નવસારીમાં કાળ બનીને તૂટી બાલ્કની, ૪૦ વર્ષની મહિલાનું મોત

Share this story

નવસારીમાં કોમ્પલેક્ષની બાલ્કની એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા માળે એક મહિલા ઊભી હતી. જોકે આ જર્જરિત કોમ્પલેક્ષની બાલ્કની તૂટતાં મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નોંધનિય છે કે, નવસારી પાલિકા જર્જરિત બિલ્ડિંગો અને કોમ્પલેક્ષને માત્ર નોટિસ આપીને જ સંતોષ માની રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નવસારી શહેરના વોર્ડ નં.4માં કમેલા રોડ પર આવેલ જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બની ત્યાં ૪૦ વર્ષીય રઈસાબાનુ રાઈન પહેલા માળે હાજર હતા. આ દરમિયાન બાલ્કની તૂટતાં પહેલા માળેથી નીચે પટકાયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

નવસારીમાં બાલ્કનીમાં ઉભેલી મહીલા નીચે પટકાતા મોત નિપજ્યાં બાદ હવે સામે આવ્યું છે કે, કોમ્પલેક્ષની ચારેય ઇમારતોને અગાઉ પાલીકાએ નોટીસ આપી હતી. જર્જરીત હોવાથી પાલિકા દ્વારા સમારકામની નોટીસ અપાઈ હતી. આ તરફ હવે ઘટના બાદ પાલિકાએ બિલ્ડીંગ ખાલી કરાવવાનું શરુ કર્યું છે. પણ નગરજનોમાં ચર્ચા છે કે, પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે. અગાઉ જર્જરીત થયેલી બે ઈમારતોને તોડી પડાઇ હતી. તો હજુ પણ જર્જરિત બે ઇમારતોમાં લોકો રહે છે. જો હજી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો નવસારીમાં ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :-