એક સ્ત્રી બીજી સ્ત્રીની હત્યા કરાવી શકે ? માની શકાય નહીં પરંતુ વલસાડની ઘટના જીવંત પુરાવો

Share this story

‘સોપારી’ આપીને ધંધાદારી હત્યારાઓ પાસે હત્યા કરાવવાની કોઈક ખૂંણામાં સ્ત્રીના મનમાં આકાર પામેલી ઘટનાને ઓળખવી જરૂરી

વલસાડની ગાયિકા વૈશાલી બલસારા અને બબીતા શર્મા બંને ગાઢ મિત્રો હતી અને છતાં બબીતાએ ‘સોપારી’ આપીને વૈશાલીની હત્યા કરાવી !

વૈશાલીએ મિત્રો હોવાના નાતે બબીતાને ૨૫ લાખની રકમ હાથ ઉછીની આપી હતી, બબીતા આ રકમ પરત કરી શકે તેમ નહોતી એટલે વૈશાલીની જ હત્યા કરાવી નાંખી !

વૈશાલીની હત્યાની ઘટનામાં સોશ્યિલ મીડિયાનું ભયાનક ‘ઉધાર’ પાસુ પણ સામે આવ્યું હતું, બબીતા ફેસબુક મિત્રોને વૈશાલીની હત્યાની સોશ્યિલ મીડિયા ઉપર જ સોપારી આપી હતી.

વેપાર, ધંધાની હરિફાઈમાં (Business competition) કે રાજકીય વેરની આગમાં કોઈની હત્યાનો સોદો કરીને હત્યા કરાવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. કાયદામાં આકરી જોગવાઈ હોવા છતાં ગુનેગારના (Criminal) મનમાં આકાર લઈ રહેલી ગુનાખોરીને નાથવાનું હજુ સુધી શક્ય બન્યુ નથી, પરંતુ કોઈ એક સ્ત્રીની બીજી સ્ત્રી ‘‘સોપારી’’ (Betel nut) આપીને હત્યા કરાવી શકે આવી ઘટનાઓ ભાગ્યે જ બનવા પામતી હશે. અનૈતિક સંબંધોમાં હત્યાઓની ઘટના અવારનવાર બનતી આવી છે, પરંતુ માત્ર રૂપિયાની લેવડ દેવડમાં એક સ્ત્રી આયોજનબદ્ધ બીજી સ્ત્રીની હત્યા (Murder of a woman) કરાવી શકે એવું માની શકાય નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં વલસાડમાં બનેલી ઘટનાએ પોલીસના પણ રૂવાડા ઊભા કરી દીધા હતા.

આખી ઘટના પાછળ માત્ર ૨૫ લાખની ઉછીની આપેલી રકમનો વિવાદ હતો. પરંતુ આ રકમ પરત ચૂકવવાનું અશક્ય લાગતા બબીતા શર્મા નામની મહિલાએ ધંધાદારી હત્યારાઓ સાથે સોદો (સોપારી) કરીને યુવાન અને હોનહાર ગાયિકા વૈશાલી બલસારાની ઠંડા કલેજે હત્યા કરાવી હતી ! કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે એક સ્ત્રી બીજી સ્ત્રીની માત્ર રૂપિયા નહીં આપવા માટે હત્યા કરાવી શકે. પરંતુ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતોએ ઘણું બધુ બેનકાબ કરવા સાથે નવ માસની સગર્ભા બબીતા શર્માને હત્યારીના પાંજરામાં ઊભી કરી દીધી હતી.
ગત તા.૨૮મી ઓગષ્ટની સવારે વલસાડ નજીકથી એક કારમાં વૈશાલી બલસારાની લાશ મળી આવી ત્યારે લોકોએ આખી ઘટનાને આપઘાતની ઘટના માની લીધી હતી. પોલીસે પણ નિયમ મુજબ લાશ અને કાર કબજે કરી વૈશાલી બલસારાની લાશ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિ.માં મોકલી આપી હતી.

અલબત્ત પોલીસ પણ હત્યાની થિયરી અંગે ગંભીર નહોતી, પરંતુ વૈશાલીની લાશનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ વૈશાલીએ આપઘાત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કરતાં પોલીસની પહેલી નજર ઘરકંકાસ તરફ ગઈ હતી, પરંતુ ઘરસંસારમાં સુખી અને સંપન્‍ન વૈશાલી બલસારાની હત્યાનો તાળો મેળવવા પોલીસે વૈશાલી બલસારાની આગલી રાતની પ્રવૃત્તિ જાણવાની દિશામાં પ્રયાસ કર્યો હતો. તબીબોએ હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુપ્રત કરતાં પોલીસે પણ હત્યાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો, પરંતુ વૈશાલીની ‘સોપારી’ આપીને એક સ્ત્રીએ જ હત્યા કરાવી હશે એવું પોલીસની કલ્પનાની પણ બહાર હતું.

