Saturday, May 9, 2026

બંગાળમાં પીએમ મોદીનો અનોખો અંદાજ: જનતા સમક્ષ દંડવત પ્રણામ, વરિષ્ઠ કાર્યકર્તાના ચરણ સ્પર્શ કર્યા

2 Min Read

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ રવિવારે કોલકાતામાં નવી સરકારના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ શપથ લીધા. આ દરમિયાન શપથગ્રહણ સમારોહના મંચ પરથી એક ખાસ વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળની જનતા સમક્ષ દંડવત પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીએ મંચ પરથી બંને હાથ હલાવી જનતાનું અભિવાદન કર્યું અને ત્યારબાદ દંડવત થઈ પ્રણામ કર્યો. પીએમ મોદીને આવું કરતા જોઈ મંચ પર હાજર અનેક મોટા નેતાઓ અને દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મંચ પર સૌથી વરિષ્ઠ કાર્યકર્તાના ચરણ સ્પર્શ કર્યા
આ પછી પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળના ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંના એક માખનલાલ સરકારનો આશીર્વાદ લીધો. પીએમ મોદીએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને ત્યારબાદ તેમને ભેટી પડ્યા. પછી તેમને શોલ અર્પણ કરી સન્માનિત પણ કર્યા. આ દૃશ્ય જોઈ હાજર તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ જોરદાર તાળીઓ પાડી હતી.

ત્યારબાદ પીએમ મોદીએ મંચ પર હાજર અન્ય તમામ નેતાઓ સાથે પણ મુલાકાત કરી.

કોણ છે માખનલાલ સરકાર, જેમના પીએમ મોદીએ ચરણ સ્પર્શ કર્યા?
ભાજપ નેતા અમિત માલવીયએ પોતાના X એકાઉન્ટ પર માખનલાલ સરકાર વિશે માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું કે 98 વર્ષની ઉંમરે પણ માખનલાલ સરકાર સ્વતંત્રતા બાદના ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા શરૂઆતના જમિની સ્તરના નેતાઓમાંના એક છે.

1952માં તેઓ કાશ્મીરમાં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ભારતીય તિરંગો ફરકાવવાના આંદોલનમાં જોડાયા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

1980માં ભાજપની સ્થાપના બાદ તેઓ પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓના સંગઠનાત્મક સંકલનકાર બન્યા હતા. માત્ર એક વર્ષમાં તેમણે લગભગ 10 હજાર સભ્યોને પાર્ટી સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

1981થી તેમણે સતત સાત વર્ષ સુધી જિલ્લા અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તે સમય દરમિયાન આ એક અસાધારણ સિદ્ધિ માનવામાં આવતી હતી, કારણ કે સામાન્ય રીતે ભાજપના નેતાઓ એક જ સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય સુધી રહેતા નહોતા.

Share This Article