મહારાષ્ટ્રના બદલાપુરમાં 4 વર્ષની બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. લોકોનો રોષ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. બદલાપુરમાં ગઈકાલથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી મહાવિકાસ અઘાડીએ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આજે ભારત બંધના એલાન વચ્ચે મહારાષ્ટ્ર બંધના એલાનથી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. પોલીસે હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. સાથે જ 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મંગળવારે આ ઘટના જાહેર થતાં હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. જ્યારે 30 લોકલ ટ્રેનો આંશિક રૂપે રદ કરવામાં આવી હતી. બદલાપુરમાં પ્રદર્શન હિંસક બન્યું હતું, રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. બદલાપુર રેલવે સ્ટેશન નજીક એક બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે નવ કલાક બાદ લાઠીચાર્જ કરી રેલવે સ્ટેશન ખાલી કરાવતાં વિરોધ પ્રદર્શન શમ્યું હતું.
પીડિત બાળકીઓના માતા-પિતાએ આરોપ મૂક્યો હતો કે, પોલીસે તેમની ફરિયાદ 12 કલાક બાદ નોંધી હતી. તેમજ બાળકીઓના નિવેદન લેવા શાળાએ આવનારી પોલીસે વાલીઓને ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. સુત્રો અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. માતા-પિતાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી કે, બાળકીઓના ટોયલેટની સફાઈ માટે મહિલા કર્મચારીને કેમ રાખતા નથી. સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટના બદલ પ્રિન્સિપલ, એક ક્લાસ ટીચર અને એક મહિલા અટેન્ડેન્ટને હાંકી કાઢ્યા હતા. આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદ 1 ઓગસ્ટથી કોન્ટ્રાક્ટ આધારે નોકરી કરતો હતો.
આ પણ વાંચો :-