Home Blog

ગુજરાતમાં સૌપ્રથમવાર ક્યાં અને કઈ તારીખે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ?

ગુજરાત માટે ગૌરવની સાથે દેશના સિનેમા જગત માટે પણ 22 સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પહેલીવાર નવી દિલ્હીની બહાર ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 72 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સમારોહ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 1954માં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો. હવે કેવડિયાની પસંદગીથી ગુજરાતને દેશના સાંસ્કૃતિક અને સિનેમા નકશા પર મહત્વનું સ્થાન મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સમારોહમાં 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. આશરે 75 મિનિટના કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવાની તૈયારી છે. અહીં લગભગ 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સાથે કાર્યક્રમની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કાર્યક્રમને લઈને સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન અને સ્થળ વ્યવસ્થા અંગે જિલ્લા સ્તરે તૈયારીઓ ચાલી રહી છે.

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત 18 જુલાઈએ થઈ હતી. ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી અને મમ્મૂટી તથા કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. રણદીપ હુડાને ‘Swatantrya Veer Savarkar’ માટે શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.

કેવડિયામાં યોજાનારો આ સમારોહ નર્મદા જિલ્લાના પ્રવાસન તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ માટે પણ વિશેષ મહત્વ ધરાવશે.

VIDEO: જ્યાં લોકો નજર ફેરવી લેતા હતા, ત્યાં યુવક ઉતરી પડ્યો; જાણો ‘બિટ્ટુ તબાહી’ની કહાની

0

નદીમાં તરતું પ્લાસ્ટિક જોઈને મોટાભાગના લોકો નાક-મોઢું ઢાંકી આગળ વધી જાય, પરંતુ મધ્યપ્રદેશના એક 20 વર્ષીય યુવાને ગંદકી જોઈને રસ્તો બદલવાને બદલે પોતે જ નદીમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. રાજગઢ જિલ્લાના બિયાવરાના B.Sc. વિદ્યાર્થી સુરેન્દ્ર સિંહ ચૌધરી, સોશિયલ મીડિયા પર ‘બિટ્ટુ તબાહી’ તરીકે જાણીતા છે. અજનાર નદીની સફાઈ માટે શરૂ કરેલા તેમના અભિયાનની હવે દેશભરમાં ચર્ચા થઈ રહી છે અને નેધરલેન્ડની જાણીતી પર્યાવરણ સંસ્થા The Ocean Cleanup તરફથી તેમને કામ સાથે જોડાવાનું આમંત્રણ પણ મળ્યું છે.

અહેવાલો અનુસાર બિટ્ટુએ 26 જાન્યુઆરી 2026થી અજનાર નદીના પ્રદૂષિત હિસ્સાની સફાઈ શરૂ કરી હતી. નદીમાં જમા થયેલું પ્લાસ્ટિક, બોટલો, શેવાળ અને અન્ય કચરો તે પોતાના હાથથી બહાર કાઢતો હતો. તેની શરૂઆત કોઈ મોટા બજેટ કે ભારે મશીનરીથી નહોતી થઈ. સામાન્ય સાધનો અને પોતાના સમય-મહેનતના આધારે તેઓ સતત કામ કરતો રહ્યો હતો.

બિટ્ટુએ સફાઈ દરમિયાન નદીની ‘પહેલાં અને પછીની’ તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતો. આ પોસ્ટ્સ વાયરલ થતાં તેમના કામે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહિત અનેક લોકોએ તેના પ્રયાસની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ બિટ્ટુની મુલાકાત લઈને તેમના પ્રયાસને બિરદાવ્યો હતો.

મળેલી સૌથી મોટી માન્યતા જોકે વિદેશથી આવી. The Ocean Cleanupના સ્થાપક અને CEO બોયાન સ્લેટે બિટ્ટુના કામ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં તેને પોતાની સંસ્થા સાથે કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસ્તાવ બાદ બિટ્ટુનું સ્થાનિક સ્તરે શરૂ થયેલું અભિયાન આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવી ગયું છે.

