સુરતમાં ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી, પાંચ લોકો દાઝયા

Share this story

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મકાનમાં કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી.

પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું સુરતના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા મળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા લોકો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી હતી. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો :-