હવાની ગુણવત્તા માટે વારંવાર ચર્ચામાં રહેતા મોટા શહેરોમાંથી ગુજરાતે આ વખતે પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026ના પરિણામોમાં સુરત દેશના ટોચના શહેરોમાં પાંચમા ક્રમે પહોંચ્યું છે, જ્યારે રાજકોટ, અમદાવાદ અને વડોદરાએ પણ રાષ્ટ્રીય સ્તરે ટોપ-15માં સ્થાન મેળવી ગુજરાત માટે ગૌરવ વધાર્યું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરી-1માં ઉત્તર પ્રદેશનું લખનૌ 198ના સ્કોર સાથે પ્રથમ રહ્યું છે. મધ્ય પ્રદેશનું ઇન્દોર 197 સાથે બીજા અને જબલપુર 195 સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભોપાલ અને આગ્રા 192ના સ્કોર સાથે સંયુક્ત ચોથા ક્રમે રહ્યા છે. સુરત 191ના સ્કોર સાથે પાંચમા ક્રમે રહ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો રાજકોટ 187ના સ્કોર સાથે સાતમા ક્રમે, જ્યારે અમદાવાદ 186ના સ્કોર સાથે આઠમા ક્રમે રહ્યું છે. વડોદરાએ 179ના સ્કોર સાથે ટોપ-15માં સ્થાન મેળવ્યું છે. આમ, ગુજરાતના ચાર મોટા શહેરોએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કર્યો છે.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હેઠળ શહેરોમાં રોડ ડસ્ટ, વાહન અને ઔદ્યોગિક ઉત્સર્જન, કચરો કે બાયોમાસ સળગાવવાથી થતું પ્રદૂષણ, બાંધકામની ધૂળ તેમજ PM10માં સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ પરિણામો દર્શાવે છે કે ગુજરાતના મોટા શહેરોમાં હવા પ્રદૂષણ ઘટાડવા અને શહેરી પર્યાવરણ સુધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે.