બિટ્ટુની કહાનીનો સૌથી મોટો સંદેશ એ છે કે બદલાવ માટે હંમેશા મોટી સંસ્થા, મોટું બજેટ કે મોટી ટીમની જરૂર પડે એવું નથી. પરંતુ તેમની કામગીરી સામે સ્થાનિક સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. એક વ્યક્તિએ સમસ્યા જોઈને શરૂઆત કરી, હવે સવાલ એ છે કે આ પ્રયાસને લાંબા ગાળાની વ્યવસ્થામાં કોણ ફેરવશે?

સુરત: iPhone-SSD બદલી ડિલિવરી થતો હતો ડમી સામાન! ઓનલાઇન મોંઘી વસ્તુ ખરીદતા પહેલા જાણો આ ખબર

જો તમે ઓનલાઈન શોપિંગમાં મોંઘો iPhone કે SSD મંગાવ્યો હોય તો આ ઘટના જાણ્યા પછી રહેજો સાવધાન. સુરતમાં Amazonની ડિલિવરી સાથે જોડાયેલા કર્મચારીઓ પર અસલી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કાઢી તેની જગ્યાએ ડમી વસ્તુ મૂકીને પાર્સલ આગળ મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પાલ પોલીસે આ કેસમાં પાંચ લોકોને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કથિત કૌભાંડમાં રૂ.8.82 લાખની કિંમતના મોંઘા ઇલેક્ટ્રોનિક સામાન સાથે ચેડાં થયા હોવાનું સામે આવ્યું છે.

FIR મુજબ મુખ્ય આરોપી જય વિરાશ ઇન્ટેક્સ ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રા.લિ. મારફતે Amazonના પાર્સલની ડિલિવરી કરતો હતો. 20 ઓગસ્ટે પાલ વિસ્તારમાં આવેલા Amazon વેરહાઉસમાંથી શંકાસ્પદ માહિતી મળ્યા બાદ કંપનીએ CCTV ફૂટેજ અને તેના દ્વારા સંભાળવામાં આવેલા કન્સાઇનમેન્ટની તપાસ કરી હતી. તપાસ દરમિયાન Samsung Galaxy Fold 8 Ultra 5Gમાંથી અસલી ફોન કાઢીને ડમી હેન્ડસેટ મૂકાયો હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો.

ત્યારબાદ બે SanDisk Extreme 8TB Portable SSD અને Apple iPhone 17 Pro 1TB સહિત અન્ય કન્સાઇનમેન્ટમાં પણ ગેરરીતિ મળી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 2 સપ્ટેમ્બરે iPhone 17 Pro Max 256GB ડિલિવરી માટે લઈ જવાયો હતો, પરંતુ OTP કન્ફર્મેશન ન મળ્યું અને પાર્સલ પરત આવ્યું ન હોવાનું પણ FIRમાં નોંધાયું છે.

પોલીસે જય વિરાશ ઉપરાંત નિરજ કુશવાહા, વિવેક ખાટિક, વિકાસ ખાટિક અને નિખિલ મોરાડિયાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન iPhone 17 Pro અને SanDisk SSD સહિત રૂ.3.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયાનો અન્ય અહેવાલોમાં ઉલ્લેખ છે. પોલીસે વધુ કેટલા પાર્સલ સાથે ચેડાં થયા હતા અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

સ્વચ્છ વાયુ સર્વે 2026: ગુજરાતના 4 શહેરોની ધમાકેદાર એન્ટ્રી, સુરતને દેશભરમાં કેટલમો રેન્ક મળ્યો?

0

હવાની ગુણવત્તા માટે વારંવાર ચર્ચામાં રહેતા મોટા શહેરોમાંથી ગુજરાતે આ વખતે પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026ના પરિણામોમાં સુરત દેશના ટોચના શહેરોમાં પાંચમા ક્રમે પહોંચ્યું છે, જ્યારે રાજકોટ, અમદાવાદ અને વડોદરાએ પણ રાષ્ટ્રીય સ્તરે ટોપ-15માં સ્થાન મેળવી ગુજરાત માટે ગૌરવ વધાર્યું છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરી-1માં ઉત્તર પ્રદેશનું લખનૌ 198ના સ્કોર સાથે પ્રથમ રહ્યું છે. મધ્ય પ્રદેશનું ઇન્દોર 197 સાથે બીજા અને જબલપુર 195 સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભોપાલ અને આગ્રા 192ના સ્કોર સાથે સંયુક્ત ચોથા ક્રમે રહ્યા છે. સુરત 191ના સ્કોર સાથે પાંચમા ક્રમે રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો રાજકોટ 187ના સ્કોર સાથે સાતમા ક્રમે, જ્યારે અમદાવાદ 186ના સ્કોર સાથે આઠમા ક્રમે રહ્યું છે. વડોદરાએ 179ના સ્કોર સાથે ટોપ-15માં સ્થાન મેળવ્યું છે. આમ, ગુજરાતના ચાર મોટા શહેરોએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કર્યો છે.

