સુરતનાં બિલ્ડર સંજય મોવાલિયાએ ઘોર મંદીમાં બેંકનાં ૨૬૬ કરોડ ચૂકવીને દૂધેથી નાહી લીધું !

Share this story

Builder Sanjay Mowalia of Surat paid 266 crores

  • ગ્લેમરની દુનિયાનાં પ્રભાવથી ઘેરાયેલા સંજય મોવાલિયાએ ‘રાજહંસ’થી છેડો ફાડીને અલગ ચોકો ઉભો કરી અમેઝિયા વોટરપાર્ક શરૂ કરીને કરોડોનું રોકાણ કર્યું હતું, પરંતુ બેંકનાં રૂપિયા પરત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
  • નોટબંધી, જીએસટી અને કોરોનાને પગલે આર્થિક સંકટમાં ઘેરાતા બેંકે ડિફોલ્ટર જાહેર કરતાં આબરૂને મોટો ધબ્બો પહોંચ્યો હતો.
  • સુખેથી ધંધો કરતાં ગ્રીન ગ્રુપવાળા બિલ્ડર અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને ભેંસનાં શીંગડામાં પગ નાંખવા જેવો ઘાટ કર્યો હતો.
  • રૂપિયા ક્યાંથી લાવ્યા એ તો સંજય મોવાલિયા જ કહી શકે, પરંતુ બે તબક્કામાં બેંકનાં ૨૬૬ કરોડ રૂપિયા ચુકવીને મોટાભાગની મિલકતો બોજા મુક્ત કરાવી દઈ લોકોને વિચારતા કરી દીધા.

સુરતના ‘રાજહંસ’થી જાણીતા થયેલા પરંતુ ‘રાજ-હંસ’થી છુટા પડીને અલગ ચોકો ઊભો કરવાની લહાયમાં આર્થિક સંકટમાં ફસાયેલા સંજય મોવાલિયાએ (Sanjay Mowalia) આખરે ચારે તરફ આર્થિક કટોકટીના સમયમાં પણ બેંકના ૨૬૬ કરોડની લોન ચૂકતે કરીને પોતાની ‘શાખ’ ફરી પ્રસ્થાપિત કરી હતી. નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારી ઉપરાંત આખી દુનિયામાં મંદીને પગલે ભલભલી કંપનીઓને તાળા લાગી ગયા છે. ગુગલ, એમેઝોન, ફિલિપ્સ જેવી આંતરરા‌ષ્ટ્રિય અને ગંજાવર કંપનીઓની હાલત ડગમગી ગઇ છે. એવા સંજોગોમાં સંજય મોવાલિયા જેવા સેંકડો ઉદ્યોગકારો આર્થિક સંકટમાં ઘેરાઇ ચૂક્યા છે. ઘણી કંપનીઓએ તો નાદારી નોંધાવીને તાળા પણ મારી દીધા છે. આવા સંજોગોમાં કોઇ કંપની બેંકના ફડચામાં જાય કે ડિફોલ્ટર પુરવાર થાય તો નવાઇ પામવા જેવું નથી અને હવે લોકો પણ બેંક ડિફોલ્ટરની ઘટનાને ગંભીરતાથી લેતા નથી.

