પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી રાજ્યના 9મા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદની શપથ લીધી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ શાસિત અને સમર્થિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. શુભેન્દુ અધિકારી એ ભાજપના એવા નેતા છે, જે ક્યારેક મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી ગણાતા હતા. તેમને મમતાનો જમણો હાથ માનવામાં આવતો હતો.
સમય જતાં બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. ચર્ચા એવી પણ થઈ કે મમતાથી શુભેન્દુ દૂર થવા પાછળ અભિષેક બેનર્જીની ભૂમિકા રહી હતી. ત્યારબાદ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં શુભેન્દુ અધિકારીએ અચાનક તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે શુભેન્દુ અધિકારીએ TMC છોડી, ત્યારે મમતા બેનર્જીએ તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે “મેં તો દૂધ-કેળા ખવડાવી ઝેરી સાપ ઉછેર્યો.” બીજી તરફ શુભેન્દુ અધિકારીએ મમતાને “ઝેરી નાગિન” કહી સંબોધ્યા હતા.
નંદીગ્રામ અને ભવાનીપુર સાથે ખાસ જોડાણ
શુભેન્દુ અધિકારી 2016થી 2020 સુધી પશ્ચિમ બંગાળની TMC સરકારમાં રાજ્ય મંત્રી તરીકે રહ્યા હતા. તેઓ 2016 અને 2021માં નંદીગ્રામથી અને હાલમાં 2026થી ભવાનીપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
તે પહેલાં તેઓ 2005માં કાંથી દક્ષિણ બેઠક પરથી તેમજ 2009 અને 2014માં તમલુક લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
પિતા શિશિર અધિકારી કોંગ્રેસના વફાદાર નેતા
શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળ સરકારમાં 2016થી 2020 દરમિયાન પરિવહન મંત્રી અને 2018થી 2020 દરમિયાન સિંચાઈ અને જળ સંસાધન મંત્રી રહ્યા હતા. તેઓ 2009થી 2016 સુધી તમલુકથી લોકસભા સાંસદ પણ રહ્યા હતા અને 2020થી 2021 દરમિયાન ઇન્ડિયન જ્યુટ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
તેઓ 1998થી 2020 સુધી તૃણમૂલ કોંગ્રેસમાં અને 1995થી 1998 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં રહ્યા હતા. શુભેન્દુ અધિકારી પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ શિશિર અધિકારીના પુત્ર છે, જે મનમોહન સિંહ સરકારમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.
બંગાળી બ્રાહ્મણ પરિવારથી આવે છે શુભેન્દુ અધિકારી
શુભેન્દુ અધિકારીનો જન્મ 15 ડિસેમ્બર 1970ના રોજ થયો હતો. તેઓ બંગાળી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમની માતાનું નામ ગાયત્રી અધિકારી હતું. તેમનો જન્મ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના કરકુલી ગામમાં થયો હતો.
તેમણે 2011માં રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. શુભેન્દુ અધિકારી અવિવાહિત છે.
રાજકારણમાં આવી રીતે થઈ એન્ટ્રી
શુભેન્દુ અધિકારી પ્રથમ વખત 1995માં કોંગ્રેસના ટિકિટ પર કાંથી નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. 2006માં તેઓ કાંથી દક્ષિણ બેઠક પરથી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પહોંચ્યા હતા. તે જ વર્ષે તેઓ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ પણ બન્યા.
2007માં તેમણે નંદીગ્રામમાં જમીન અધિગ્રહણ વિરોધી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ‘ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ સમિતિ’નું નેતૃત્વ સંભાળ્યું હતું. તે સમયે ડાબેરી મોરચાની સરકારે 10 હજાર એકર જમીન પર વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) બનાવવાની યોજના ઘડી હતી.
આ આંદોલને મમતા બેનર્જીને બંગાળની રાજનીતિના કેન્દ્રમાં લાવી દીધા હતા. રાજ્ય CIDએ આરોપ લગાવ્યો હતો કે શુભેન્દુ અધિકારીએ સરકાર વિરુદ્ધ સશસ્ત્ર આંદોલન માટે માઓવાદીઓને હથિયારો પહોંચાડ્યા હતા.
નંદીગ્રામમાં સફળતા બાદ મમતાએ તેમને ‘જંગલ મહલ’ વિસ્તાર — પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા અને બાંકુડા જિલ્લાઓની જવાબદારી સોંપી હતી. તેમણે આ વિસ્તારોમાં પાર્ટીનું જનાધાર મજબૂત બનાવ્યું.
2009માં તેઓ તમલુક લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે CPI(M)ના ઉમેદવાર લક્ષ્મણ સેઠને અંદાજે 1.73 લાખ મતોથી હરાવ્યા હતા.
ભાજપમાં આવી રીતે કર્યો પ્રવેશ
શુભેન્દુ અધિકારીએ 26 નવેમ્બર 2020ના રોજ હૂગલી રિવર બ્રિજ કમિશન (HRBC)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 27 નવેમ્બરે તેમણે પશ્ચિમ બંગાળના પરિવહન મંત્રી પદેથી પણ રાજીનામું આપ્યું.
16 ડિસેમ્બર 2020ના રોજ તેમણે વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું, જેને શરૂઆતમાં ટેકનિકલ કારણોસર સ્વીકારવામાં આવ્યું નહોતું, પરંતુ 21 ડિસેમ્બરે મંજૂર કરવામાં આવ્યું.
17 ડિસેમ્બરે તેમણે તૃણમૂલ કોંગ્રેસની પ્રાથમિક સભ્યતા છોડી દીધી અને 19 ડિસેમ્બર 2020ના રોજ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
મમતા બેનર્જીને પહેલીવાર હરાવ્યા
2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને 1,956 મતોથી હરાવ્યા હતા. મમતાએ આ પરિણામને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યું હતું.
ત્યારબાદ 10 મેના રોજ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે જાહેર કર્યા હતા.