ખેર, હત્યાના આગલા દિવસે વૈશાલી બલસારા તેની મહિલા મિત્ર બબીતા શર્માને ઊછીની આપેલી ૨૫ લાખની રકમ લેવા જઈ રહી હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. પોલીસ તપાસને દિશા આપવા માટે વૈશાલી બલસારાના છેલ્લાં શબ્દો પુરતા હતા અને ત્યારબાદ વલસાડ શહેર અને હાઈ-વે ઉપર લાગેલા સી.સી. કેમેરાના દૃશ્યો તપાસતા પોલીસને એક મહિલાની હરકત શંકાસ્પદ લાગી હતી. પરંતુ આ મહિલા નવ માસની સગર્ભા હતી! મતલબ કે આ મહિલા સામે શંકા કરી શકાય એવું કંઈ જ નહોતું. પરંતુ પોલીસ તપાસની દિશા આ સગર્ભા તરફ દોરી જતી હતી અને આખરે પોલીસની તપાસમાં જે કંઈ બહાર આવ્યું એ પોલીસની સમજની પણ બહાર હતું.

હત્યાનો ભોગ બનેલી વૈશાલી બલસારા જાણિતી ગાયિકા હતી. જ્યારે વૈશાલીની હત્યાની ‘સોપારી’ આપનાર બબીતા શર્મા ઘરેલુ વેપારી હોવા ઉપરાંત વૈશાલીની નજીકની મિત્ર હતી અને એટલે જ વૈશાલીએ ૨૫ લાખ જેવી મોટી રકમ બબીતા શર્માને ઉછીની આપી હતી. બસ આ ૨૫ લાખની રકમ આપવાની ઘટના જ ગોઝારી પુરવાર થઈ હતી. વૈશાલીને એ વાતની ખબર નહોતી કે, બબીતાને ૨૫ લાખની રકમ ઉછીની આપીને પોતાના મોતનો સોદો કરી રહી છે.

૨૫ લાખની રકમ આપ્યાના થોડા દિવસો બાદ નક્કી થયા પ્રમાણે વૈશાલીએ રૂપિયાની પરત માંગણી કરી હશે, પરંતુ મિત્ર હોવાના નાતે થોડા દિવસ વાયદા પણ થયા હશે. આ તરફ બબીતા શર્મા ૨૫ લાખની રકમ તત્કાળ પરત કરી શકવાની સ્થિતિમાં નહોતી. જ્યારે વૈશાલી સતત ઉઘરાણી કરી રહી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ વૈશાલીની સતત ઉઘરાણીથી કંટાળી ગયેલી અથવા કહો કે થાકી ગયેલી બબીતાના મનમાં ગુનાખોરીએ જન્મ લીધો હતો અને વૈશાલીનો કાંટો કાઢી નાંખવાનો ખતરનાક વિચાર આવ્યો હશે.

મનમાં ઘુમરાતા વિચારોનો અમલ કરવાનું નક્કી કરીને બબીતાએ ફેસબુક ઉપર મિત્ર બનેલા પંજાબના ટપોરીઓનો યંત્રવત સંપર્ક કર્યો હતો અને પોતાના ખતરનાક વિચારને પાર પાડવા ‘સોદો’ કર્યો હતો

અને એક દિવસ ધંધાદારી હત્યારાઓ અને બબીતાએ વૈશાલીની ઠંડા કલેજે હત્યા કરવાની ભયાનક યોજના પાર પાડી હતી. આયોજન મુજબ બબીતાએ વૈશાલીને થોડા રૂપિયા લેવા માટે બોલાવીને કાયમ માટે શાંત કરી દીધી હતી અને જાણે કંઈ જ બન્યું નથી એ રીતે પેટમાં ઉછરી રહેલ નવજાત બાળક સાથે ઘરે જઈને ઊંઘી ગઈ હતી!
વલસાડ પોલીસે ઝડપી પાડેલા પંજાબના ત્રિલોકસિંગ નામના ગુનેગારે કબૂલી લીધું હતું કે, વૈશાલી બલસારાની હત્યામાં સંડોવાયેલા ત્રણે ધંધાદારી હત્યારાએ એક બીજાના મિત્રો હોવા ઉપરાંત ઘણાં વર્ષોથી પરિચિત છે.