સંજય મોવાલિયા મુળભૂત રીતે રાજહંસ ગ્રુપ (દેસાઇ જૈન)ના ભાગીદાર હતા તથા સંજય મોવાલિયા અને જયેશ દેસાઇ વચ્ચે એક જ પરિવારના સભ્યો જેવા સંબંધો હતા. આજે પણ સંજય મોવાલિયા અને જયેશ દેસાઇની દોસ્તી અંકબંધ છે. બન્ને મિત્રોએ સાથે મળીને જ ‘રાજહંસ’ કંપનીની સ્થાપના કરી હતી અને પ્રારંભે સીંગતેલનો વેપાર કરતા હતા. વળી ‘રાજ-હંસ’ જેવા જ બન્‍ને  મિત્રો ગુણ ધરાવે છે. જયેશ દેસાઇ ‘રાજ’ ઘરાના જેવો ઠાઠમાઠ ધરાવે છે. તો સંજય મોવાલિયા ‘હંસ’ જેવો ઠાઠમાઠ ધરાવે છે. પરંતુ કોઇક કમનસીબ પળે બન્ને મિત્રોને અલગ પાડી દીધા હતા અને સંજય મોવાલિયા ચારે તરફ છવાઇ જવાની દોડમાં ‘ગ્લેમર’ની દુનિયામાં સરકી ગયા હતા અને આંતરરાષ્ટ્રીયકક્ષાનો ‘‘એમ્યુઝમેન્ટ પાર્ક’’ બનાવવાની ઘેલછામાં ક્રમશઃ આર્થિક સંકટમાં ઘેરાતા ગયા હતા અને આ અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક જ બન્‍ને મિત્રો વચ્ચે તિરાડ બનીને ઊભો રહી ગયો હતો.

સ્વભાવે ‘રાજા’ પરંતુ આફતને ઓળખી જવામાં ચાણક્ય ગણાતા જયેશ દેસાઇએ પોતાની જાતને કિનારે કરી દીધી હતી અને સંજય મોવાલિયા સાથેના ‘રાજહંસ’ ગ્રુપમાંથી છુટા પડીને પોતાની અસલી ઓળખ જાળવી રાખવા સાથે ભાગીદાર શીવલાલ જૈન પોખરણા સાથે રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપની અલગથી સ્થાપના કરી હતી.

આ તરફ સંજય મોવાલિયાએ સુરતના હોનહાર અને ઝનુનથી ભરેલા ગ્રીનગ્રુપવાળા અલ્પેશ કોટડિયાને ભાગીદાર બનાવીને ‘‘રાજગ્રીન’’ નામના ગ્રુપની રચના કરી હતી. પરંતુ લાંબી ઉડાન ભરવા નીકળેલા સંજય મોવાલિયાની દોડ ટુંકી પડી હતી. બેંકોએ છુટથી ધિરાણ આપ્યું હોવાથી એકાઉન્ટમાં રૂપિયા હતા ત્યાં સુધી બધું ધમધોકાર ચાલ્યું હતું પરંતુ નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીને પગલે આવકના સાધનો બંધ થઇ ગયા હતા અને ખર્ચના દરવાજા ખુલ્યા હતા.

સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાનું ‘‘રાજગ્રીન’’ ગ્રુપ ક્રમશઃ બેંકના અજગર ભરડામાં ઘેરાતું ગયું હતું. સંજય મોવાલિયાએ જયેશ દેસાઇનો હાથ છોડીને ‘મહાભુલ’ કરી હતી જ. આ તરફ નિરાંતનો રોટલો રળી ખાતા અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને સામે ચાલીને ‘ભેંસના શીંગડામાં પગ નાંખવા જેવી હાલત ઊભી કરી હતી’, પરંતુ ચારે તરફથી આર્થિક સંકટમાં ઘેરાઇ ગયેલા ‘‘રાજગ્રીન’’ ગ્રુપમાંથી તાત્કાલિક છુટા પડવાનું પણ શક્ય ન હોતું. બીજી તરફ બેંકોનો નોટીસ વહેવાર અને કાયદાકીય પગલા ભરવાની ચીમકીનો દોર શરૂ થયો હતો અને બેંકે જ્યારે પ્રથમ વખત ‘‘રાજગ્રીન’’ ગ્રુપને ડિફોલ્ટર જાહેર કરવા સાથે જાહેર નોટીસો પ્રસિધ્ધ કરી એ દિવસે સુરતના ઉદ્યોગજગતમાં ગંભીર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

શહેરભરના લોકોના મોઢે અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ચર્ચાના કેન્દ્રમાં હતા. વળી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્કનું ઉદ્દઘાટન એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હોવાથી વડાપ્રધાન મોદી પણ ચર્ચાનો વિષય બન્યા હતા.

