સામૂહિક જીવનલીલા સંકેલી લીધી હતી. લોકો એવું કહેતા પણ સંભળાતા હતા કે, મનીષ સોલંકી કોઈ મુશ્કેલીમાં હતા તો અમને વાત કરી હોત તો કોઈ ચોક્કસ ઉકેલ લાવી શકાયો હોત, પરંતુ મનીષ સોલંકી મનના નબળા પુરવાર થયા હતા અને તેમની માનસિક નબળાઈએ એક નહીં પોતાના સહિત સાત-સાત જિં‍દગીનો જીવનદીપ બુઝાવી દીધો હતો.

માસૂમ ફૂલ જેવા બાળકોનાં મોત નિપજાવતા તેમનો જીવ કેમ ચાલ્યો હશે? વફાદાર પત્ની અને પ્રેમાળ માતા-પિતાનાં મોતનો મનીષ સોલંકીએ કંઈ રીતે વિચાર કર્યો હશે? પાંચ-પાંચ બહેનોનો એકનો એક ભાઈ સમગ્ર પરિવારનો કાળ કઈ રીતે બન્યો હશે? આવા અનેક સવાલ લોકો અને સગા-સંબંધીઓને કોરી રહ્યા છે.

કોરોનાકાળ પછી ચારે તરફ મંદીનો અજગરી ભરડો અને સરકારની વેપાર- ઉદ્યોગને ધમધમતા રાખવામાં ઘોર નિષ્ફળતા પણ આવા અનેક પરિવારને કમોતે મોતની ગોદમાં ધકેલી દીધા છે. સરકાર ભલે ચોવીસ કલાક વિકાસના નામે બણગા ફૂંકતી હોય, પરંતુ હકીકત એ છે કે, મધ્યમવર્ગી અને છેવાડાનાં પરિવારનું જીવન જીવવાનું દોહ્યલું બની ગયું છે. એક પણ પરિવારમાં ખુશાલી નથી. દિવાળીનાં તહેવારો ચાલી રહ્યાં છે, પરંતુ કોઈનાં ઘરમાં દીપાવલીનાં દીવાનો ખુશહાલ પ્રકાશ જોવા મળતો નથી. રોજ સવાર પડે છે, ક્યાંક ને ક્યાંક એકલદોકલ અને સામૂહિક આત્મહત્યાના બનાવો કાને સંભળાયા કરે છે. હવે તો પ્રચાર માધ્યમોએ આવા એકલદોકલ આપઘાતનાં બનાવોની નોંધ લેવાનું પણ બંધ કરી દીધું છે. અખબારના કોઈક ખૂણામાં આર્થિક કારણોસર આપઘાત કર્યાનાં બે લીટીનાં સમાચાર તરીકે સમાવેશ કરવામાં આવે છે.

એક હકીકત છે કે, સરકાર સંવેદનહીન બની રહી છે. સત્તાના રાજકારણમાં આવા અનેક લોકોનાં મોતની કોઈ જ ચિંતા નથી. હાલમાં હાર્ટએટેકથી મોતનાં બનાવોની હારમાળા છતાં સરકારી પ્રવક્તાઓ તપાસ કરવાને બદલે પોતાની ચામડી બચાવવાના પ્રયાસો કરતાં નજરે પડે છે.

વેપાર-ઉદ્યોગમાં મંદી આવે તેની કોઈ નવાઈ નથી. ભૂતકાળમાં પણ મંદી આવી હતી છતાં લોકોને મરવા સુધી મજબૂર બનવું પડે એટલી હદે સ્થિતિ તંગ બની નહોતી. સરકાર નહીં સ્વીકારે, પરંતુ હકીકત એ છે કે, વેપાર-ઉદ્યોગ ધમધમતા રાખીને લોકોને રોજગાર આપવા ઉપરાંત બજારમાં આર્થિક તરલતા રાખવામાં સરકાર ઘોર નિષ્ફળ રહી છે. સરકારને દર મહિને જીએસટીની કેટલી કમાણી થઈ તેમાં જ રસ છે અને કાયદાના દંડાના જોરે વસૂલ કરેલી આવકના આંકડાને દેશનાં વિકાસદર સાથે સરખાવવામાં આવી રહ્યો છે.

વળી સરકારમાં બેઠેલા રાજકીય પદાધિકારીઓ કરતાં સનદી અધિકારીઓની ખુશામતખોરી સરકારને નશામાં રાખવા સાથે દેશની પ્રજાને બેહાલીની ગર્તામાં ધકેલી રહી છે. આ તરફ ભયાનક આર્થિક તંગીને કારણે કારખાના-માલિકો, વેપારી સંસ્થાઓ ઇચ્છે તોપણ લોકો માટે મદદનો હાથ ફેલાવી શકતા નથી.

શાસકો અને દરબારીઓએ એક વાત સમજવાની જરૂર છે કે, ભારતનું સામાજિક જીવન એકબીજા ઉપર નિર્ભર છે અને એટલે જ કપરાકાળના દિવસોમાં પણ કોઈ ભૂખે મરતું નથી. પરંતુ બદલાયેલી રાજકીય માનસિકતા અને અમલદારોનાં રાજને કારણે ભારતીય સમાજજીવનની એકબીજાને મદદરૂપ થવાની ભાવનાઓ ક્રમશઃ મરી પરવારી છે અને એટલે જ મનીષ સોલંકી પરિવાર જેવા સામૂહિક આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને સરકાર અને દરબારીઓ હજુ પણ પોતાની માનસિકતા નહીં બદલે તો નિર્દોષ પરિવારોની સામૂહિક આત્મહત્યાઓની ઘટનાઓ રોજેરોજ બનતી રહેશે.

આ પણ વાંચો :-

૫૭ મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન
• સુરતમાં મિસ્ત્રી પરિવારના સાત સભ્યોની સામૂહિક આત્મહત્યા