દેશના કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવાના હેતુથી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજના સામે હવે નવા આંકડાઓએ મોટો સવાલ ઊભો કર્યો છે. RTIના જવાબમાં સામે આવ્યું છે કે દેશમાં ખોલાયેલા આશરે 59 કરોડ જનધન ખાતાઓમાંથી 5.72 કરોડ ખાતામાં એક પણ રૂપિયો જમા નથી, જ્યારે 15.36 કરોડ ખાતાં નિષ્ક્રિય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગે RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડની અરજીના જવાબમાં જણાવ્યું કે 12 ઓગસ્ટ, 2026 સુધી દેશમાં કુલ 59,03,74,907 જનધન ખાતાં હતાં. આ ખાતાઓમાં કુલ ₹3,15,179.90 કરોડ જમા હતા. કુલ ખાતાઓમાંથી 32.89 કરોડ મહિલાઓ અને 26.14 કરોડ પુરુષોના નામે હતાં.
રાજ્યવાર આંકડામાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. ત્યાં 95.92 લાખ ખાતાં શૂન્ય બેલેન્સવાળા છે. ત્યારબાદ બિહાર 62.35 લાખ, પશ્ચિમ બંગાળ 37.20 લાખ, આસામ 36.30 લાખ અને મહારાષ્ટ્ર 36.04 લાખ સાથે આવે છે. નિષ્ક્રિય ખાતાઓમાં પણ ઉત્તર પ્રદેશ 3.23 કરોડ સાથે પ્રથમ ક્રમે છે.
જનધન યોજના ઓગસ્ટ 2014માં નાણાકીય સમાવેશ વધારવા, બેંકિંગ સેવાઓ સુધી પહોંચ અને નાણાકીય સુરક્ષા સુલભ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. જોકે, RTIમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ₹100થી ઓછી રકમ ધરાવતા ખાતાં, છેલ્લા પાંચ વર્ષમાં બંધ થયેલા ખાતાં અને સાઇબર ફ્રોડના કારણે બ્લોક અથવા ફ્રીઝ કરાયેલા ખાતાઓની વિગત કેન્દ્ર સ્તરે અલગથી જાળવાતી નથી.





