ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશિયાટીક સિંહની વસ્તીમાં વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સિંહોના વસવાટ માટેનો વિસ્તારમાં પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી વધીને 891 સુધી પહોંચી ગઈ છે.
ગુજરાતમાં સિંહોની વસ્તી અને વિસ્તાર વધ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહ વસ્તી ગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સિંહ વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈને સિંહની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સિંહના વસવાટના વિસ્તારોમાં પણ નોંધ પાત્ર વધારો થયો છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી. વડા પ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં આ સિંહની ગણતરી હાથ ધરવામાં હતી. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી થઈ હતી. વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી કરાઇ હતી.
સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3-10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.
1936થી 2025 સુધી સિંહ ગણતરીના આંકડા
વર્ષ | સિંહની સંખ્યા |
1936 | 287 |
1950 | 219-279 વચ્ચે |
1955 | 290 |
1963 | 285 |
1968 | 177 |
1974 | 180 |
1985 | 204 |
1990 | 284 |
1995 | 304 |
2001 | 327 |
2005 | 359 |
2010 | 411 |
2015 | 519 |
2020 | 674 |
2025 | 891 |