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હેઠળ શહેરોમાં રોડ ડસ્ટ, વાહન અને ઔદ્યોગિક ઉત્સર્જન, કચરો કે બાયોમાસ સળગાવવાથી થતું પ્રદૂષણ, બાંધકામની ધૂળ તેમજ PM10માં સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે.

આ પરિણામો દર્શાવે છે કે ગુજરાતના મોટા શહેરોમાં હવા પ્રદૂષણ ઘટાડવા અને શહેરી પર્યાવરણ સુધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે.

સંજય દત્તે મરાઠી ભાષા અંગે એવું શું કહ્યું કે મચ્યો વિવાદ? ભાજપના ધારાસભ્ય નારાજ, શિવસેનાના મંત્રી પણ ઘેરાયા

0

મંચ પર મજાકમાં બોલાયેલું એક વાક્ય હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મરાઠીમાં બોલવાની વિનંતીનો જવાબ આપતાં યેરવડા જેલમાં વિતાવેલા છ વર્ષનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ પરિવહન મંત્રી પ્રતિાપ સરનાઈકને જ સવાલોના ઘેરામાં લઈ લીધા છે.

મુંબઈમાં યોજાયેલા દહી-હાંડી કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતિાપ સરનાઈકે સંજય દત્તને મરાઠીમાં બોલવા કહ્યું હતું. તેના જવાબમાં સંજય દત્તે હળવા અંદાજમાં કહ્યું કે તેઓ છ વર્ષ યેરવડા જેલમાં રહ્યા હતા, છતાં મરાઠી શીખી શક્યા નહોતા. તેમણે થોડું મરાઠી શીખ્યા હોવાનું પણ જણાવ્યું. આ દરમિયાન મંચ પર બંને વચ્ચે હાસ્ય-મજાકનો માહોલ જોવા મળ્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક લોકોએ તેને માત્ર સંજય દત્તની રમૂજી ટિપ્પણી ગણાવી, જ્યારે કેટલાકે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલી નીતિઓના સંદર્ભમાં સવાલો ઉઠાવ્યા હતા.

ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ જ મુદ્દે પ્રતિાપ સરનાઈક પર નિશાન સાધ્યું હતું. તેમનો સવાલ હતો કે જો કોઈ કલાકાર મરાઠી આવડતી ન હોવાનું કહે ત્યારે હસવામાં આવે છે, તો સામાન્ય રિક્ષાચાલકોને મરાઠી મુદ્દે દબાણ કેમ કરવામાં આવે છે? મહેતાએ તેને ‘કયો ન્યાય?’ એવો સવાલ ગણાવ્યો અને સરનાઈકની કથની-કરણીમાં તફાવત હોવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠીની કાર્યકારી જાણકારી ફરજિયાત બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઓગસ્ટમાં સરકારે ડ્રાઈવરોને મરાઠી શીખવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાએ ભાષા, રોજગાર અને રાજકારણ—ત્રણે મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

તાપીના વીર જવાનને અંતિમ સલામી: J&Kમાં ફરજ દરમિયાન શહીદ રિત્વિક ચૌધરીને હજારો લોકોએ આપી વિદાય

0

જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા તાપીના જવાન રિત્વિક કુમાર અશોકભાઈ ચૌધરીના નિધનના સમાચારથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 26 વર્ષીય લાન્સ નાયક રિત્વિક ચૌધરી 57 ફીલ્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા અને જમ્મુ-કાશ્મીરની ફોરવર્ડ પોસ્ટ પર ડ્યૂટી દરમિયાન અકસ્માતે નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને વતન ઉખલદા લાવવામાં આવતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