પરંતુ સમયે કરવટ બદલી હતી ચારે તરફ ભયાનક આર્થિક સંકટ હતું જ તેમ છતાં સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાએ પ્રથમ તબક્કાના ૧૭૦ કરોડ જેવી માતબર રકમ બેંકને ચુકવી દઇને પોતાની આબરૂ જાળવી રાખી હતી. અલબત્ત આ ૧૭૦ કરોડની રકમ ક્યાંથી અને કેવી રીતે મેળવી હશે એ માત્ર સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા જ કહી શકે પરંતુ આ ૧૭૦થી કામ પતે તેમ નહોતું. હજુ પુરા ૧૦૦ કરોડ ભરવાના બાકી હતા. પરંતુ હવે કસોટી સંજય મોવાલિયાની હતી. બાકીની લોન સંજય મોવાલિયાની ‘‘રાજહંસ ઇન્ફ્રા’ કંપનીએ ચૂકવવાની હતી મતલબ કે હવે સંજય મોવાલિયાએ એકલા હાથે લડવાનંુ હતું પરંતુ તેમને વિશ્વાસ હતો કે તેઓ બાકી ૧૦૦ કરોડની વ્યવસ્થા કરવામાં સફળ પુરવાર થશે અને આખરે બેંક ઓફ બરોડાના બાકી ૧૦૦ કરોડ પેટે સમાધાન કરીને ૯૬ કરોડની જંગી રકમ ચૂકવી દઇને તમામ મિલકતો બેંકના બોજામાંથી મુક્ત કરાવી દીધી હતી.

સંજય મોવાલિયાએ આજે જાન્યુઆરી ૨૦૨૩ના છેલ્લા દિવસે બેંક ઓફ બરોડામાંથી ‘‘નો ડ્યુ’’ સર્ટીફીકેટ મેળવી લઇને સુરતના બજારમાં ટીકાકારોના મોઢે તાળા મારી દીધા હતા. હવે આવનારા દિવસોમાં સંજય મોવાલિયા જાહેર કાર્યક્રમોમાં ફરી માથું ઊંચું રાખીને આગલી હરોળમાં બેસતા થઇ જશે એ દિવસો દુર રહ્યા નથી.

સમગ્ર ઘટનાક્રમ જોવામાં આવે તો સગા ભાઇ જેવો સંબંધ ધરાવતા અને એકબીજાનો પડછાયો ગણાતા જયેશ દેસાઇ અને સંજય મોવાલિયાની ધંધામાં જુદા પડવાની ઘટના સૌથી મોટી કમનસીબ ઘટના હતી. કદાચ તેઓ સાથે રહ્યા હોત તો આજની ઘટના જ સાકાર થવા પામી ન હોત અને સંજય મોવાલિયાની શાખ પણ જયેશ દેસાઇની સાથે આકાશને આંબતી હોત.

જ્યારે અલ્પેશ કોટડિયાએ પણ કમનસીબ પળે. સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને આર્થિક નુકસાની વેઠવી પડી હતી.

સદનસીબે આજે પણ જયેશ દેસાઇ, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ત્રણે ખૂબ જ સારા મિત્રો છે. થોડા દિવસ પહેલા જયેશ દેસાઇના ભાઇની દિકરી ‘‘મોસમ’’ના  અભૂતપૂર્વ લગ્ન સમારોહમાં ત્રણ મિત્રો હાથમાં હાથ મિલાવીને સાથે જ ઊભા હતા. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં જયેશ દેસાઇ અને સંજય મોવાલિયા એક જ ટેબલ ઉપર બેસીને આ જ સુરત શહેરમાં સાથે વેપાર, ધંધા કરતા હોય જે ‘કમનસીબ’ પળ છુટા પાડી શકે એ જ સમયચક્રની ‘સુખદ’ પળ ફરી ભેગા પણ કરી શકે.

આ પણ વાંચો :-