બબીતા શર્માએ વૈશાલી બલસારાની હત્યા કરવા માટે આઠ લાખમાં સોદો કર્યો હતો. બબીતાએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ‘સોપારી’ આપી હતી, વૈશાલીની હત્યાને અંજામ આપતા પહેલા હત્યારાઓ પંજાબથી સુરત આવ્યા હતા અને સુરતની હોટેલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે વલસાડ પહોંચ્યા હતા.

ત્રિલોકસિંગ નામના આરોપીએ પોલીસ સમક્ષ કરેલી પ્રાથમિક કબૂલાતમાં જણાવ્યું હતું કે, વૈશાલીની હત્યાનું સ્થળ નક્કી કરવા તેઓ બબીતા સાથે ફર્યા હતા અને આખરે વલસાડથી પારનેરા રોડ ઉપર આવેલા પશુ દવાખાના નજીકના તળાવ પાસેનું સ્થળ ફાઈનલ કરવામાં આવ્યું હતું અને નક્કી કરેલા ખતરનાક પ્લાન મુજબ બબીતા પાસે રૂપિયા લેવા આવેલી વૈશાલી બલસારા ફરી જીવતી પાછી ફરી નહોતી !

વલસાડ પોલીસની તપાસ પણ કાબીલેદાદ રહી હતી. કોઈ ક્રાઈમ થ્રીલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો એક એક તાર મેળવવા પોલીસે આઠ આઠ તપાસ ટીમ બનાવી હતી અને સૌપ્રથમ નવ માસની સગર્ભા બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ આખી ઘટનાનો તાળો મેળવી દીધો હતો. નવ માસની સગર્ભાને ધરપકડ કરવાનું પોલીસ માટે આસાન નહોતું. પરંતુ વૈશાલી બલસારાની હત્યાના ષડયંત્રની શરૂઆત બબીતાના દિમાગમાંથી શરૂ થઈ હતી.

અલબત્ત હજુ બે હત્યારાઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ કોર્ટના કઠેરામાં પણ આખી ઘટના પુરાવા સહિત રજુ કરવા પોલીસે પહેલા જ દિવસથી એક-એક મુદ્દાને વણી લીધો છે.

વલસાડના પોલીસવડા રાજદિપસિંહ ઝાલા ગુનેગારોને પારખવાની ગજબની શક્તિ ધરાવે છે. વૈશાલી બલસારા હત્યા કેસમાં પકડાયેલા ત્રિલોકસિંગ નામના ગુનેગારને બબીતા શર્માની સામે સામે બેસાડીને આખી ઘટનાના તાર મેળવ્યા હતા અને ત્રિલોકસિંગે પણ ઠંડા કલેજે વૈશાલી બલસારાની હત્યાની આખી ઘટનાને શબ્દસહ રજૂ કરી હતી. ત્રિલોકસિંગની એક એક કબૂલાતનો બબીતા ઈન્કાર કરી શકી નહોતી.

અલબત્ત તપાસનો દોર હજુ ખતમ થયો નથી. હજુ બે ગુનેગારો પકડવાના બાકી હોવા ઉપરાંત ગુનેગારોનું સુરતમાં રોકાણ ઉપરાંત ગુનેગારોનો ભૂતકાળ અને બબીતાના ભૂતકાળને પણ ઉકેલવા પોલીસવડા રાજદિપસિંહ ઝાલા અને તેમની ટીમ તપાસ કરી રહી છે.

આપણે ત્યાં કહેવત છે કે, ‘‘જર, જોરૂ અને જમીન ત્રણે કજીયાના છોરું’’ મતલબ આ ત્રણે માટે હત્યાઓ થવી નવાઈની વાત નથી. જમીન અને જોરૂ એટલે કે મહિલા માટે ધંધાદારી હત્યારાઓ સાથે સોદો કરીને હત્યા કરાવવામાં આવી હોવાની અસંખ્ય ઘટનાઓ બનવા પામી હશે અને બનતી પણ રહેશે, પરંતુ એક સ્ત્રી બીજી સ્ત્રીની ‘સોપારી’ આપીને હત્યા કરાવે ત્યારે ચોક્કસ આઘાત લાગે. સૌમ્ય, સહનશીલ અને શાંત ગણાતી સ્ત્રી બીજી સ્ત્રીની હત્યાના લોહીથી હાથ રંગી શકે એવું વલસાડની ઘટના પછી ઈન્કાર કરી શકાય તેમ નથી.

આ પણ વાંચો :-