રિત્વિક ચૌધરીના સન્માનમાં વ્યારાથી ઉખલદા સુધી ‘વીરાંજલિ યાત્રા’ યોજાઈ હતી. પૂર્વ સૈનિકો અને અર્ધલશ્કરી સંગઠનો દ્વારા આયોજિત આ યાત્રામાં તેમના પાર્થિવ દેહને સજાવટ કરાયેલા સૈન્ય વાહનમાં લઈ જવાયો હતો. વ્યારાના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ‘ભારત માતા કી જય’ તથા ‘રિત્વિક ચૌધરી અમર રહો’ના નારા લગાવી વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

યાત્રા ધનજાબા થઈ ઉખલદા ખાતે રિત્વિકના નિવાસસ્થાને પહોંચી હતી. અહીં હાજર સેનાના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો અને ગન સલામી સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો અને સુરક્ષા જવાનોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ રાષ્ટ્રીય તથા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તાપીની ધરતી પર વીર જવાનને આપવામાં આવેલી આ અંતિમ વિદાયે સૌની આંખો ભીની કરી દીધી હતી.

VIDEO:‘બિલ્ડિંગ પડી જશે શું?’ 18 વર્ષીય સનાનો ડરાવનારો મજાક સાચો સાબિત થયો; મિત્રોની હાલત જોઈને કંપી ઊઠી રુહ

0

“બિલ્ડિંગ પડી જશે શું?” મિત્રો સાથે મજાકમાં કહેવાયેલી 18 વર્ષના સના વર્શની આ વાત થોડા જ કલાકોમાં ભયાનક હકીકતમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ નળમાં પાણી ન આવતાં રૂમમાંથી માત્ર 15 મિનિટ પહેલાં બહાર નીકળી જવાનો નિર્ણય સના માટે જીવનદાન બની ગયો હતો. તેની પાછળ જ દિલ્હીના સત્ય નિકેતનની પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ અને અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતો.

દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતન વિસ્તારમાં ગઈ કાલે બપોરે આશરે 1:30 વાગ્યે પાંચ માળની જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે PG તરીકે થતો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયા છે, જ્યારે બચાવ ટીમોએ અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ જોડાઈ હતી.

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના ફાલાકાટાનો રહેવાસી સના વર્શ મોતીલાલ નેહરુ કોલેજમાં BA પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે બિલ્ડિંગની ત્રીજા માળે રહેતો હતો. સનાના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે ઊંઘમાંથી જાગ્યા બાદ તેના રૂમના નળમાં પાણી આવતું નહોતું. ફ્રેશ થવા માટે તે નજીક રહેતા મિત્રના રૂમમાં જતો રહ્યો હતો. માત્ર 15 મિનિટ બાદ તેની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.

સનાએ જણાવ્યું કે બિલ્ડિંગ જૂની હતી અને તેના રૂમ સુધી પહોંચતી સીડીઓ સાંકડી, જર્જરિત અને ભેજવાળી હતી. તે મિત્રો સાથે મજાકમાં કહેતો કે એક દિવસ આ સીડીઓ પરથી પડીને તેનું મોત થશે. પરંતુ તેને ક્યારેય ખ્યાલ નહોતો કે બિલ્ડિંગ ધરાશાયી થવાનો ભય સાચો સાબિત થશે.

સના દર મહિને આશરે ₹12,000 ભાડું ચૂકવતો હતો. અકસ્માતમાં તેનો લેપટોપ, કપડાં અને મહત્વના દસ્તાવેજો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેના બે મિત્રો હજુ AIIMSમાં સારવાર હેઠળ હોવાનું તેણે જણાવ્યું છે.

દરમિયાન, પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા કામ, પાણી ભરાવા અને જૂની સ્ટ્રક્ચરલ સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. જોકે ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ટ્રમ્પના ચિત્રવાળો $1નો સિક્કો કલાકોમાં જ ‘આઉટ ઓફ સ્ટોક’, જાણો કેમ મચી આટલી ધૂમ

અમેરિકામાં એક એવો $1નો સિક્કો સામે આવ્યો જેને લઈને સામાન્ય લોકો કરતાં વધુ ચર્ચા તેની પાછળની રાજકીય અને ઐતિહાસિક બાબતોને લઈને થઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચિત્રવાળો આ ખાસ સિક્કો 2 સપ્ટેમ્બર 2026ના રોજ અમેરિકન મિન્ટે વેચાણ માટે મૂક્યો અને થોડા જ કલાકોમાં તેની માંગ એટલી વધી કે વેબસાઇટ પર સિક્કો બેકઓર્ડર/આઉટ-ઓફ-સ્ટોક સ્થિતિમાં પહોંચી ગયો હતો. મિન્ટે વધુ સિક્કા ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.

