સુરતમાં વિદેશ જવાની ઘેલછામાં લોકો સાથે ઠગાઈ થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ રિંગ રોડ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી એક મહિલાએ વરાછાના યુવકને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા હતા. ઘટના ત્યારે વધુ નાટકીય બની ગઈ જ્યારે યુવકે પોતાના નાણાં પરત માંગતા મહિલા એજન્ટે પોલીસ અને ફરિયાદીને દબાણમાં લેવા માટે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતો એક યુવક વિદેશ જવા ઈચ્છતો હતો. આ દરમિયાન તે રિંગ રોડ પર આવેલા જે.કે. ટાવરમાં ચાલતી ‘પદ્માવતી ઇન્ટરનેશનલ’ નામની વિઝા ઓફિસના સંપર્કમાં આવ્યો હતો. ઓફિસ સંચાલક મહિલાએ યુવકને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી હતી અને પ્રક્રિયાના નામે ટુકડે-ટુકડે કરીને કુલ 8 લાખ રૂપિયા વસૂલ્યા હતા.
ત્યારબાદ મહિલાએ યુવકને વિઝા અને ટિકિટ આપી મુંબઈ એરપોર્ટ મોકલ્યો હતો. જોકે એરપોર્ટ પર તપાસ દરમિયાન અધિકારીઓને વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ થતાં યુવક ચોંકી ગયો અને સુરત પરત આવી મહિલા એજન્ટ પાસે પોતાના નાણાં પરત માંગવા પહોંચ્યો હતો.
આ દરમિયાન મહિલાએ પોતાનો ભાંડો ફૂટતા બચવા માટે ઓફિસમાં જ ફિનાઈલ પી લીધું હોવાનું નાટક કર્યું હતું. સમગ્ર ઘટનાથી ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકને ડરાવવા અને મામલો દબાવવા માટે આ હાઈવોલ્ટેજ ડ્રામો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
હાલ સમગ્ર મામલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી મહિલાએ આ જ રીતે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.