Saturday, May 9, 2026

તમિલનાડુમાં અટક્યું ‘વિજય’નું CM સપનું! 116 ધારાસભ્યોના સમર્થનથી અટવાયું શપથગ્રહણ

2 Min Read

તમિલનાડુમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે વધુ એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યપાલ આર.વી. અર્લેકરના કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતા થી રાજકારણી બનેલા થલપતિ વિજયને મુખ્યમંત્રી પદની શપથવિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. કારણ કે તેઓ 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયે VCK, AMMK અને IUMLના એક ધારાસભ્ય સાથે TVKને સમર્થન આપવા માટે ચર્ચા કરી હતી, પરંતુ તેઓ જરૂરી સમર્થન મેળવી શક્યા નહોતા. હાલ સુધી તેમને બહુમતીથી બે ઓછા એટલે કે માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું જણાવાયું છે.

DMK અને AIADMK સાથે ગઠબંધનની અટકળો
અહેવાલો મુજબ, વિજય VCK અને IUML તરફથી મળેલા સમર્થન પત્ર રાજ્યપાલને સોંપી શક્યા નહોતા. ત્યારબાદ IUML અને AMMKએ પણ TVKના નેતૃત્વવાળા ગઠબંધનનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.

આ વચ્ચે AIADMK ભાજપના નેતૃત્વવાળા NDAથી અલગ થવાની શક્યતાઓ શોધી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ બની છે કે DMK સાથે સરકાર રચવા માટે રાજકીય સમજૂતી થઈ શકે છે.

આ તમામ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે જ્યારે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહેવાના કારણસર TVK પ્રમુખ વિજયની સરકાર બનાવવાની માંગ ફરી એકવાર ફગાવી દીધી.

જોકે TVKએ રાજ્યપાલના નિર્ણય બાદ દલીલ કરી હતી કે દેશમાં આવા ઘણા ઉદાહરણો છે જ્યાં સૌથી મોટી પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટીએ દાવો કર્યો કે તેમને વિધાનસભામાં પોતાની શક્તિ સાબિત કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.

પરંતુ હાલના તમામ રાજકીય ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે થલપતિ વિજયનું શપથગ્રહણ હવે શનિવારે શક્ય નહીં બને.

Share This Article