આ સિક્કો અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી હેઠળ તૈયાર કરાયો છે. સિક્કાની આગળની બાજુએ ટ્રમ્પનું ચિત્ર છે, સાથે “LIBERTY”, “IN GOD WE TRUST” અને “1776 ~ 2026” લખેલું છે. પાછળની બાજુએ અમેરિકાનો પ્રેસિડેન્શિયલ સીલ અને “250” દર્શાવવામાં આવ્યું છે.

U.S. Mintએ 25 સિક્કાના રોલની કિંમત 61 ડોલર અને 100 સિક્કાની બેગની કિંમત 154.50 ડોલર રાખી હતી. એટલે કે સિક્કાની ફેસ વેલ્યુ માત્ર $1 હોવા છતાં સંગ્રાહકો પાસેથી તેના માટે પ્રીમિયમ વસૂલવામાં આવી રહ્યું છે.

સિક્કો દેખાવમાં સોનેરી છે, પરંતુ તેમાં ખરું સોનું નથી. તેમાં 88.5 ટકા તાંબું, 6 ટકા ઝિંક, 3.5 ટકા મેંગેનીઝ અને 2 ટકા નિકલ છે. સિક્કાનું ફેસ વેલ્યુ $1 છે અને તે કાયદેસર ચલણ છે.

જીવંત રાષ્ટ્રપતિનું ચિત્ર અમેરિકન ચલણ પર હોવું અસામાન્ય છે. આ સિક્કો 2026ના વિશેષ સેમીક્વિનસેન્ટેનિયલ કાયદાકીય પ્રાવધાનો હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. U.S. Mint મુજબ આ સિક્કો 2026ના પાનખરમાં ચલણમાં પણ રિલીઝ થવાનો છે.

શ્રાવણનો છેલ્લો સોમવાર કોના માટે ખોલશે ભાગ્યના નવા દરવાજા? જાણો આજનું રાશિફળ

૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની કૃપાથી સપ્તાહની શરૂઆત નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે થશે. કાર્યક્ષેત્રે અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સાથ મળશે. આર્થિક લાભના નવા માર્ગો ખુલશે અને જૂની ઉઘરાણી પાછી મળવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.


​વૃષભ (Taurus):
નાણાકીય બાબતોમાં આયોજનબદ્ધ નિર્ણયો લેવા અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ રહેશે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવાથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ પારિવારિક વિષયો પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, નિયમિત આહાર જાળવવો.


​મિથુન (Gemini):
તમારી બૌદ્ધિક ક્ષમતા અને કુશળ સંવાદ શૈલીથી મહત્વપૂર્ણ વ્યવસાયિક કામો સફળતાપૂર્વક પાર પડશે. વેપાર-ધંધામાં નવા સંપર્કો લાભદાયી સાબિત થશે અને ભાગીદારીમાં પ્રગતિ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો ઉત્તમ સમય છે. મિત્રો સાથેની વાતચીત મનને નવી તાજગી આપશે.


​કર્ક (Cancer):
રાશિ સ્વામી ચંદ્રના શુભ પ્રભાવથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં મન વિશેષ લાગશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રમાણિકતાની યોગ્ય કદર થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. પૂરતો આરામ લેવો જરૂરી છે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં સારો વધારો જોવા મળશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જૂના રોકાણોમાંથી સારો નફો મળશે. પરિવાર સાથે સુખદ ક્ષણો વિતાવશો.


​કન્યા (Virgo):
સપ્તાહના પ્રથમ દિવસે કામનો ભાર વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમામ જવાબદારીઓ સમયસર પૂર્ણ થશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ મળશે. ધ્યાન અને યોગ કરવાથી માનસિક તણાવ દૂર થશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહવર્ધક રહેશે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક વિચારોથી ભરેલું રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી યોજનાઓ સફળ થશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે અને મન શાંતિ અનુભવશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ ભવિષ્યમાં સકારાત્મક આવશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.