વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. આ સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર પણ વાતચીત થઈ હતી.
પીએમ મોદીએ યુક્રેન પ્રવાસેથી આવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ અંગે પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમણે આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મારી હાલની યુક્રેનની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ. રશિયા યુક્રેન યુદ્ધના કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
આ પહેલા સોમવારે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે પણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને જો બાઈડેને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું નથી. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માત્ર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
23 ઓગસ્ટના રોજ પીએમ મોદીની મુલાકાત રાજદ્વારી સંતુલન કાર્ય તરીકે જોવામાં આવી હતી કારણ કે ગયા મહિને રશિયામાં જઈને રાષ્ટ્રપતિ પુતિનને મળવાના તેમના પગલાની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી અને પશ્ચિમી દેશોને તે પસંદ ન હતું. આ દરમિયાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ સાથે બેસીને આ યુદ્ધનો અંત લાવવો જોઈએ અને ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો :-