Tuesday, Apr 28, 2026

ડિજિટલ અરેસ્ટ પર લગામ માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન: સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો રીપોર્ટ

3 Min Read

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડિજીટલ અરેસ્ટની ઘટનાઓ સતત બની રહી છે. અલગ અલગ માધ્યમો મારફતે સરકારના જાગૃતિ અભિયાનો છતાં લોકો ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. એવામાં સરકાર આવી ઘટનાઓ રોકવા સરકાર મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી તૈયાર કરી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ડિજિટલ એરેસ્ટ રોકવા માટે મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી રજૂ કરી છે. નવી સ્ટ્રેટેજી મુજબ તમામ એન્જસીઓ સાથે મળીને કામ કરશે. નવી સ્ટ્રેટેજી મુજબ બાયોમેટ્રિક સિમ વેરિફિકેશનથી માંડીને શંકાસ્પદ બેંક ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડ સુધીના પગલાં સૂચવવામાં આવ્યા છે.

વિબીધ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા બાદ સરકારે અહેવાલ રજુ કર્યો છે. સરકારે કોર્ટને વિનંતી કરી છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY), અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) સહિત મુખ્ય અધિકારીઓને સલામતીના પગલાંના એકસમાન અને સમયબદ્ધ અમલીકરણની ખાતરી કરવા માટે નિર્દેશો આપે.

કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા ભારતના એટર્ની જનરલે ભલામણો રજુ કરી હતી. સાયબર છેતરપિંડીમાં સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે ટેલિકોમ નિયંત્રણોને કડક બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ભલામણ કરી છે સિમ મેળવા રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ્યુનિકેશન્સ (યુઝર આઇડેન્ટિફિકેશન) નિયમો અને બાયોમેટ્રિક આઇડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમનું કડક અમલીકરણ કરાવવામાં આવે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આ માળખાનું કડક પાલન કરવા અને તેમના અમલીકરણમાં સહકાર આપવા સુચન કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં DoTના 31 ઓગસ્ટ, 2023ના પરિપત્ર અનુસાર, સિમ એક્ટિવેશન માટે પોઈન્ટ ઓફ સેલ (PoS) વેન્ડર્સ માટે મજબૂત ચકાસણી પદ્ધતિઓ લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ કૌભાંડો સહિત અન્ય સાયબર ક્રાઈમની ઘટના માટે ઉપયોગમાં લેવામાં આવતા શંકાસ્પદ સિમ કાર્ડને ઝડપી બ્લોક કરવાની ભલામણ કરવામાં આવી છે.

ટેલિકોમ ઓપરેટરો અને તેમના PoS એજન્ટોને સબસ્ક્રાઇબર એક્ટિવેશન વિગતો અને PoSનો રીઅલ-ટાઇમ ડેટા શેર કરીને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં સ્કાયપ જેવા વિડીયો કોલિંગ પ્લેટફોર્મ પર પ્રોટેક્ટીવ સર્વિસ તપાસ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, અને આવા પ્લેટફોર્મ પર કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ ID ને ઓળખવા અને બ્લોક કરવા માટે મિકેનિઝમ્સ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

WhatsApp ને ડિલીટ કરવામાં આવેલા એકાઉન્ટ્સનો ડેટા ઓછામાં ઓછા 180 દિવસ માટે સાચવવા અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સહયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સરકારે RBI ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડનું સુચન કરવામાં આવ્યું છે.

Share This Article